
તા.૨૨.૦૮.૨૦૨૬
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Limkheda:
લીમખેડા પંથકમાં ખેતીની સિઝન ટાણે જ ખેડૂતોની મજબૂરીનો ગેરફાયદો ઉઠાવીને યુરિયા ખાતરના વધુ ભાવ પડાવવાનું મોટું કૌભાંડ સામે આવ્યું છે. સરકાર દ્વારા ૪૫ કિલોની યુરિયા ખાતરની થેલીનો ભાવ ₹૨૬૬.૫૦ નિયત કરવામાં આવ્યો છે, છતાં લીમખેડામાં કેટલાક વેપારીઓ દ્વારા ખેડૂતો પાસેથી બેરોકટોક ₹૪૦૦ જેટલી ઊંચી રકમ વસૂલવામાં આવી રહી છે.સરકારી નિયમોના લીરેલીરા: નિયત ભાવ કરતાં પ્રતિ થેલી ₹૧૩૦ થી ₹૧૪૦ જેટલો વધુ ભાવ વસૂલીને ગરીબ આદિવાસી ખેડૂતોનું આર્થિક શોષણ કરવામાં આવી રહ્યું છે.મોટાભાગના કિસ્સાઓમાં ખેડૂતોને પાકું બિલ આપવામાં આવતું નથી અને ખાતરની અછતનો ડર બતાવી ઊંચા ભાવે વેચાણ કરાય છે ખેતીવાડી વિભાગ અને સ્થાનિક વહીવટી તંત્રના નિષ્ક્રિય વલણને કારણે વેપારીઓ ખુલ્લેઆમ કાળાબજારી કરી રહ્યા હોવાના આક્ષેપો ઊઠ્યા છે.મોંઘા ભાવનું બિયારણ અને ડીઝલના ખર્ચ વચ્ચે ખાતરના કાળાબજારથી જગતનો તાત દેવામાં ડૂબી રહ્યો છે.ખેતીવાડી અધિકારીઓ તાત્કાલિક લીમખેડાના ખાતર વિક્રેતાઓની દુકાનો અને ડેપો પર ઓચિંતી તપાસ હાથ ધરે, કાળાબજારી કરતા વેપારીઓના લાયસન્સ રદ કરે અને કડક કાયદેસરની કાર્યવાહી કરે તેવી પંથકના ખેડૂતોમાં પ્રબળ માંગ ઉઠી છે.



