GODHARAPANCHMAHAL

અવસરમાં પણ અગ્રતા લોકશાહીની: લગ્નના માંડવે જતાં પહેલાં મતદાન મથકે પહોંચ્યા વરરાજા કમલેશ કુમાર

 

પંચમહાલ ગોધરા

 

નિલેશભાઈ દરજી શહેરા

લોકશાહીના પર્વમાં જ્યારે એક-એક મતનું મૂલ્ય હોય છે, ત્યારે પંચમહાલ જિલ્લામાં યોજાયેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં એક પ્રેરણાદાયી કિસ્સો સામે આવ્યો છે. ગોધરા નગરપાલિકાના વોર્ડ નંબર ૩ ના રહેવાસી કમલેશ કુમાર અરવિંદસિંહ બારીઆએ ‘પહેલા મતદાન, પછી પ્રભુતામાં પગલાં’ના સૂત્રને સાર્થક કરી બતાવ્યું છે.

 

સામાન્ય રીતે લગ્નનો દિવસ વ્યક્તિના જીવનનો સૌથી વ્યસ્ત અને મહત્વનો દિવસ હોય છે. ઘરે મહેમાનોની અવરજવર, માંગલિક ગીતો અને લગ્નની વિધિઓની દોડધામ વચ્ચે પણ કમલેશ કુમાર પોતાની નાગરિક ફરજ ચૂક્યા નહીં.હસ્તમેળાપની વિધિમાં બેસતા પહેલાં, તેઓએ પોતાની નૈતિક જવાબદારી સમજીને મતદાન કરવાનો મક્કમ નિર્ણય કર્યો હતો.

 

કમલેશ કુમાર જ્યારે લગ્નના પરંપરાગત પોશાકમાં સજ્જ થઈને મતદાન મથક ગોવિંદી પ્રાથમિક શાળા પહોંચ્યા, ત્યારે ત્યાં ઉપસ્થિત અન્ય મતદારોમાં પણ ભારે ઉત્સાહ અને કુતૂહલ જોવા મળ્યું હતું. તેમની આ પહેલને બિરદાવવા માટે ગોધરા માર્કેટ યાર્ડના સભ્ય શ્રી રમેશભાઈ બારીઆ ખાસ હાજર રહ્યા હતા. તેઓએ કમલેશ કુમારની જાગૃતતાને વધાવી લેતા જણાવ્યું હતું કે, “આ યુવાનની નિષ્ઠા સાબિત કરે છે કે જો દ્રઢ સંકલ્પ હોય તો કોઈ પણ સામાજિક પ્રસંગ રાષ્ટ્રધર્મની આડે આવતો નથી.”

 

ઘણીવાર લોકો રજા કે અંગત કામના બહાના હેઠળ મતદાન કરવાનું ટાળતા હોય છે, પરંતુ કમલેશ કુમારે પોતાના જીવનના આ અનમોલ અવસરે પણ મતદાનને સર્વોપરી ગણીને એક મજબૂત ઉદાહરણ પૂરું પાડ્યું છે. તેમની આ સરાહનીય કામગીરી માત્ર પંચમહાલ જિલ્લા માટે જ નહીં, પરંતુ સમગ્ર રાજ્યના નવયુવાનો માટે પ્રેરણાનો સ્ત્રોત બની છે.

 

“લોકશાહી પ્રત્યેની આવી અતૂટ શ્રદ્ધા જ રાષ્ટ્રના ભવિષ્યને મજબૂત બનાવે છે.”

 

 

Back to top button
error: Content is protected !!