વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – માંડવી કચ્છ.
માંડવી કચ્છ,તા-૨૧ જૂન : કચ્છના લોકજીવન અને સંસ્કૃતિનો અવિભાજ્ય અંગ એવા કચ્છી નવા વર્ષ “અષાઢી બીજ” ના પાવન પર્વની ઉજવણી નિમિત્તે સમગ્ર કચ્છ જિલ્લામાં ૨૭ જૂન, ૨૦૨૫ (ગુરુવાર) ના રોજ જાહેર રજા જાળવી રાખવાની પ્રબળ માંગણી ઉઠી છે. જિલ્લા પંચાયત, કચ્છ, શિક્ષણ શાખા દ્વારા તાજેતરમાં બહાર પાડવામાં આવેલા એક પરિપત્રમાં “પ્રવેશોત્સવ” કાર્યક્રમના કારણોસર કેટલીક શાળાઓમાં રજા રદ કરવાનો અને અમુક શાળાઓમાં જ રજા જાળવી રાખવાનો નિર્ણય લેવાયો છે, જેને લઈને કચ્છભરના નાગરિકોમાં વ્યાપક રોષ અને અસંતોષ જોવા મળી રહ્યો છે.આ પરિપત્ર મુજબ, કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ તા. ૨૬, ૨૭ અને ૨૮ જૂનના રોજ હોવાથી, માત્ર જે શાળાઓમાં આ કાર્યક્રમનું આયોજન થયેલું છે, ત્યાં જ ૨૭મી જૂનની અષાઢી બીજ/કચ્છી નવા વર્ષની રજા યથાવત રહેશે. આનો સીધો અર્થ એ થાય છે કે, કચ્છની મોટાભાગની શાળાઓ અને અન્ય સંસ્થાઓમાં આ દિવસે રજા રદ ગણાશે.કચ્છી અષાઢી બીજ એ માત્ર એક તહેવાર નથી, પરંતુ કચ્છની ગૌરવપૂર્ણ સંસ્કૃતિ, પરંપરા અને ઓળખનું પ્રતિક છે. આ દિવસે સમગ્ર કચ્છ અને વિશ્વભરમાં વસતા કચ્છીઓ હર્ષોલ્લાસભેર નવા વર્ષની ઉજવણી કરે છે. આવા પાવન પ્રસંગે રજાને સીમિત કરવી અથવા રદ કરવી એ કચ્છની ભાવના અને લાગણીઓનું અપમાન સમાન છે.આ નિર્ણય જિલ્લા કક્ષાએથી ઉતાવળમાં લેવાયો હોય તેવું સ્પષ્ટ જણાઈ આવે છે. જો રાજ્યકક્ષાએથી, ખાસ કરીને માનનીય શિક્ષણ મંત્રીશ્રી કે મુખ્યમંત્રીશ્રી સાથે પરામર્શ કરવામાં આવ્યો હોત, તો કદાચ સમગ્ર કચ્છની જનતાની લાગણીઓને માન આપીને વ્યાપક અને સર્વસંમત નિર્ણય લઈ શકાયો હોત.અમે, કચ્છની જનતા વતી, ગુજરાત સરકાર અને સંબંધિત અધિકારીઓને નમ્ર વિનંતી કરીએ છીએ કે, આ મુદ્દાની ગંભીરતાને સમજી, તાત્કાલિક આ નિર્ણય પર પુનર્વિચાર કરવામાં આવે. કચ્છી નવા વર્ષ “અષાઢી બીજ” ના પાવન પર્વ નિમિત્તે સમગ્ર કચ્છ જિલ્લામાં ૨૭ જૂન, ૨૦૨૫ ના રોજ સંપૂર્ણ જાહેર રજા જાહેર કરવામાં આવે, જેથી કચ્છના દરેક નાગરિક, નાના બાળકથી લઈને વૃદ્ધ સુધી, સૌ કોઈ આ પવિત્ર દિવસની ઉજવણી પારંપરિક રીતે અને ધામધૂમથી કરી શકે. આ નિર્ણય કચ્છની સાંસ્કૃતિક વિરાસતને જાળવી રાખવા અને જનભાવનાનો આદર કરવા માટે અત્યંત આવશ્યક છે.આશા છે કે સરકારશ્રી અને સંબંધિત વિભાગો આ બાબતને સકારાત્મક રીતે લઈને યોગ્ય નિર્ણય કરશે.



