કાલોલ પોલીસે ડેરોલ સ્ટેશન પાસે રહેણાંક મકાનમાં રેડ પાડી વિદેશી દારૂના જથ્થા સાથે એક શખ્સ ઝડપી પાડ્યો.

તારીખ ૨૩/૦૬/૨૦૨૬
સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ પોલીસ ડેરોલ સ્ટેશન વિસ્તારમાં આવેલ દેરોલ સ્ટેશન માર્કેટીંગ યાર્ડ સામે પોલીસે એક રહેણાંક મકાનમાં દરોડો પાડીને ગેરકાયદેસર રીતે રાખવામાં આવેલ ભારતીય બનાવટના પરપ્રાંતીય વિદેશી દારૂના જથ્થા સાથે એક આરોપીને રંગેહાથ ઝડપી પાડ્યો છે.
મળતી માહિતી મુજબ, કાલોલ પોલીસ સ્ટેશનના પોલીસ કર્મચારીઓ વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. તે દરમિયાન પોલીસ ઇન્સ્પેક્ટર આર.ડી. ભરવાડને ખાનગી બાતમીદાર તરફથી ચોક્કસ બાતમી મળી હતી કે, દેરોલ સ્ટેશન માર્કેટીંગ યાર્ડ પાસે રહેતો અશ્વિનકુમાર ગણપતભાઈ પરમાર પોતાના મકાનમાં વિદેશી દારૂ સંતાડી રાખીને છૂટક વેચાણ કરે છે.બાતમીના આધારે પોલીસે તાત્કાલિક બે પંચોને સાથે રાખીને બાતમીવાળા મકાન પર રેઇડ કરી હતી.પોલીસે જ્યારે મકાનમાં તપાસ કરી ત્યારે ત્યાં હાજર ઇસમની પૂછપરછ કરતાં તેણે પોતાનું નામ અશ્વિનકુમાર ગણપતભાઈ પરમાર (ઉંમર વર્ષ ૩૪) હોવાનું જણાવ્યું હતું. ઘરની ઝડતી લેતા રસોડાના ભાગેથી પ્લાસ્ટિકનો થેલો મળી આવ્યો હતો. જેની તપાસ કરતાં તેમાંથી ‘રોયલ કલાસીક મલ્ટ વ્હીસ્કી’ ના ૧૮૦ મી.લી.ના પ્લાસ્ટિકના ૧૦ ક્વાટર (કુલ કિંમત રૂ. ૧,૩૫૦/-) મળી આવ્યા હતા.આ મુદ્દામાલ રાખવા બાબતે આરોપી પાસે કોઈ પાસ, પરમિટ કે આધારભૂત પુરાવો ન હોવાથી પોલીસે દારૂનો જથ્થો જપ્ત કરી આરોપીની ધરપકડ કરી હતી.આ મામલે એ.એસ.આઈ.ની ફરિયાદના આધારે કાલોલ પોલીસે આરોપી અશ્વિનકુમાર પરમાર વિરુદ્ધ ગુજરાત પ્રોહિબિશન સુધારા અધિનિયમ ૨૦૧૬ની કલમ ૬૫(એ)(એ) મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.








