સદભાવના મિશન ક્લાસ ગોધરા ખાતે વાર્ષિક ઇનામ વિતરણ કાર્યક્રમમાં હોશિયાર વિદ્યાર્થીઓનું ભવ્ય સન્માન યોજાયો.

તારીખ ૦૨ /૦૬/૨૦૨૬
સાજીદ વાઘેલા કાલોલ
પંચમહાલ જિલ્લાના પાટનગર ગોધરા શહેરના બહારપૂરા સ્લમ વિસ્તારમાં છેલ્લા 16 વર્ષથી ગરીબ, મધ્યમ વર્ગ તેમજ ઝૂંપડપટ્ટીમાં વસવાટ કરતા બાળકોને નિઃશુલ્ક શિક્ષણ આપતી અગ્રણી સંસ્થા સદભાવના મિશન ક્લાસ, ગોધરા ખાતે વાર્ષિક ઇનામી વિતરણ અને સન્માન સમારોહનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.સંસ્થાની સ્થાપના વર્ષ 2010માં ગોધરા શહેરના ખ્યાતનામ તબીબ અને સમાજસેવક ડૉ. સુજાત વલી દ્વારા કરવામાં આવી હતી. માત્ર 15 વિદ્યાર્થીઓથી શરૂ થયેલી આ સંસ્થા આજે વટવૃક્ષ સમાન બની છે, જ્યાં ધોરણ 1 થી 10 સુધીના 120થી વધુ વિદ્યાર્થીઓ નિઃશુલ્ક શિક્ષણ મેળવી રહ્યા છે. અત્યાર સુધીમાં 5000થી વધુ વિદ્યાર્થીઓ અહીંથી શિક્ષણ મેળવી ઉચ્ચ અભ્યાસ માટે વિવિધ કોલેજો અને શૈક્ષણિક સંસ્થાઓમાં પ્રવેશ મેળવી ચૂક્યા છે.આ પ્રસંગે ધોરણ 1 થી 9 સુધીના પરિણામના આધારે શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર 27 જેટલા ટોપર વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર અને ગિફ્ટ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. ઉપરાંત સંગીત ખુરશી સ્પર્ધા, પર્યાવરણ જાગૃતિ ચિત્ર સ્પર્ધા અને અક્ષર લેખન સ્પર્ધામાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમે વિજેતા બનેલા 12 વિદ્યાર્થીઓને પણ પ્રમાણપત્રો અને ઇનામો અર્પણ કરવામાં આવ્યા હતા.ખાસ નોંધનીય બાબત એ રહી કે વર્ષ 2025-26 દરમિયાન ધોરણ 10નું પરિણામ 100 ટકા આવ્યું હતું. આ સિદ્ધિ બદલ ધોરણ 10ના તમામ વિદ્યાર્થીઓનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. આ સન્માન કાર્યક્રમમાં કેનેડાથી પધારેલ ડૉ. સુજાત વલીની પુત્રી કોરીના સુજાત વલી દ્વારા વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવી તેમને ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ આપવામાં આવી હતી.કાર્યક્રમમાં સેવા સેતુ ઓર્ગેનાઇઝેશન, લાયન્સ ક્લબ ઓફ ગોધરાના મહિલા પ્રમુખ કેતકી સોની, પંચમહાલ વર્તમાનના પત્રકાર પ્રદીપ સોની, લોક વિજ્ઞાન કેન્દ્રના ખજાનચી અવિનાશ મિસ્ત્રી, અન્નપૂર્ણા ટ્રસ્ટના એકાઉન્ટન્ટ રજનીકાંત શાહ, સમાજસેવિકા સમીનાબેન ચાંદા, સદભાવના મિશન ક્લાસના મુખ્ય શિક્ષક ઈમરાનભાઇ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.મહેમાનોએ વિદ્યાર્થીઓને શિક્ષણનું મહત્વ સમજાવી સતત મહેનત, શિસ્ત અને સંસ્કાર સાથે આગળ વધવા પ્રેરણા આપી હતી. તેમણે જણાવ્યું હતું કે સદભાવના મિશન ક્લાસ માત્ર શિક્ષણ આપતું કેન્દ્ર નથી પરંતુ સમાજમાં કોમી એકતા, ભાઈચારો અને માનવતાના મૂલ્યોનું સંવર્ધન કરતું એક પવિત્ર ધામ છે.અંતમાં સંસ્થાના સ્થાપક ડૉ. સુજાત વલી, કોરીના વલી, અવિનાશ મિસ્ત્રી, કેતકીબેન સોની, પ્રદીપ સોની, સમીનાબેન ચાંદા, મુખ્ય શિક્ષક ઈમરાનભાઇ તેમજ ઉપસ્થિત વાલીઓએ તમામ વિદ્યાર્થીઓને તેમની શૈક્ષણિક સિદ્ધિઓ બદલ હાર્દિક અભિનંદન પાઠવ્યા હતા. નવરચના પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા અને સદભાવના મિશન ક્લાસ બહારપૂરા ગોધરામા છેલ્લા 16 વર્ષથી નિઃશુલ્ક શિક્ષણ સેવા આપી રહેલા શિક્ષકશ્રી ઇમરાનભાઇની કામગીરીને ગૌરવ સારી શિક્ષક તરીકે વિશેષ બિરદાવવામાં આવી હતી.સદભાવના મિશન ક્લાસ ગોધરા દ્વારા શિક્ષણ ક્ષેત્રે કરવામાં આવતી આ સેવા, ગોધરા શહેર માટે ગૌરવની બાબત બની છે અને સમાજમાં શિક્ષણ, સમરસતા તથા ભાઈચારાનો સશક્ત સંદેશ પ્રસરાવી રહી છે.







