રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની 78મી પુણ્યતિથિ પર ધંધુકામાં ત્રિવિધ કાર્યક્રમોનું આયોજન
રિપોર્ટર
હિતેન્દ્ર ગોસાઈ
અમદાવાદ
અમદાવાદ: રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની 78મી પુણ્યતિથિ નિમિત્તે એમની શૌર્યભૂમિ ધંધુકામાં રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી સંગ્રહાલય ખાતે ત્રણ મહત્વપૂર્ણ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું. આ પ્રસંગે ગુજરાત રાજ્યના પ્રવાસન, વન અને પર્યાવરણ મંત્રી મુળુભાઈ બેરા ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
આ કાર્યક્રમનો મુખ્ય આકર્ષણ એક અનોખો થીમ પાર્ક ‘ચારણ-કન્યા વાટિકા (ગીરની વાતો)’નું લોકાર્પણ હતું. આ પાર્ક 1928માં ઝવેરચંદ મેઘાણીએ રચેલા અમર કાવ્ય ‘ચારણ-કન્યા’ પર આધારિત છે અને પિનાકી મેઘાણીની પરિકલ્પનાથી આ પ્રથમવાર કાવ્યને થીમ પાર્ક તરીકે રજૂ કરવામાં આવ્યું છે.
પ્રવાસન મંત્રી મુળુભાઈ બેરાના હસ્તે આ પાર્કનું ઉદઘાટન કરવામાં આવ્યું. આ સાથે જ ‘એક પેડ મા કે નામ’ કાર્યક્રમ અંતર્ગત વૃક્ષારોપણ કરવામાં આવ્યું અને મહાત્મા ગાંધીની મનોરમ્ય પ્રતિમાનું અનાવરણ પણ કરવામાં આવ્યું.
ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમીના સહયોગથી આયોજિત ‘મેઘાણી વંદના (કસુંબલ લોકડાયરો)’માં પ્રસિદ્ધ લોકકલાકારો અભેસિંહ રાઠોડ, ધીરુભાઈ સરવૈયા, રાધાબેન વ્યાસ અને પંકજ ભટ્ટે મેઘાણીના સ્વરચિત ગીતો તેમજ લોકગીતો દ્વારા લોકોનું મનોરંજન કર્યું.
ઝવેરચંદ મેઘાણીના પૌત્ર પિનાકી મેઘાણીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને મંત્રી મુળુભાઈ બેરા તેમજ ગુજરાત સરકારનો આભાર વ્યક્ત કર્યો.
કાર્યક્રમમાં પૂર્વ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, ધારાસભ્ય કાળુભાઈ ડાભી, પૂર્વ ધારાસભ્ય ભરતભાઈ પંડ્યા, ધંધુકા નગરપાલિકા પ્રમુખ પારૂલબેન આદેસરા, ઉપપ્રમુખ ગજરાબેન ચૌહાણ, કારોબારી ચેરમેન રાજેશભાઈ પરમાર, અભિનેતા મયુર વાકાણી સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
ધંધુકાના યુવાનો પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા, જેમાં સમગ્ર કાર્યક્રમમાં રાષ્ટ્રભાવના અને દેશપ્રેમની ઊર્જા છલકાઈ રહી હતી.