વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – બિમલભાઈ માંકડ -ભુજ કચ્છ.
ભુજ તા. ૨૫ સપ્ટેમ્બર : જી.સી. ઇ.આર. ટી.ગાંધીનગર દ્વારા ધોરણ 3 થી 10 ની શિક્ષક તાલીમ માટેના સમગ્ર આયોજન અંગેની સૂચનાઓ આપવામાં આવેલ હતી. આ તાલીમનું ૧૭ સપ્ટેમ્બરથી ૨૪ ઓક્ટોબર દરમ્યાન આયોજન કરાયું હતું. પરંતુ તા.૧૭ ઓક્ટોબર થી પ્રાથમિક શાળાઓમાં સત્રાંત પરીક્ષા શરૂ થતી હોવાથી આ સમય ગાળા દરમિયાન યોજાનાર તાલીમમાં ફેરફાર કરવા રજૂઆત કરાઈ હતી જે માંગ સ્વીકારાઈ છે. હાલ આ સમયગાળાની તાલીમ મુલત્વી રાખવામાં આવી છે. આ અંગે જી.સી. ઇ.આર. ટી. ના સચિવ એસ.જે. ડુમરાળિયાએ તમામ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી, શાસનાધિકારી અને તાલીમ ભવનના પ્રાચાર્યોને પત્ર લખી આ બાબતે જાણ કરી છે. રદ્દ કરેલ તાલીમોમાં 21 થી 22 ઓકટોબર દરમ્યાન યોજાનાર ધો. ૩ થી ૫ અંગ્રેજી વિષયની તાલીમ, 23 થી 24 ઓકટોબર દરમ્યાન યોજાનાર ધો. ૫ અંગ્રેજી અજમાયશી પા.પુ. તાલીમ, તા. 17 થી 19 ઓકટોબર 2024 દરમ્યાન યોજાનાર ધો. ૬ થી ૮ ની હિન્દી અને સંસ્કૃત વિષયની તાલીમનો સમાવેશ થાય છે.આ તાલીમ હાલ મુલત્વી રાખવામાં આવે છે. સદર ધોરણ અને વિષયની તાલીમની નવી તારીખો હવે પછીથી જણાવવામાં આવશે. બાકીના ધોરણ ૩ થી ૮ ના વિષયોની તાલીમ કે જે પરીક્ષા સમય શિવાય છે તે યથાવત રહેશે. દરમ્યાન આગામી તા. ૩ ઓક્ટોબરના રોજ ધોરણ ૬ થી ૮ ની ગુજરાતી વિષયની તાલીમ નવરાત્રિ દરમ્યાન આવે છે. આ દિવસે કચ્છ જિલ્લાની પ્રાથમિક શાળાઓમાં નવરાત્રિ પ્રારંભની રજા આવે છે તો આ દિવસની તાલીમમાં પણ ફેરફાર કરવા કચ્છ જિલ્લા પ્રાથમિક શિક્ષક સમાજ દ્વારા રજૂઆત કરવામાં આવી છે.