
અરવલ્લી
અહેવાલ – હિતેન્દ્ર પટેલ
ટીંટોઈ – જીતપુરમાં ટ્રેક્ટર અકસ્માતમાં એકનું મોત,મજૂરો ભરેલા ટ્રેક્ટરને અકસ્માત નડ્યો
મોડાસા તાલુકાના જીતપુર ગામની સીમમાં જીતપુરથી દધાલીયા તરફ જતા રોડ પર ટ્રેક્ટર અકસ્માતમાં એક વ્યક્તિનું મોત થતાં અરેરાટી ફેલાઈ છે. અકસ્માતમાં ટ્રેક્ટરમાં સવાર અન્ય મજૂરોને પણ વત્તા-ઓછી ઈજાઓ પહોંચી હોવાનું સામે આવ્યું છે
રાજલી કંપાના અરવિંદભાઈ વશરામભાઈ પટેલ પોતાના સોનાલિકા ટ્રેક્ટર નંબર GJ-31-A-1572માં મજૂરોને બેસાડી મજૂરીકામ માટે લઈ જઈ રહ્યા હતા. ટ્રેક્ટર જીતપુરથી દધાલીયા તરફ જઈ રહ્યું હતું ત્યારે જીતપુર ગામની સીમમાં ટ્રેક્ટર ચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા ટ્રેક્ટર રસ્તાની બાજુમાં આવેલા લીમડાના ઝાડ સાથે અથડાયું હતું.અકસ્મતમાં ટ્રેક્ટરમાં સવાર લક્ષ્મણજી રતાજી પરમાર, ઉંમર આશરે 60 વર્ષ, રહે. જીતપુર (કુડોલ) ટ્રેક્ટરની ટ્રોલીના એંગલ અને લીમડાના ઝાડના થડ વચ્ચે આવી ગયા હતા. તેમના માથાના ભાગે ગંભીર ઈજા થતાં ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.
અકસ્માતમાં અન્ય મજૂરોને પણ ઈજાઓ થતાં 108 એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે મોડાસા લઈ જવાયા હતા. અકસ્માતમાં ટ્રેક્ટર ચાલક અરવિંદભાઈ પટેલને પણ ઈજાઓ થઈ હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.ઘટનાની જાણ થતાં પોલીસ ટીમ સ્થળ પર પહોંચી હતી. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી અકસ્માત અંગે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ફરિયાદના આધારે પોલીસે ટ્રેક્ટર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરી છે.




