GUJARATKUTCHMANDAVI

માંડવીના વીંઢ ગામના નવીનભાઇ શાહ રાસાયણિક ખેતી ત્યજીને પ્રાકૃતિક ખેતી અપનાવી બન્યા સમૃદ્ધ ખેડૂત

પ્રાકૃતિક ખેતીથી જમીનમાં ઓર્ગેનિક કાર્બન, ફળદ્રુપતા,નિતારશક્તિ સાથે ભેજનું પ્રમાણ વધતા પાકની ગુણવત્તા સુધરી.

વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – માંડવી કચ્છ.

૫ એકર જમીનમાં પ્રાકૃતિક રીતે દિવેલા, શાકભાજી, કપાસ, ઘઉં, બાજરો અને વાલ જેવાની પાકની સફળ ખેતી.

માંડવી ,તા-૦૧ સપ્ટેમ્બર : રાસાયણિક ખાતરોના વધતા ખર્ચ અને ઘટતા ઉત્પાદનથી પરેશાન થયેલા માંડવી તાલુકાના વીંઢ ગામના પ્રગતિશીલ ખેડૂત નવીનભાઇ શાહે પ્રાકૃતિક ખેતી અપનાવીને અન્ય ખેડૂતો માટે પ્રેરણારૂપ ઉદાહરણ પૂરું પાડ્યું છે. ઓછા ખર્ચે વધુ નફો અને જમીનની ફળદ્રુપતા જાળવવાનો તેમનો અનુભવ આજે જિલ્લાના અનેક ખેડૂતોને કુદરતી ખેતી તરફ વળવા પ્રેરિત કરી રહ્યો છે. ચીલાચાલુ ખેતીમાં નુકસાનથી પ્રાકૃતિક ખેતી તરફ પ્રયાણ કરનાર નવીનભાઇ જણાવે છે કે, “સૌ પ્રથમ હું ચીલાચાલુ ખેતી કરતો હતો, જેમાં કપાસ, મગફળી, ઘઉં તથા કઠોળ પાકોની ખેતી કરતો હતો. દિવસે દિવસે વધતો ખર્ચ અને ઘટતા ઉત્પાદનથી નુકસાન થતું હતું આ દરમિયાન આત્મા (ATMA) યોજના હેઠળ તેમને જિલ્લાકક્ષાએ તથા અન્ય જિલ્લામાં તાલીમ મળવા સાથે, કિસાન ગોષ્ઠી અને કૃષિ મેળા દ્વારા નવીન ખેતી પદ્ધતિની માહિતી મળી. આત્મા યોજના દ્વારા યોજાયેલી સાત દિવસની તાલીમમાં ભાગ લીધા બાદ તેમણે વર્ષ ૨૦૧૯થી સંપૂર્ણ પ્રાકૃતિક ખેતીની શરૂઆત કરી.પ્રાકૃતિક ખેતીમાં તેઓ જીવામૃત, બીજામૃત, દશપર્ણી અર્ક વગેરેનો ઉપયોગ કરે છે. તેઓ જણાવે છે કે, રાસાયણિક ખેતીમાં ખર્ચ વધારે થતો, જમીન બગડતી, નીંદામણ વધારે થતું અને સુક્ષ્મતત્વો તથા મિત્ર કીટકોનો નાશ થતો હતો. જ્યારે પ્રાકૃતિક ખેતીથી જમીનમાં ઓર્ગેનિક કાર્બનનું પ્રમાણ વધ્યું, ફળદ્રુપતા અને નિતારશક્તિ વધી, ભેજનું પ્રમાણ જળવાયું અને પાકની ગુણવત્તામાં સુધારો થયો છે. સૌથી મોટો ફાયદો એ છે કે, પ્રાકૃતિક ખેતી માટેની બધી જ વસ્તુ વાડી પર જ બની જાય છે, જેથી બજારમાંથી કંઈ લેવું પડતું નથી. આવક બમણી, ખર્ચ અડધો થઇ ગયો છે. નવીનભાઇ પાસે કુલ ૨૦ એકર જમીન છે, જેમાંથી ૫ એકરમાં તેઓ સંપૂર્ણ પ્રાકૃતિક ખેતી કરે છે, જેમાં દિવેલા, શાકભાજી, કપાસ, ઘઉં, બાજરો અને વાલ જેવા પાક લે છે. નવીનભાઇ શાહની આ સફળતા દર્શાવે છે કે પ્રાકૃતિક ખેતી માત્ર જમીન અને આરોગ્ય માટે જ નહીં, પરંતુ ખેડૂતની આર્થિક સમૃદ્ધિ માટે પણ ઉત્તમ વિકલ્પ છે.

Back to top button
error: Content is protected !!