રોટલો કાઢવો મુશ્કેલ હોય એવી સ્થિતિમાં પણ રોગાન કળાને જીવંત રાખનાર કચ્છના નિરોણા ગામના રોગાન આર્ટ માસ્ટર પદ્મશ્રી અબ્દુલભાઇ ખત્રી
પર્શિયન(ફારસી) મૂળની આ રોગાન કળાના નમૂના દેશ-વિદેશના વીવીઆઇપીને ભેટમાં આપવાની પરંપરા શરૂ કરી વિશ્વ ફલક સુધી લઇ જવામાં વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીનું અદકેરું યોગદાન.

વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – ભુજ કચ્છ.
વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ અમેરિકન રાષ્ટ્રપતિ બરાક ઓબામા, જાપાનના વડાપ્રધાનશ્રી, ડેનમાર્કના મહારાણી તથા UAEના રાષ્ટ્રપતિને રોગાન આર્ટના નમૂના ભેટમાં આપી કચ્છી સંસ્કૃતિની ખૂશ્બૂ ફેલાવી છે
જી-૨૦ શિખર પરિષદમાં ૧૦૦ મીટર લંબાઇના કાપડ પર રોગાનનું પ્રખ્યાત ચિત્ર “ટ્રી ઓફી લાઇફ” ૮ થી ૧૦ કારીગરોએ કંડારીને વિશ્વ રેકોર્ડમાં સ્થાન મેળવ્યું હતુ
ભુજ,તા-૦૪ જૂન : ૩૫૦થી વર્ષથી ચાલી આવતી પર્શિયન મૂળની પરંપરાગત રોગાન કળા વર્ષ ૧૯૮૦ના દાયકામાં મરણ પથારીએ અંતિમ શ્વાસ લઇ રહી હતી… કચ્છના સરહદી ગામ નિરોણામાં જે ખત્રી પરિવારોએ તેમની ગોદમાં આ કળાને ૭ પેઢીથી ઉછેરીને મહેકાંવી હતી, તે હવે સમયની થપાટ સામે હારી જવાની આરે હતી. આ કળાને એક બાળકની જેમ પોતાની આંગળીના ટેરવે લાડ લડાવનાર ખત્રી પરિવારના મોભી હાસમભાઇનું દિલ રોગાન કળા ગમે ત્યારે બંધ કરવી પડશે તેવી નોબત જોઇ કકળી ઉઠતું હતું. તેમણે મનમાં ઠાની લીધું કે, ગમે તે થાય તે પરિવારની આ વિરાસતને લુપ્ત થવા નહીં દે !! બદલાયેલા સમયમાં પરંપરાગત કપડા કે જેમાં રોગાન કલા ચિત્રિત કરી પહેરવાની બોલબાલા હતી તેને આધુનિક પ્રિન્ટ કરેલા કાપડનું ગ્રહણ લાગ્યું હતું. જેથી ખત્રી પરિવારની આગળની પેઢી આવકના અભાવે આ કળાથી અળગી થઇ રહી હતી. રોગાન વર્કને જીવંત રાખવા હવે શું કરવું તે સવાલ મોભી હાસમભાઇને દિન-રાત કોરી ખાતો હતો. આખરે… તેમણે આ કળાને જીવંત રાખવા તેમના દીકરાના પુત્ર અબ્દુલ ગફુર ખત્રી જે કમાવવા મુંબઇ ચાલ્યા ગયા હતા તેને ગમે તે ભોગે વતન બોલાવીને તેમના હાથોમાં રોગાનની ડોર સોંપવી એવું મન બનાવ્યું ને વર્ષ ૧૯૮૦ના સમયમાં નિરોણામાં રોજગારીના અભાવે મુંબઇમાં પ્રિન્ટના ધંધામાં સેટ થઇ ગયેલા પૌત્ર અબ્દુલને ટપાલ લખી નાખી..“ ….તું નહીં આવે તો આપણી પેઢીની ઓળખ અહીં જ ખતમ થઇ જવાની. પેઢી દર પેઢીથી ચાલતી કળાને જીવંત રાખવી કે નહીં એ તું નક્કી કરી લેજે….”