
ફુલસર-દૂથર રોડ મુદ્દે ગ્રામજનોએ ચૂંટણી બહિષ્કાર કર્યો,ધારાસભ્ય ચૈતર વસાવા સમજાવટ બાદ ગ્રામજનોએ શરૂ કર્યું મતદાન*
રસ્તાની લેખિત બાંહેધરી મળતા ફુલસર-દૂથર ગામે મતદાન શરૂ : ચૈતર વસાવા
તાહિર મેમણ – ડેડીયાપાડા – 26/04/2026 – સ્થાનિક સ્વરાજની ચૂંટણીના દિવસે નર્મદા જિલ્લાના ડેડિયાપાડા તાલુકાના દૂથર ગામના ગ્રામજનોએ ફુલસરથી દૂથર ગામે જતાં ડામર રોડની માંગ સાથે ચૂંટણીનો બહિષ્કાર કર્યો હતો. ગ્રામજનોની મુખ્ય માંગ હતી કે ફુલસરથી દૂથર સુધીનો રોડ રીસરફેસિંગ અને કન્સ્ટ્રક્શન હેઠળ મંજૂર થયેલો હોવા છતાં તેનું કામ અટકાવી દેવામાં આવ્યું છે. અગાઉ ઈજારદાર દ્વારા રસ્તા પર ફેસિંગ વર્ક સહિત પ્રાથમિક કામગીરી શરૂ કરવામાં આવી હતી, પરંતુ ગુજરાત વન વિભાગ દ્વારા આ વિસ્તાર શૂલપાણેશ્વર વન્યજીવન અભ્યારણ્ય હેઠળ આવતો હોવાથી વન્ય પ્રાણી સુરક્ષા અધિનિયમ-1992 મુજબ વાઇલ્ડલાઇફ ક્લિયરન્સ ફરજિયાત ગણાવી કામ બંધ કરાવવામાં આવ્યું હતું.
ચૂંટણી બહિષ્કારની જાણ થતા AAPના ધારાસભ્ય ચૈતર વસાવા તાત્કાલિક ગામે પહોંચ્યા હતા અને ગ્રામજનો સાથે ચર્ચા કરી હતી. તેમની હાજરીમાં માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઈજનેર, ફુલસરના રેન્જ ફોરેસ્ટ ઓફિસર તથા અન્ય જવાબદાર અધિકારીઓ સાથે બેઠક યોજાઈ હતી. અધિકારીઓએ ગ્રામજનોને લેખિતમાં બાંહેધરી આપી હતી કે રોડ રીસરફેસિંગ માટે જરૂરી વાઇલ્ડલાઇફ ક્લિયરન્સ મેળવવા માટે જોઈન્ટ સર્વે પૂર્ણ થઈ ગયો છે અને હાલ દસ્તાવેજી પ્રક્રિયા તાલુકા અને જિલ્લા કક્ષાએ મંજૂરી હેઠળ છે. આવનાર એક મહિનામાં તમામ મંજૂરી મેળવી ડામર રોડની કામગીરી પૂર્ણ કરવામાં આવશે. લેખિત બાંહેધરી મળતા ગ્રામજનોએ પોતાનો ચૂંટણી બહિષ્કાર સમાપ્ત કર્યો હતો અને બાદમાં ગામમાં મતદાન પ્રક્રિયા ફરી શરૂ થઈ હતી.




