નિરોણા સારસ્વતમ્ સંચાલિત પી.એ.હાઇસ્કૂલ,પ્રાથમિક આંગણવાડીના સંયુક્ત ઉપક્રમે પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવની ઉજવણી કરવામાં આવી.
વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – નખત્રાણા કચ્છ.
નખત્રાણા,તા-૨૯ જૂન : શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ – ૨૦૨૫ અંતર્ગત, નિરોણા ગામે શ્રી સારસ્વતમ્ સંચાલિત પુંજાભાઈ આણંદજી હાઇસ્કૂલ, આંગણવાડી, બાલવાટીકા, પ્રાથમિક કુમાર તેમજ કન્યા શાળાના સંયુક્ત ઉપક્રમે ઉત્સાહભેર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય તથા મા શારદેની વંદના સાથે કરવામાં આવેલ હતી. હાઇસ્કૂલના આચાર્ય ડો. વી.એમ. ચૌધરી સાહેબે મહેમાનોનું શાબ્દિક સ્વાગત કર્યું હતું. ત્યારબાદ ઉપસ્થિત મહાનુભાવોને ભગવદ ગીતાનું પુસ્તક અર્પણ કરી સન્માનિત કરવામાં આવ્યા હતા. ગામના સરપંચ શ્રી નરોત્તમભાઈ આહીરે પ્રસંગોચિત ઉદબોધન કરેલ હતું. ત્યારબાદ સરપંચ શ્રી, મુખ્ય મહેમાન એવા મુખ્ય સેવિકા કંચનબેન ગુંસાઈ તેમજ અન્ય મહાનુભાવોએ ઉપસ્થિત રહી આંગણવાડી, બાલવાટીકા, ધોરણ ૧ અને ૯ના વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટ, બેગ અને પુસ્તકો દ્વારા શાળામાં પ્રવેશ આપાવ્યો હતો. આ કાર્યક્રમ અંતર્ગત વિદ્યાર્થીઓએ પર્યાવરણ, સ્વાસ્થ્ય સુરક્ષા તથા વિજ્ઞાન અને ટેકનોલોજી જેવા વિષયોને આવરી લઈ વક્તવ્ય રજૂ કર્યા હતાં.જ્ઞાનસેતુ, જ્ઞાનસાધના, ભારતીય સંસ્કૃતિ જ્ઞાન પરીક્ષા, એસ.એસ.સી.માં શ્રેષ્ઠ દેખાવ તથા આઈ.ટી. પરીક્ષાઓમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનારા વિદ્યાર્થીઓને મોમેન્ટો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. મોમેન્ટોના દાતા આચાર્ય ડો. વી.એમ. ચૌધરી સાહેબ અને કર્મના સિદ્ધાંતને ઉજાગર કરતા ભગવદ ગીતા પુસ્તકના દાતા શ્રી અલ્પેશભાઇ જાની નુ પણ સન્માન કરવામાં આવ્યુ હતુ. સમગ્ર કાર્યક્રમ બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે ઉર્જાવાન બન્યો હતો. જેમાં ગામના આગેવાનો, વાલીગણ, શિક્ષણવિદો તેમજ પત્રકાર મિત્રો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલ હતા. કાર્યક્રમનુ સફળ સંચાલન હાઇસ્કૂલની વિદ્યાર્થીનીઓ ભાનુશાલી વંશી અને આહિર દેવિતાએ કર્યું હતું. આભારવિધિ કુમાર શાળાની આચાર્યા કંચનબેન દ્વારા કરવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે એસ.એસ.પી.એ હાઇસ્કૂલ, પ્રાથમિક કુમાર તેમજ કન્યા શાળાના શિક્ષકોએ જહેમત ઉઠાવેલ હતી.