દાદા હાસમભાઇના શબ્દોથી મુંબઇમાં સારી રીતે સેટલ થઇને કમાણી કરતા શ્રી અબ્દુલભાઇ મૂંઝવણમાં મુકાઇ ગયા. અનેક ગડમથલ વચ્ચે આખરે તેઓએ મુંબઇને આખરી સલામ કરી કચ્છની ટ્રેન પકડી કચ્છમાં આવ્યા રોગાન વર્કને જીવંત રાખવા ખૂબ સંઘર્ષ કર્યો છતાં હાર ન માની, આ સાથે કેન્દ્ર અને રાજ્ય સરકારની યોજનાકીય હુંફ મળતા આજે માસ્ટર અબ્દુલભાઇ ખત્રી રોગાન કળાને નવા રંગરૂપ સાથે દેશ-વિદેશ સુધી લઇ જઇ શક્યા છે. ભારત સરકારે તેમના અમૂલ્ય યોગદાન માટે પદ્મશ્રીથી નવાજીને પ્રોત્સાહિત કર્યા છે. સરહદી કચ્છ ભુજ તાલુકાના નિરોણા ગામના શ્રી અબ્દુલભાઇ વિશ્વમાં અજોડ ગણાતી રોગાન આર્ટના ઉચ્ચ દરજ્જાના કસબી છે. વર્ષ ૨૦૧૯માં તેમને ગૌરવપ્રદ પદ્મશ્રીથી સન્માનિત કરવામાં આવ્યા છે. આ કળાને જીવંત રાખવા તેમણે “રોગાન કળા”ને મોર્ડન ઓળખ આપી “રોગાન આર્ટ”માં ફેરવી છે. પદ્મશ્રી અબ્દુલભાઇ ગફુર ખત્રીની નિરોણા ખાતેની મુલાકાત વેળાએ રોગાન આર્ટના પીસ બતાવતા તેઓ જણાવે છે કે, રોગાન ચિત્ર કળા કાપડ પર વિવિધ વનસ્પતિજન્ય બનાવટના રંગોની મદદથી કરવામાં આવતી ચિત્રકારી છે. રોગાનનો અર્થ વાર્નિશ અથવા તેલ એવો થાય છે. આ કળા મૂળ ઐતિહાસિક રીતે અંદાજે ૩૦૦ થી ૩૫૦ વર્ષ જૂની છે. જેનું મૂળ પર્શિયા (હાલ ઇરાન) છે. ત્યાંથી આ કળા સિંધ થઇ કચ્છમાં આવી હતી. હાલમાં નિરોણાના ખત્રી પરિવારો આ કળાને જીવંત રાખવામાં મહત્વનો ભાગ ભજવી રહ્યા છે. આ એક માત્ર કળા છે હજીપણ યંત્રથી દૂર રહી છે. આ હસ્તકલામાં વપરાતા રંગો કારીગરો જાતે જ બનાવે છે. ભુતકાળની રોગાન કળા કેવી હતી તેને યાદ કરતા તેઓ ઉમેર છે કે, જુના જમાનામાં બરછટ સુતરાઉ કાપડ પર રોગાનકામ થતું. બન્નીના હરિજનો, મુતવા, આહીર કોમની સ્ત્રીઓનાં ઘાઘરા,ઓઢણી પર રોગાન જોવા કળા જોવા મળતી. અબ્દુલભાઇ જણાવે છે કે, હું જયારે મુંબઇથી કચ્છ આવ્યો ત્યારે આ કળાને ફરી નવા સ્વરૂપે રજૂ કરવાના પ્રયાસ સાથે સંઘર્ષ શરૂ કર્યો. અગાઉ મોટું ચિત્રકામ થતું જેને બારીકાઇ ભર્યું બનાવવાથી લઇને આજના સમયમાં લોકો તેનો ઉપયોગ કરી શકે તેવા પીસ બનાવવા તથા તેને બજાર સુધી વેચાણ લાયક ફેરવવામાં ખૂબ જ મહેનત લાગી છે. રાજ્ય સરકારના પ્રોત્સાહનથી શરૂઆતમાં ગુર્જરીના માધ્યમથી ઓર્ડર મળતા હતા. તે સાથે ભારતના વિવિધ રાજ્યમાં યોજાતા પ્રદર્શનમાં ભાગ લેવાની