જેસીઆઈ વાંસદા રોયલની ચાર્ટર નાઈટમાં સેવાયાત્રાનું ગૌરવગાન, 19મા વર્ષમાં પ્રવેશ સાથે ભવ્ય ઉજવણી…

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
વાંસદા : સમાજસેવા, શિક્ષણ અને આરોગ્ય ક્ષેત્રે સતત કાર્યરત રહેલી JCI Vansda Royal દ્વારા નવાનગર ગામે ચાર્ટર નાઈટની ઉજવણી ઉત્સાહભેર કરવામાં આવી હતી. સંસ્થાએ સફળતાપૂર્વક 18 વર્ષ પૂર્ણ કરી 19મા વર્ષમાં પ્રવેશ કરતાં સભ્યો અને માજી પ્રમુખોની ઉપસ્થિતિમાં યાદગાર કાર્યક્રમ યોજાયો હતો.
કાર્યક્રમની શરૂઆત જેસીઆઈ વાંસદા રોયલના પ્રમુખ જેસી એડવોકેટ વિજયભાઈ પટેલ દ્વારા મહેમાનો, સભ્યો તથા માજી પ્રમુખોના સ્વાગત સાથે કરવામાં આવી હતી. તેમણે જેસી ગ્રીડનું વાચન કરી કાર્યક્રમને ઔપચારિક રીતે પ્રારંભ કરાવ્યો હતો.
આ પ્રસંગે વર્ષ 2008થી 2025 સુધીના વિવિધ પ્રમુખશ્રીઓએ પોતાના કાર્યકાળ દરમિયાન થયેલી સેવાકીય પ્રવૃત્તિઓ, પડકારો અને અનુભવો સભ્યો સમક્ષ રજૂ કર્યા હતા. વક્તાઓએ સંસ્થાની વિકાસયાત્રા અને સમાજ પ્રત્યેની પ્રતિબદ્ધતાને યાદ કરી ગૌરવ વ્યક્ત કર્યું હતું.
જેસીઆઈ વાંસદા રોયલ છેલ્લા 18 વર્ષથી વાંસદા તાલુકા અને આસપાસના વિસ્તારોમાં સામાજિક, શૈક્ષણિક, આરોગ્યલક્ષી અને સેવાકીય પ્રવૃત્તિઓ દ્વારા નોંધપાત્ર યોગદાન આપી રહી છે. 19મા વર્ષમાં પ્રવેશ સાથે સંસ્થાના સભ્યોએ વધુ ઉત્સાહ અને સેવાભાવના સાથે સમાજહિતના કાર્યોને આગળ વધારવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો.
પ્રમુખ એડવોકેટ વિજયભાઈ પટેલે પોતાના કાર્યકાળ દરમિયાન હાથ ધરાયેલી ફટાકડા વિતરણ, પતંગ વિતરણ, ટ્રેડ ફેર, બ્લડ ડોનેશન કેમ્પ તેમજ ‘દાદીમાના સપનાનું ઘર’ જેવા અનેક લોકોપયોગી પ્રોજેક્ટોની માહિતી આપી હતી. સાથે આગામી સમયમાં પણ સમાજને ઉપયોગી બને તેવી નવીન સેવાકીય પ્રવૃત્તિઓ હાથ ધરવાનું વિઝન રજૂ કર્યું હતું.
તેમણે સંસ્થાને સતત 18 વર્ષ સુધી સક્રિય રાખી સમાજસેવાના કાર્યોમાં મહત્વપૂર્ણ યોગદાન આપનારા તમામ પૂર્વ પ્રમુખો અને સભ્યોનો આભાર વ્યક્ત કર્યો હતો.
કાર્યક્રમના અંતે સેક્રેટરી જેસી કુલદીપ સુરતી દ્વારા ઉપસ્થિત સૌનો આભાર માનવામાં આવ્યો હતો. ત્યારબાદ સૌ સભ્યોએ સહભોજનનો આનંદ માણી કાર્યક્રમને યાદગાર બનાવ્યો હતો.



