PANCHMAHALSHEHERA

શહેરા નગરપાલિકામાં 17 બિનહરીફ સહિત તમામ 28 બેઠકો કબ્જે કરી ભાજપે ઐતિહાસિક જીતનો ડંકો વગાડ્યો

પંચમહાલ જિલ્લાની શહેરા નગરપાલિકાની સામાન્ય ચૂંટણીના પરિણામોમાં ભારતીય જનતા પાર્ટીએ ઐતિહાસિક જીતનો ડંકો વગાડ્યો.

 

પંચમહાલ ગોધરા

નિલેશભાઈ દરજી શહેરા

શહેરા નગરપાલિકાના કુલ ૭ વોર્ડની તમામ ૨૮ બેઠકો પર ભાજપે જંગી બહુમતી સાથે ભવ્ય વિજય મેળવીને પાલિકામાં શાનદાર વાપસી કરી છે. સૌથી નોંધનીય બાબત એ છે કે આ ૨૮ બેઠકોમાંથી ૧૭ બેઠકો પર ભાજપના ઉમેદવારો બિનહરીફ વિજેતા જાહેર થયા હતા. જ્યારે બાકીની ૧૧ બેઠકો પર યોજાયેલા મતદાનમાં પણ ભાજપના ઉમેદવારોએ પ્રચંડ જીત હાંસલ કરી છે. શહેરામાં વિરોધ પક્ષનો સદંતર સફાયો જોવા મળ્યો છે અને સમગ્ર પાલિકામાં માત્ર કમળ જ ખીલ્યું છે.

 

ચૂંટણીના આંકડાકીય સમીકરણો પર નજર કરીએ તો, વોર્ડ નંબર ૧, ૫ અને ૭ ની તમામ ચારેય બેઠકો પર ભાજપના ઉમેદવારો અગાઉથી જ બિનહરીફ ચૂંટાઈ આવ્યા હતા. આ ઉપરાંત વોર્ડ ૨ ની બે બેઠકો, વોર્ડ ૪ ની બે બેઠકો અને વોર્ડ ૩ ની એક બેઠક પર પણ અગાઉથી જ બિનહરીફ જીત નિશ્ચિત થઈ ગઈ હતી. જ્યારે વોર્ડ ૩, ૪ અને ૬ સહિતની બાકીની ૧૧ બેઠકો માટે યોજાયેલા મતદાનમાં પણ મતદાતાઓએ ભારતીય જનતા પાર્ટી પર જ પૂર્ણ વિશ્વાસ વ્યક્ત કરીને પેનલ ટુ પેનલ જીત અપાવી છે. આવું ઐતિહાસિક અને એકતરફી પરિણામ જાહેર થતા જ શહેરામાં કેસરિયો માહોલ છવાઈ ગયો હતો. વિજેતા ઉમેદવારોને વધાવવા માટે મોટી સંખ્યામાં સ્થાનિક કાર્યકરો, ટેકેદારો અને નેતાઓ ઉમટી પડ્યા હતા અને ડીજે ઢોલના તાલે તથા ફટાકડા ફોડીને ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.

 

શહેરા નગરપાલિકાની તમામ ૨૮ બેઠકો પર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોએ ઐતિહાસિક જીત નોંધાવતા પક્ષની સ્થાનિક નેતાગીરીમાં ભારે ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. આ શાનદાર વિજય બદલ શહેરા વિધાનસભા મતવિસ્તારના ધારાસભ્ય જેઠાભાઈ ભરવાડે તમામ વિજેતા ઉમેદવારોને હાર્દિક શુભેચ્છાઓ પાઠવી હતી. તેમણે આ જીતને પક્ષના પાયાના કાર્યકરોની સખત મહેનત અને સ્થાનિક જનતાના ભાજપની વિકાસલક્ષી નીતિઓ પરના અતૂટ વિશ્વાસનું પરિણામ ગણાવ્યું હતું. શહેરા નગરપાલિકાના આ પરિણામોએ પંચમહાલના રાજકારણમાં ભાજપની અડગ પકડ વધુ મજબૂત કરી છે.

Back to top button
error: Content is protected !!