તક મળતી રહેતી. આમ, ધીમે ધીમે અન્ય કામ કરવા સાથે સાઇડમાં આ કળાને પણ સ્થાન આપવા ખૂબ મથ્યા છીએ. આજે તો આ કળાનો ડંકો વાગી રહ્યો છે. આજે, મારા દીકરો જે પરીવારની ૯મી પેઢી છે તે આ વારસો સંભાળી રહ્યો છે. આ સાથે મારા ભાઇના પરિવાર સહિત ૯ થી ૧૦ વ્યકિત સીધી રીતે આ કલા સાથે જોડાયેલા છે અને રાજ્યકક્ષાના, રાષ્ટ્રીય- આંતરરાષ્ટ્રીય સહિત અનેક એવોર્ડ જીતી ચૂક્યા છે. આજના આધુનિકતાના સમયમાં લોકો આ કળા કરેલી ચીજોનો રોજિંદા જીવનમાં ઉપયોગ કરી શકે તે માટે, મોબાઇલ કવર, ટેબલ ક્લોથ, બેડશીટ્સ, બગલથેલા, કુરતા, જેકેટ, સાડી, ઓઢણી, સ્ટોલ ઉપરાતં વોલપીસ સહિતના નમૂના બનાવવામાં આવે છે. તેઓ જણાવે છે કે, રૂ.૫૦૦ થી ૫ લાખ સુધીના રોગાન આર્ટના નમૂના બજારમાં વેચાતા હોય છે. બોક્સ – ભૂકંપ બાદ વડાપ્રધાનશ્રીના પ્રયાસોથી વિશ્વફલક પર રોગાન કલા પહોંચી પદ્મશ્રી અબ્દુલભાઇ જણાવે છે કે, કચ્છના ભૂકંપ બાદ કચ્છનો પ્રવાસન ક્ષેત્રે જે રીતે વિકાસ થયો તેના કારણે રોગાન કલાને પણ મહત્વ મળ્યું. કેન્દ્ર તથા રાજ્ય સરકાર દ્વારા વિવિધ માર્કેટીંગ પ્લેટફોર્મ આપવામાં આવતા દેશ-વિદેશના પ્રદર્શનોમાં જવાથી આ કળાનો બહોળો પ્રચાર- પ્રસાર થયો છે. હવે વિદેશીઓ નિરોણા ખાસ આ કલાને શીખવા માટે આવે છે. તેઓ જણાવે છે કે, વિશ્વફલક પર આ કલાને સૌ પ્રથમ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ ઓળખાણ અપાવી. જયારે તેઓ ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રીશ્રી હતા ત્યારે તેઓ વર્ષ ૨૦૦૬માં કચ્છની મુલાકાત આવ્યા ત્યારે પ્રથમવાર તેઓ સાથે મુલાકાત થઇ હતી. આ મુલાકાત બાદ રોગાન કળા તેના મનમાં વસી ગઇ હતી. તેમણે આ કળાને નવી ઓળખ અપાવવા નિર્ધાર કર્યો. તેમણે તત્કાલીન સમયે બ્રિટનના ભારત સ્થિત હાઇ કમિશનર સર જેમ્સ બેવનને રોગાન આર્ટનું પ્રતીક ભેટ આપ્યું હતું. આમ, વડાપ્રધાન બન્યા બાદ પણ તેઓ કચ્છની શીતળ રંગોથી બનતી રોગાન આર્ટને વીસર્યા નથી. વડાપ્રધાન શ્રી નેરન્દ્રભાઇ મોદીએ સૌ પ્રથમ અમેરિકાની મુલાકાત દરમિયાન વ્હાઇટ હાઉસમાં રાષ્ટ્રપતિ બરાક ઓબામાને જીવનના વૃક્ષ(કલ્પવૃક્ષ) સહિતના બે રોગાન ચિત્રો ભેટ આપ્યા હતા. તે સાથે જાપાનના વડાપ્રધાનશ્રી ફ્યુમિયો કિશિદા, ડેનમાર્કના મહારાણી માર્ગ્રેથ દ્વિતિય તથા તાજેતરમાં વડાપ્રધાનશ્રીએ UAEની ઐતિહાસિક મુલાકાત દરમિયાન રાષ્ટ્રપતિ શેખ મોહમ્મદ બિનજાયદ અલ નાહયાનને રોગાન કલાનો નમૂનો ભેટમાં આપ્યો હતો. ઉપરાંત રોગાન આર્ટના અનેક નમૂના કેન્દ્ર સરકાર તથા રાજ્ય સરકાર દ્વારા દેશ-વિદેશના અનેક વીવીઆઇ નેતા, પદાધિકારીઓને ભેટમાં આપવામાં આવ્યા છે અને હજુ આ અવિરત સિલસિલો ચાલુ છે.