નવસારીના વિકાસ કાર્યોની કમિશનર દ્વારા અચાનક મુલાકાત, ગુણવત્તા અને સમયમર્યાદા અંગે કડક સૂચના

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ

નવસારી મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર જયેશ ઉપાધ્યાય (IAS) એ બુધવારે શહેરમાં ચાલી રહેલા વિવિધ વિકાસ કાર્યોની રૂટિન ફિલ્ડ વિઝિટ કરી કામગીરીની ગુણવત્તા અને પ્રગતિની સમીક્ષા કરી હતી.
કમિશનરશ્રીએ કબીલપોર તળાવ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ, ગ્રીડ અન્ડરબ્રિજ ડેવલપમેન્ટ, તેમજ સ્માર્ટ લાઇબ્રેરી, ICCC ભવન અને સિનિયર સિટીઝન પાર્ક સહિતના પ્રોજેક્ટ્સનું નિરીક્ષણ કરી બાકી રહેલા કાર્યો સમયસર અને ગુણવત્તાયુક્ત રીતે પૂર્ણ કરવા સંબંધિત એજન્સીઓને કડક સૂચના આપી હતી.
મુલાકાત દરમિયાન શહેરમાં ચાલી રહેલી વિશેષ સ્વચ્છતા અભિયાન અને ડોર-ટુ-ડોર વેસ્ટ કલેક્શન વ્યવસ્થાની પણ સમીક્ષા કરવામાં આવી હતી. કમિશનરશ્રીએ ચોમાસા પૂર્વે સમગ્ર શહેરમાં સંતોષકારક સફાઈ સુનિશ્ચિત કરવા અધિકારીઓને તાકીદ કરી હતી.
તેમણે જણાવ્યું હતું કે નાગરિકોના ટેક્સના નાણાંથી થઈ રહેલા તમામ વિકાસ કાર્યો નિયત સમયમર્યાદામાં અને શ્રેષ્ઠ ગુણવત્તા સાથે પૂર્ણ થવા જોઈએ, જેમાં કોઈપણ પ્રકારની બેદરકારી સહન કરવામાં આવશે નહીં.



