
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ

નવસારી જિલ્લાના વાંસદા તાલુકામાં આવેલ સુપ્રસિદ્ધ માતાજી મંદિર પરિસરમાં આવેલું અને આદિવાસી સમાજ સહિત દક્ષિણ ગુજરાતના રામભક્તો માટે આસ્થાનું કેન્દ્ર ગણાતું ઐતિહાસિક રામજી મંદિર હવે નવીન સ્વરૂપ ધારણ કરશે. મંદિરના નિર્માણ કાર્યને વેગ આપવા રાજ્ય સરકારે રૂ. 5.03 કરોડની ગ્રાન્ટ ફાળવતા રામભક્તોમાં આનંદની લાગણી પ્રસરી છે.
રામજી મંદિર જર્જરિત હાલતમાં હોવાથી તેના પુનઃનિર્માણની લાંબા સમયથી માંગ ઉઠી રહી હતી. અઢી વર્ષ અગાઉ મંદિરના નિર્માણ માટે પ્રવાસન ધામ દ્વારા રૂ. 1.78 કરોડની ગ્રાન્ટ મંજૂર કરવામાં આવી હતી. જોકે, મંજૂરી બાદ પણ lpનિર્માણ કાર્ય શરૂ ન થતાં રામભક્તોમાં નિરાશા વ્યાપી હતી.
આ મુદ્દે રામભક્તો અને સ્થાનિક આગેવાનો દ્વારા રજૂઆતો કરવામાં આવી હતી. દરમિયાન વલસાડ-ડાંગના સાંસદ ધવલભાઈ પટેલદ્વારા પણ આસ્થાના આ મહત્વપૂર્ણ સ્થળના વિકાસ અંગે સરકાર સમક્ષ સતત રજૂઆત કરવામાં આવી હતી. સાંસદે ઉનાઈ ખાતે આવી સ્થાનિકો તથા રામભક્તો સાથે ચર્ચા કરી મંદિરના વિકાસની કામગીરીને ગંભીરતાથી આગળ ધપાવવાની ખાતરી આપી હતી.
સાંસદ ધવલભાઈ પટેલની રજૂઆત, જિલ્લા સંગઠન તેમજ સ્થાનિક આગેવાનો અને રામભક્તોની સતત મહેનત બાદ રાજ્ય સરકાર દ્વારા માત્ર એક મહિનાના સમયગાળામાં રૂ. 5.03 કરોડની ગ્રાન્ટ મંજૂર કરવામાં આવી છે. આ ગ્રાન્ટથી રામજી મંદિરના ભવ્ય નિર્માણ સાથે મંદિર પરિસરમાં પ્રદક્ષિણાપથ, મુખ્ય પ્રવેશદ્વાર, લેન્ડસ્કેપિંગ, કેમ્પિંગ વોલ, કવર હોલ, ભોજનાલય સહિતની વિવિધ સુવિધાઓ વિકસાવવામાં આવશે.
સરકારના આ નિર્ણયથી ઉનાઈના રામજી મંદિરને ભવ્ય અને સુવિધાસભર ધાર્મિક-પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવાનો માર્ગ મોકળો થયો છે. રાજ્ય સરકાર, સાંસદ ધવલભાઈ પટેલ, જિલ્લા સંગઠન તેમજ સ્થાનિક આગેવાનો અને રામભક્તોના પ્રયાસોને પગલે વર્ષોથી પ્રતીક્ષિત મંદિર નિર્માણ કાર્યને હવે નવી ગતિ મળવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.


