NANDODNARMADA

નર્મદા: એકતા સ્કિલ ડેવલપમેન્ટ સેન્ટરના તાલીમાર્થીઓ દ્વારા બનાવવામાં આવેલી રાખડીઓનું SOU વિસ્તારમાં વેચાણ 

નર્મદા: એકતા સ્કિલ ડેવલપમેન્ટ સેન્ટરના તાલીમાર્થીઓ દ્વારા બનાવવામાં આવેલી રાખડીઓનું SOU વિસ્તારમાં વેચાણ

 

રાજપીપળા : જુનેદ ખત્રી

 

વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી અને તેની આસપાસ વિકસાવવામાં આવેલા વિવિધ પ્રવાસન આકર્ષણોના કારણે એકતા નગર આજે દેશ અને વિદેશના પ્રવાસીઓ માટે એક મહત્વપૂર્ણ પ્રવાસન કેન્દ્ર તરીકે વિકસી રહ્યું છે. પ્રવાસન વિકાસની સાથે સાથે સ્થાનિક લોકો અને ખાસ કરીને યુવાનોને વિકાસની મુખ્યધારામાં જોડવા માટે કૌશલ્ય વિકાસ અને રોજગારીલક્ષી પ્રવૃત્તિઓને પણ પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે.

આ જ હેતુને સાકાર કરવા માટે એકતા સ્કિલ ડેવલપમેન્ટ સેન્ટર ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તાર વિકાસ અને પ્રવાસન નિયમન સત્તામંડળ (SoUADTGA)ના સહયોગ અને માર્ગદર્શન હેઠળ સ્થાનિક યુવાનો માટે વિવિધ પ્રકારના ટૂંકાગાળાના કૌશલ્ય વિકાસ તાલીમ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. કેન્દ્ર ખાતે તાલીમાર્થીઓને વિવિધ ક્ષેત્રોમાં જરૂરી કૌશલ્ય પ્રદાન કરીને તેમને રોજગારી અને સ્વરોજગારની તકો સાથે જોડવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

એકતા સ્કિલ ડેવલપમેન્ટ સેન્ટર ખાતે તાલીમાર્થીઓના સર્વાંગી વિકાસ અને તેમની સર્જનાત્મક ક્ષમતાને પ્રોત્સાહન આપવા માટે વિવિધ તહેવારોને અનુલક્ષીને વિશેષ વર્કશોપનું પણ આયોજન કરવામાં આવે છે. રક્ષાબંધન પર્વ નિમિત્તે ખાસ આયોજીત વિશેષ વર્કશોપમાં એકતા સ્કિલ ડેવલપમેન્ટ સેન્ટરના તાલીમાર્થીઓ દ્વારા પોતાની સર્જનાત્મકતા અને કૌશલ્યનો ઉપયોગ કરીને વિવિધ ડિઝાઇનની આકર્ષક રાખડીઓ બનાવવામાં આવી રહી છે.

 

તાલીમાર્થીઓ દ્વારા તૈયાર કરવામાં આવેલી આકર્ષક અને વિવિધ ડિઝાઇનની રાખડીઓને પ્રવાસીઓ અને મુલાકાતીઓ સુધી પહોંચાડવાના હેતુથી સ્ટેચ્યુ ઓફ યુનિટીના વિસ્તારમાં નીચે મુજબના સ્થળોએ વેચાણ માટે સ્ટોલ ગોઠવવામાં આવશે:

 

• સ્ટેચ્યુ ઓફ યુનિટી (SoU) ખાતે બસ બે વિસ્તાર – તા. 22-08-2026 થી તા. 28-08-2026 સુધી.

 

• શ્રેષ્ઠ ભારત ભવન પાર્કિંગ એરિયા ખાતે – તા. 25-08-2026 થી તા. 28-08-2026 સુધી.

 

• વહીવટી સંકુલ, એકતા નગર ખાતે – તા. 25-08-2026 થી તા. 26-08-2026 સુધી.

 

આ પહેલ દ્વારા એક તરફ પ્રવાસીઓને સ્થાનિક યુવાનો દ્વારા તેમની કૌશલ્ય તાલીમ દરમિયાન તૈયાર કરવામાં આવેલી સર્જનાત્મક રાખડીઓ ખરીદવાની તક મળશે, તો બીજી તરફ એકતા સ્કિલ ડેવલપમેન્ટ સેન્ટરના તાલીમાર્થીઓને તેમના કૌશલ્યને પ્રદર્શિત કરવા માટે એક યોગ્ય મંચ મળશે. આ પ્રવૃત્તિ સ્થાનિક યુવાનોના કૌશલ્ય વિકાસ, આત્મનિર્ભરતા અને સ્વરોજગારને પ્રોત્સાહન આપવામાં પણ મહત્વપૂર્ણ સાબિત થશે.

Back to top button
error: Content is protected !!