કાલોલ પોલીસ સ્ટેશન પશુ સંરક્ષણ ગુનાનો નાસ્તો-ફરતો આરોપીને જીલ્લા પેરોલ સ્ક્વોડે ઝડપી પાડ્યો.

તારીખ ૧૬/૦૫/૨૦૨૬
સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પશુ સંરક્ષણ અને પશુઓ પ્રત્યે ક્રૂરતા નિવારણ ધારા હેઠળ નોંધાયેલા ગુનામાં લાંબા સમયથી નાસતા-ફરતા વોન્ટેડ આરોપીને પંચમહાલ પેરોલ ફ્લો સ્ક્વોડે બાતમીના આધારે ઝડપી પાડ્યો છે. ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા નાસતા-ફરતા આરોપીઓને પકડવા માટે એક ખાસ ઝુંબેશ ચલાવવાની સૂચના આપવામાં આવી હતી. આ સૂચનાના આધારે પોલીસ ઈન્સ્પેક્ટર એમ.એ. વાઘેલાના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ બી.એમ. રાઠોડ અને પેરોલ ફ્લો સ્ક્વોડની ટીમ પરિણામલક્ષી કામગીરી માટે કાર્યરત હતી ત્યારે હ્યુમન સોર્સિસથી ચોક્કસ બાતમી મળેલ કે કાલોલ પોલીસ સ્ટેશનના(પશુ સંરક્ષણ અધિનિયમ અને પશુઓ પ્રત્યે ઘાતકીપણું અટકાવવાના અધિનિયમ હેઠળ નોંધાયેલ ) ગુના નો વોન્ટેડ આરોપી હાલમાં વેજલપુર વિસ્તારમાં હાજર છે. જે મળેલી ચોક્કસ બાતમીના આધારે પેરોલ ફ્લો સ્ક્વોડના માણસોએ તાત્કાલિક મોજે-વેજલપુર, ધુસર રોડ (તા. કાલોલ, જી. પંચમહાલ) ખાતે વોચ ગોઠવીને આરોપી સલમાન ઉર્ફે બારોટ ફારુક પાડવાને ઝડપી લીધો હતો.પકડાયેલા આરોપીનો કબ્જો મેળવી, તેની સામે આગળની કાયદેસરની કાર્યવાહી કરવા માટે તેને કાલોલ પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે.








