કાલોલના કાતોલ ગામના 112 વર્ષીય લક્ષ્મી બાએ મતદાન કરી યુવા પેઢીને આપી પ્રેરણા,લોકશાહીના સાચા પ્રહરી બન્યા.

તારીખ ૨૬/૦૪/૨૦૨૬
સાજીદ વાઘેલા કાલોલ
પંચમહાલ જિલ્લામાં આજે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો ઉત્સાહ ચરમસીમાએ જોવા મળ્યો હતો. લોકશાહીના આ પર્વમાં અનેક રંગો જોવા મળ્યા, પરંતુ સૌથી વધુ આકર્ષણ અને પ્રેરણાનું કેન્દ્ર કાલોલ તાલુકાના કાતોલ ગામના ૧૧૨ વર્ષીય શતાયુ વૃદ્ધા લક્ષ્મીબા બન્યા હતા. તેમણે આ ઉંમરે પણ મતદાન મથકે પહોંચી પોતાનો પવિત્ર મતાધિકાર બજાવીને ‘લોકશાહીના સાચા પ્રહરી’ હોવાનું સાબિત કર્યું છે.વધતી જતી ઉંમર અને શારીરિક અશક્તિ હોવા છતાં, લક્ષ્મીબાનો ઉત્સાહ કોઈ યુવાનથી ઓછો નહોતો. લાકડીના ટેકે અને પરિવારના સભ્યોની મદદથી મતદાન મથક પર પહોંચેલા આ માજીને જોઈને ત્યાં હાજર તમામ મતદારો અને ચૂંટણી સ્ટાફ આશ્ચર્યચકિત થઈ ગયો હતો. સૌએ તેમને માનભેર આવકાર્યા હતા.આજના સમયમાં જ્યારે અનેક યુવાનો રજાના દિવસે મતદાન કરવાને બદલે ઘરે રહેવાનું પસંદ કરતા હોય છે, ત્યારે ૧૧૨ વર્ષના લક્ષ્મીબાએ બતાવ્યું છે કે મતદાન એ માત્ર હક નથી, પણ દેશ પ્રત્યેની એક પવિત્ર ફરજ છે. તેમની આ સજાગતાએ સંદેશ આપ્યો છે કે જો ઈચ્છાશક્તિ મજબૂત હોય તો ઉંમર ક્યારેય બાધક બનતી નથી.”મતદાન એ દેશના નાગરિક તરીકેની આપણી પવિત્ર ફરજ છે. જો વડીલો આટલા ઉત્સાહ સાથે મતદાન કરી શકતા હોય, તો યુવા પેઢીએ પણ લોકશાહીને મજબૂત કરવા અચૂક બહાર આવવું જોઈએ.”આમ, કાલોલના શતાયુ લક્ષ્મીબા છત્રસિંહ પરમાર આજે લોકશાહીના સાચા પ્રહરી બનીને સમાજમાં જાગૃતિનો સંદેશ ફેલાવી રહ્યા છે. તેમની આ નિષ્ઠા યુવા મતદારો માટે પ્રેરણારૂપ બની છે.









