KUTCHMUNDRA

રતાડીયા ગામે ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ધામધૂમથી ઉજવાયો.

વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – મુન્દ્રા કચ્છ.

મુન્દ્રા,રતાડીયા, તા.2 માર્ચ : કચ્છ જિલ્લાના મુંદરા તાલુકાના રતાડીયા (ગણેશવાલા) ગામ ખાતે આવેલા સદગુરુ કુટિર ખાતે નિર્માણ પામેલા નૂતન રામમંદિરનો ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ધામધૂમથી ઉજવવામાં આવ્યો હતો. ઓધવ સવંત ૧૩૬, વિક્રમ સવંત ૨૦૮૧, ફાગણ સુદ ૧ ને તા.૨૮.૨.૨૫, શુક્રવારથી ફાગણ સુદ ૩ને તા.૨.૩.૨૫, રવિવાર સુધી શાસ્ત્રી શ્રી સંજય મહારાજના આચાર્યપદે યોજાયેલ મહોત્સવમાં ગામના યુવાનો, વડીલો તેમજ ભક્તજનોમાં અનેરા ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. આ પ્રસંગે મંદિર ખાતે ત્રણ દિવસથી વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યુ હતું. જેમાં ગણેશ પૂજન, કુટિર હોમ, જલયાત્રા, શોભાયાત્રા, દેવોની સ્નાનવિધિ, સ્થાપિત દેવતા પુજન, પ્રાણ પ્રતિષ્ઠા વિધિ, પૂર્ણાહુતિ હોમ, મહાઆરતી, મહાપ્રસાદ વિગેરે કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલ હતું.

રતાડીયા સદગુરુ કુટિરના ભગવતી દેવીશ્રી મૃદુલા માતાજીના માર્ગદર્શન હેઠળ યોજાયેલ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં ભગવાનશ્રી રામ, મહાદેવ અને કૃષ્ણની મૂર્તિની સાથે કચ્છ જિલ્લાના જખૌ ગામે ૧૮૮૯માં રામનવમીના પવિત્ર દિવસે ભાનુશાલી પરિવારમાં જન્મેલા પરમ પૂજય સંતશ્રી ઓધવરામજી મહારાજ તથા મૂળ કચ્છ જિલ્લાના મુરચબાણ ગામના વતની અને કરાંચીમાં ૧૯૨૬માં ઠક્કર પરિવારમાં જન્મેલા તેમના શિષ્ય પરમ પૂજય સંતશ્રી વાલરામજી મહારાજની પ્રતિમાની સ્થાપના કરવામાં આવી હતી. આ પ્રસંગે કચ્છી લાલરામેશ્વર આશ્રમ (હરિદ્વાર)ના પરમ પૂજય ગુરુવર્ય સંતશ્રી હરિદાસજી મહારાજ (ગુરૂશ્રી વાલરામજી મહારાજ)એ આર્શીવાદ પાઠવ્યા હતા.પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને સમગ્ર વાતાવરણ પણ ભક્તિમય જોવા મળ્યું હતુ અને હરિભક્તોમાં પણ અનેરો ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. મહોત્સવમાં મોટી સંખ્યામાં ભક્તજનોએ મહાપ્રસાદનો લાભ લીધો હતો.

Back to top button
error: Content is protected !!