જી-૨૦માં ખત્રી પરિવારના ૫૦૦ થી ૬૦૦ રોગાન આર્ટ પીસ સરકારે ઓર્ડર આપી ખરીદ્યા હતા. જેથી પર્શિયન મુળ ધરાવતી આ કળા કારણે અનેક દેશોના નેતાઓના ઘર તથા કાર્યાલયોમાં પહોંચી ગઇ છે. એક રીતે જોઇએ તો, કચ્છની રોગાન કળાને વૈશ્વિક સફરે લઇ જવામાં વડાપ્રધાનશ્રીનું અમલ્ય યોગદાન છે. તેમણે ભારતીયોને સરહદી કચ્છની ખૂશ્બુ સમાન રોગાન કળાથી અવગત કરવા “મન કી બાતમાં” એપિસોડમાં કચ્છની રોગાન આર્ટ તથા તેમના કારીગર પદ્મશ્રી અબ્દુલ ગફુર ખત્રી તથા તેમના દ્વારા તૈયાર કરેલા ટ્રી ઓફ લાઇફ (કલ્પવૃક્ષ) કે જેની ભેટ તેમણે અમેરિકાને આપી હતી તે વિશે વિગતે વાત કરીને રોગાન વર્કને દેશભરમાં પ્રોત્સાહન સાથે એક અદ્કેરુ સન્માન બક્ષ્યું હતું. તેઓ ઉમેરે છે કે, વર્ષ ૨૦૨૨માં કચ્છમાં વડાપ્રધાનશ્રીના કાર્યક્રમ દરમિયાન તેમને ભેટમાં રોગાન આર્ટનો નમૂનો તથા એક પીળો કૂર્તો ભેટમાં આપ્યો હતો. તેમણે મને કહ્યું હતું કહ્યું હતું કે, અબ્દુલ આ કુર્તાને હું જરૂર પહેરીશ. તેમણે રોગાન આર્ટ પ્રત્યેનો પ્રમે વ્યકત કરતા આ કૂર્તાને એક, બે નહીં પણ ત્રણ વાર જાહેરમંચ પર પહેરીને કચ્છી કળાને માન આપ્યું હતું. બોક્સ – ૪૦૦થી વધુ મહિલાઓને રોગાન કળામાં જોડી મહેણું ભાંગ્યુ પદ્મશ્રી અબ્દુલભાઇ કહે છે કે, ભૂતકાળમાં કળા ટકાવવાની મજબૂરીમાં ઘણું સહન કર્યું છે. બાળપણમાં નાણા ન હોવાથી ચોથા ધોરણથી અભ્યાસ છોડી દેવાથી લઇને મજૂરી સુધીના કામ જીવનમાં કર્યા છે. રોટલો કાઢવો મુશ્કેલ હોય એવા સંઘર્ષ્ વચ્ચે પણ પરંપરાગત કળાને તિલાંજલિ આપી નથી. તેનું અસ્તિત્વ ભવિષ્યમાં ટકી રહે તે માટે તેઓએ મહિલાઓને આ કળા જોડવા બીડું ઝડપીને તેમાં સફળ પણ થયા છીએ કચ્છમાં બાંધણી અને ભરતકામ તથા અન્ય કળામાં મહિલાઓ જોડાયેલી છે. પરંતુ રોગાનનું કામ કરતી નથી એવું મહેણું વર્ષોથી હતું. એની પાછળની સંભવિત વિચારસરણી એ હતી કે, દીકરી તો પારકા ઘરે જવાની અને દીકરી સાથે એણે શીખેલી કળા પણ બીજે ચાલી જાય !! જો કે, આધુનિક સમયમાં પ્રગતિશીલ અબ્દુલભાઇએ આ મહેણું ભાંગવા વર્ષ ૨૦૧૦માં સંકુચિતતા ત્યજીને દીકરીઓને રોગાન વર્ક