
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ

નવસારી જિલ્લાના વાંસદા–ધરમપુર NH-56 પર જીવલેણ વળાંક સુધારવા કલેક્ટર અને માર્ગ-મકાન વિભાગને રજૂઆત; સ્થાનિકોના જીવ બચાવવા તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ
વાંસદા–ધરમપુરને જોડતા રાષ્ટ્રીય ધોરીમાર્ગ (NH-56) પર જામલિયા ગામ નજીક ડુંગરી પાસે આવેલો જોખમી વળાંક હવે અકસ્માતોનું કેન્દ્ર બની ગયો છે. અનેક જીવલેણ અકસ્માતો બાદ પણ તંત્ર દ્વારા કાયમી ઉકેલ ન લાવવામાં આવતા સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
સ્થાનિકોની લાંબા સમયથી ચાલી રહેલી રજૂઆતોને ધ્યાનમાં લઈ સમસ્ત આદિવાસી સમાજ નવસારી જિલ્લા પ્રમુખ, ખેરગામના યુવાઆગેવાન તથા છાંયડો હોસ્પિટલના ગોલ્ડ મેડલિસ્ટ સર્જન ડો. નિરવ ભુલાભાઈ પટેલે નેશનલ હાઇવે ઓથોરિટી, માર્ગ-મકાન વિભાગ અને નવસારી જિલ્લા કલેક્ટરને લેખિત રજૂઆત કરી તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી છે.
ડો. પટેલે પોતાના પત્રમાં જણાવ્યું છે કે જામલિયા ગામનો આ વળાંક હાલમાં ‘બ્લેક સ્પોટ’ બની ગયો છે, જ્યાં વાહનચાલકની એક નાની ભૂલ પણ જીવલેણ સાબિત થાય છે. ભૂતકાળમાં અહીં અનેક ગંભીર અકસ્માતો થયા છે, જેમાં અનેક નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા છે અને અનેક પરિવારો પર દુઃખનું આભ તૂટી પડ્યું છે.
તેમણે વધુમાં આક્ષેપ કર્યો છે કે માર્ગ-મકાન વિભાગ અને વન વિભાગ વચ્ચેના સંકલનના અભાવે વર્ષોથી આ પ્રશ્ન યથાવત રહ્યો છે. આદિવાસી વિસ્તારના વિકાસની વાતો વચ્ચે લોકોની સુરક્ષા સાથે આ પ્રકારની બેદરકારી અત્યંત ચિંતાજનક હોવાનું તેમણે જણાવ્યું.
ડો. નિરવ પટેલની મુખ્ય માંગણીઓ
જામલિયા ગામના જોખમી વળાંકનું વૈજ્ઞાનિક રીતે રી-અલાઇનમેન્ટ (સીધું અથવા પહોળું) કરવામાં આવે.
કાયમી કામગીરી પૂર્ણ ન થાય ત્યાં સુધી ચેતવણીના મોટા સાઇનબોર્ડ, સ્પીડ બ્રેકર, બ્લિંકર લાઇટ અને રિફ્લેક્ટર જેવી સુરક્ષા વ્યવસ્થા તાત્કાલિક ઊભી કરવામાં આવે.
માર્ગ-મકાન વિભાગ અને વન વિભાગ વચ્ચે તાત્કાલિક બેઠક યોજી જમીન સંપાદન તથા અન્ય મંજૂરી સંબંધિત પ્રશ્નોનો ઝડપથી ઉકેલ લાવવામાં આવે.
ડો. નિરવ પટેલે ભારપૂર્વક જણાવ્યું કે આ મુદ્દો માત્ર રસ્તાની મરામતનો નથી, પરંતુ હજારો સ્થાનિક આદિવાસી પરિવારો અને આ માર્ગ પરથી પસાર થતા પ્રવાસીઓના જીવન સાથે સીધો સંબંધ ધરાવે છે. વધુ એક અકસ્માત કોઈ પરિવારનો દીવો ઓલવી દે તે પહેલાં જિલ્લા કલેક્ટર અંગત રસ લઈ સંબંધિત વિભાગોને તાત્કાલિક કાર્યવાહી કરવા કડક સૂચના આપે તેવી લોકમાગ ઉઠી છે.
“વિકાસના દાવા ત્યારે જ સાર્થક ગણાય, જ્યારે રસ્તા લોકો માટે સુરક્ષિત બને. જામલિયાનો ‘મોતનો વળાંક’ હવે ઇતિહાસ બનવો જોઈએ.”



