કાલોલ હાઇવે પર ટેન્કરનો કહેર,એક્ટીવા સવાર યુવકને ટક્કર મારી ચાલક ફરાર, યુવક ગંભીર ઘાયલ.

તારીખ ૧૧/૦૬/૨૦૨૬
સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ ખાતે ગઘેડી ફળીયાના નાકા પાસે હાઇવે રોડ પર એક ગંભીર અકસ્માત સર્જાયો હોવાની ઘટના સામે આવી છે. પુરઝડપે અને ગફલતભરી રીતે આવી રહેલા એક ટેન્કરના ચાલકે એક્ટીવા ગાડીને સાઇડમાંથી જોરદાર ટક્કર મારી હતી. આ અકસ્માતમાં એક્ટીવા સવાર ૨૯ વર્ષીય યુવક રોડ પર ઘસડાતાં તેને શરીરે અને પગના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી છે.
મળતી માહિતી મુજબ, ગોધરા તાલુકાના વાવડી બુજર્ગ ગામે રહેતો કલ્પેશભાઈ અરવતભાઈ પરમાર (ઉ.વ. ૨૯) ગત તારીખ ૦૮/૦૬/૨૦૨૬ ના રોજ સાંજના આશરે સાતેક વાગ્યે પોતાના મામાના છોકરાની એક્ટીવા બર્ગમેન (નંબર GJ-17-CQ-7375) લઈને સાસરી રામેશરા ગામે જવા નીકળ્યો હતો. આ દરમિયાન રાત્રિના આશરે આઠેક વાગ્યાના સુમારે કાલોલ બસ સ્ટેન્ડ પાસ કરી ચોકડી નજીક ગઘેડી ફળીયા પાસે પહોંચતા જ સામેથી આવતા ટેન્કર (નંબર MH-04-NB-1419) ના ચાલકે પોતાના કબજાનું વાહન બેફામ ગતિએ હંકારી લાવી એક્ટીવાને અડફેટે લીધી હતી.અકસ્માત એટલો જોરદાર હતો કે કલ્પેશ એક્ટીવા સાથે રોડ પર દૂર સુધી ઘસડાયો હતો, જેના કારણે તેને બંને હાથે અને જમણા પગના સાથળના ભાગે ગંભીર ઇજાઓ થતાં લોહીલુહાણ હાલતમાં બેભાન થઈ ગયો હતો. ઘટનાની જાણ થતાં જ આસપાસના લોકોએ ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે તેને તાત્કાલિક કાલોલ રેફરલ હોસ્પિટલ ખસેડ્યો હતો. જ્યાં પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર માટે ગોધરા સિવિલ હોસ્પિટલ અને ત્યારબાદ ગોધરાની જ એક ખાનગી ઓર્થોપેડિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો, જ્યાં રાત્રે જ તેનું ઓપરેશન કરવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું છે.ઇજાગ્રસ્ત યુવક કલ્પેશના માતા સુમિત્રાબેન અરવતભાઈ પરમારે આ મામલે કાલોલ પોલીસ સ્ટેશનમાં ટેન્કર ચાલક વિરૂદ્ધ ગુનો નોંધાવ્યો છે. કાલોલ પોલીસે આ અંગે બી.એન.એસ. (B.N.S.S.) ની કલમ ૨૮૧, ૧૨૫(a) તેમજ મોટર વાહન અધિનિયમની કલમ ૧૭૭, ૧૮૪ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.







