કાલોલ શહેર સહિત તાલુકાના મુસ્લિમ બિરાદરો દ્વારા ઇદ-ઉલ-અઝહા ની ઉજવણી હર્ષોલ્લાસ સાથે કરાઇ.
તારીખ ૧૭/૦૬/૨૦૨૪
સાજીદ વાઘેલા-કાલોલ
કાલોલ તાલુકા પંથક સહિત નગર ખાતે મુસ્લિમ બિરાદરો દ્વારા કુરબાની નાં પાવન પર્વ ગણાતા ઈદુલ અઝહા એટલે કે બકરી ઈદની ઉજવણી આંનદ અને ઉત્સાહ પૂર્વક કોમી ભાઈચારાના વાતાવરણ વચ્ચે શાંતિપૂર્ણ માહોલમાં કરવામાં આવી હતી જેમાં બકરી ઈદના તહેવારને અનુલક્ષીને સોમવારે વહેલી સવારથી નગર સહિત તાલુકાના તમામ મુસ્લિમ વિસ્તારોમાં બકરી ઈદનો અનેરો ઉત્સાહ અને ઉલ્લાસ મુસ્લિમ બિરાદરોમાં જોવા મળ્યો હતો જેમાં સોમવાર ની વહેલી સવારે કાલોલ નગર ખાતે આવેલ તમામ મસ્જિદો સહિત તાલુકાના વેજલપુર,એરાલ,મલાવ અને બોરુ સહિતના ગામોમાં જ્યાં મસ્જિદો આવેલી છે ત્યાં મુસ્લિમ બિરાદરોએ ઇસ્લામ ધર્મની માન્યતા મુજબ બકરી ઈદની વિશેષ નમાઝ અદા કરી કુરબાનીના પાવન પર્વ બકરી ઈદની ઉજવણીનો આરંભ કર્યો હતો જેમાં બકરી ઈદના તહેવારને હર્ષોલ્લાસ સાથે ઉજવવા થનગની રહેલા મુસ્લીમ બિરાદરોએ નવા નવા વસ્ત્રોમાં પરિધાન થઈ સજજ દેખાતા હતા જેમાં નાના ભૂલકાઓ પણ પણ બકરી ઈદની ખુશી મનાવવા માટે અવનવા વસ્ત્રોમાં સજ્જ થયેલા જોવા મળ્યા હતા.જયારે બકરી ઈદના પાવન પ્રસંગે કાલોલ જુમ્મા મસ્જીદના ખતીબો ઈમામ મોલાના સીબ્તૈનરઝા અશરફી દ્વારા વિશેષ મહત્વ ધરાવતી ઈદ-ઉલ-અઝહા ના પર્વ નિમિત્તે તેમના પ્રવચનમાં જણાવ્યું હતું કે મુસ્લીમ બિરાદરોને શાંતિ જાળવી એકબીજા માટે પ્રેમ આદર અને કોમી એકતા અને ભાઇચારો કેળવવા માટે અપીલ કરી સાથે પોતપોતાના મોહલ્લા અને વિસ્તારોમાં સાફ સફાઈ રાખવા પર ભાર મૂક્યો હતો અને સમગ્ર દેશમાં કોમી એકતા સાથે અમન-ચેન-સુકુન અને ભાઈચારા સાથે દરેક તહેવારો શાંતિપૂર્ણ વાતાવરણમાં યોજાય તેવી ખાસ દુવા માંગવામાં આવી હતી.તેમજ વહેલી સવારથી સોશ્યલ મીડિયાના તમામ માધ્યમો મારફતે પણ હિન્દૂ મુસ્લિમ સમાજના લોકોએ શુભેચ્છા સંદેશ સાથે કોમી એકતાની ભાવના સાથે એકબીજાને ઈદ મુબારક પાઠવી હતી.જ્યારે કાલોલ તાલુકા સહિત નગર ખાતે બકરી ઈદનો તહેવાર કોમી એકતા અને ભાઈચારાની ભાવના સાથે સંપૂર્ણપણે શાંતિપુર્ણ વાતાવરણમાં યોજાય અને કોઈ પણ પ્રકારનો અનિચ્છનીય બનાવ ન બને તેમજ કાયદો વ્યવસ્થા અને સુરક્ષા સલામતી શાંતિ જળવાયેલ રહે તેને લઇ કાલોલ તાલુકા સહીત નગરના ઉચ્ચ પોલીસ અધિકારીઓએ તાલુકા સહિત નગરમાં ઠેરઠેર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવી પરિસ્થિતિ પર ચાંપતી નજર રાખી હતી.