
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ

આગામી દિવાળીના તહેવારોને અનુલક્ષીને વાંસદા સબ-ડિવિઝન હેઠળના વાંસદા તથા ખેરગામ તાલુકાના ગ્રામ્ય તેમજ શહેરી વિસ્તારોમાં હંગામી ધોરણે ફટાકડાનું વેચાણ કરવા ઇચ્છુક વ્યક્તિઓએ જરૂરી પરવાનો મેળવવા માટે નિયત અરજી કરવાની રહેશે. હંગામી ફટાકડા વેચાણના પરવાના માટેનું નિયત અરજી ફોર્મ તા. ૦૬/૦૭/૨૦૨૬થી તા.૩૧/૦૭/૨૦૨૬ દરમિયાન સંબંધિત તાલુકાની મામલતદાર કચેરીમાંથી મેળવી શકાશે.
અરજદારોએ જરૂરી સાધનિક પુરાવા, ત્રણ પાસપોર્ટ સાઇઝના ફોટોગ્રાફ્સ સાથે અરજીના બે સેટ તૈયાર કરી રજિસ્ટર્ડ પોસ્ટ એ.ડી. અથવા રૂબરૂમાં તા.૧૪/૦૮/૨૦૨૬ સુધીમાં નાયબ કલેક્ટર અને સબ-ડિવિઝનલ મેજિસ્ટ્રેટશ્રીની કચેરી, તાલુકા સેવા સદન, વાંસદા , જિ. નવસારી ખાતે રજૂ કરવાના રહેશે. નિયત સમયમર્યાદા બાદ પ્રાપ્ત થનાર અરજીઓ સ્વીકારવામાં આવશે નહીં તેમજ ધ્યાને લેવામાં આવશે નહીં.
હંગામી ફટાકડા વેચાણનો પરવાનો મેળવવા ઇચ્છતા અરજદારોએ પરવાના માટેની ફી રૂ. ૯૦૦/- (અંકે રૂપિયા નવસો પૂરા) ભરવાની રહેશે. આ માટેનું ચલણ સંબંધિત તાલુકા મામલતદાર કચેરીમાંથી મેળવી સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા ખાતે “0070 Other Administrative Services – Receipts under Explosives Act” હેડ હેઠળ રકમ જમા કરાવી તેની અસલ ચલણ અરજી સાથે જોડવાની રહેશે.
વાંસદા સબ-ડિવિઝન હેઠળના તમામ ઇચ્છુક અરજદારોને સમયસર અરજી કરવા સબ-ડિવિઝનલ મેજિસ્ટ્રેટશ્રી, વાંસદા દ્વારા અખબારી યાદીમાં જણાવાયું છે.