શીખવવાનું શરૂ કર્યું, અને પણ તદન નિ:શુલ્ક ! આજ સુધી તેઓ ૪૦૦થી વધુ દીકરીઓને મફતમાં રોગાન કળાની સ્કીલ શીખવાડી ચૂકયા છે. આટલું જ નહીં, નિરોણા તથા આસપાસની ગામની દીકરીઓને તાલીમ આપ્યા બાદ તેઓ તેને ઓર્ડરનું કામ પણ આપે છે. આમ, સરહદી ગામોની મહિલાઓ માસિક ૧૫ થી ૨૦ હજાર ઘરબેઠા આરામથી કમાઇ રહી છે. પદ્મશ્રી અબ્દુલભાઇ કહે છે કે, રોગાન હવે વધુ ને વધુ ફેલાય એવું હું ઇચ્છું છું. તેઓ ઉમેરે છે કે, નિરોણા બે ખત્રી પરિવાર સાથે ભુજમાં પણ એક રોગાન યુનિટ કાર્યરત થયું છે જે આનંદની વાત છે. આમ, કળા ભવિષ્યમાં હવે લુપ્તપ્રાય નહીં થાય તેનો તેમણે આંનદ છે. બોકસ – વિશ્વમાં સૌથી લાંબી રોગાન કૃતિ રજૂ કરી વિશ્વ રેકોર્ડમાં મેળવ્યું સ્થાન ગાંધીનગર ખાતે જી-૨૦ શિખર પરિષદમાં પદ્મશ્રી તથા રોગાન માસ્ટર અબ્દુલભાઇ ગફુરને આમંત્રણ મળ્યું હતું. જેમાં તેમણે વિશ્વમાં સૌથી લાંબી રોગાન કૃતિ રજૂ કરી હતી. જે કલાકૃતિએ વિશ્વ રેકોર્ડમાં સ્થાન મેળવી કચ્છ, રાજ્ય અને દેશનું ગૈારવ વધાર્યું છે. ૧૦૦ મીટર લંબાઇના કાપડ પર રોગાનની પ્રખ્યાત ચિત્ર “ટ્રી ઓફી લાઇફ” ૮ થી ૧૦ કારીગરોએ કંડારીને વિવિધ દેશોના ડેલિગેટ્સોનો મન મોહી લીધા હતા. બોક્સ – એરંડાના તેલની મદદથી બનતા કલર રોગાન આર્ટને બક્ષે છે સુંદરતા સૌપ્રથમ એરંડાના તેલને પાંચેક કલાક ઉકાળવામાં આવે પછી ઠારીને ફરી ગરમ કરવામાં આવે છે. આ તેલને ઉકાળીને જેલી જેવું ઘટ્ટ બનાવી તેમાં કુદરતી રંગો ઉમેરવામાં આવે છે. આ રંગોને પાતળા લાકડા કે લોખંડની અણીદાર કલમની મદદથી તાર જેવા બનેલા કલરને સીફત પૂર્વક હથેળીમાં રંગ મૂકીને ધાતુની કલમ વડે તેને મસળીને પેસ્ટ તૈયાર કરીને કાપડ પર રોગાન આર્ટ કરવામાં આવે છે. પરંપરાગત રીતે ખોળામાં કાપડ રાખીને આ કામ કરાતું હતું. જો કે આજે, સરળતાથી કામ થઇ શકે તે માટે લાકડાનો નાના માંચડાને ખોળામાં મુકીને તેના પર કાપડ રાખીને અગાઉથી દોરેલી છાપ અથવા મૌખિક રીતે કારીગર ચિત્રકારી કરે છે. મોટેભાગે, કાપડના અડધા ભાગમાં ડિઝાઇનને દોરવામાં આવે છે, પછી બાકીના અડધા કાપડને તેની ઉપર ઉંધો વાળી દાબી દેવામાં આવે છે, આથી તેની ઉલ્ટી ભાત આપોઆપ બાકીના ઉલટા ભાગ પર ઉપસી આવે છે. તેની ભાતમાં ફૂલોના મોટિફ, પ્રાણીઓ અને સ્થાનિક લોક કલાનો સમાવેશ થાય છે. એરંડિયાની પેસ્ટમાં રંગ મિશ્ર કરવા તેને પથ્થર વડે મસાલાની જેમ વાટવામાં આવે છે.




