NAVSARINAVSARI CITY / TALUKO

Navsari: જલાલપોર પોલીસે સાઇબર ફ્રોડમાં બેંક એકાઉન્ટ ભાડે આપી કમિશન મેળવતા બે આરોપીઓને ઝડપી પાડ્યા..

વાત્સલ્યમ સમાચાર

મદન વૈષ્ણવ

નવસારી જિલ્લામાં સાઇબર ક્રાઇમને ડામવા માટે ચાલી રહેલા “ઓપરેશન મ્યુલ હંટ” અંતર્ગત જલાલપોર પોલીસે પોતાના બેંક એકાઉન્ટ ભાડે આપી કમિશન મેળવનારી ટોળકીના બે સાગરીતોને ઝડપી પાડ્યા છે. પોલીસને ઇન્ડિયન સાયબર ક્રાઇમ કો-ઓર્ડિનેશન સેન્ટર, નવી દિલ્હી તરફથી મળેલી મ્યુલ બેંક એકાઉન્ટ અંગેની માહિતીના આધારે તપાસ હાથ ધરવામાં આવી હતી.

તપાસ દરમિયાન નવસારી કેનેરા બેંક શાખાનું શંકાસ્પદ મ્યુલ એકાઉન્ટ મળી આવતાં પોલીસે તેની ઊંડાણપૂર્વક તપાસ કરી હતી. ટેક્નિકલ એનાલિસિસ, હ્યુમન સોર્સ, ડિજિટલ સર્વેલન્સ અને ટ્રેકિંગના આધારે એકાઉન્ટ ધારક મયુરકુમાર ઉર્ફે મુરલી મુકુન્દરાય પીઠડીયા (ઉ.વ.35)ને તેના જ રહેણાંક સ્થળેથી ઝડપી પાડવામાં આવ્યો હતો.

પોલીસ તપાસમાં આ ગુનામાં સંડોવાયેલા અન્ય આરોપી રાહુલ ભરતભાઈ રાઠોડ (ઉ.વ.28)ને પણ ઝડપી પાડવામાં આવ્યો છે. જ્યારે નીખિલ દિનેશભાઈ મકવાણા, રહે. કતારગામ, સુરતને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે.

આ મામલે જલાલપોર પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા-2023ની વિવિધ કલમો તેમજ આઈ.ટી. એક્ટ-2000ની કલમ 66(C), 66(D) હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. તપાસમાં અલગ-અલગ રાજ્યોમાંથી કુલ રૂ.22,03,000ના ટ્રાન્ઝેક્શન થયાનું સામે આવ્યું હોવાનું પોલીસ પ્રેસનોટમાં જણાવાયું છે. આ ઉપરાંત પશ્ચિમ બંગાળના બિધાનનગર સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં પણ આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધાયેલો હોવાનું સામે આવ્યું છે. આ સમગ્ર કામગીરી જલાલપોર પોલીસ ઇન્સ્પેક્ટર એલ.જી. રાઠોડના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઈ. ડી.એન. ચૌધરી સહિત પોલીસ સ્ટાફે હાથ ધરી હતી.

Back to top button
error: Content is protected !!