Rajkot: રાજકોટની ધર્મેન્દ્રસિંહજી આર્ટસ કોલેજ ખાતે કારકિર્દી માર્ગદર્શન સેમિનાર યોજાયો

તા.૧૯/૧૦/૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
ઇન્ડિયન એરફોર્સ સિલેકશન મુંબઈ અને રોજગાર કચેરીએ વિદ્યાર્થીઓને ભારતીય સેનામાં જોડાવા માર્ગદર્શિત કર્યા
Rajkot: ગુજરાત સરકાર દ્વારા રાજ્યના બાળકોના ઉત્તમ ભવિષ્ય માટે વિવિધ યોજનાઓ અમલી બનાવાઇ છે. વિદ્યાર્થી પોતાની આવડત અને કૌશલ્યને સાચી દિશા આપે તે માટે ઇન્ડિયન એરફોર્સ સિલેકશન મુંબઈ અને રોજગાર કચેરી, રાજકોટના સંયુક્ત ઉપક્રમે ધર્મેન્દ્ર સિંહજી આર્ટસ કોલેજ ખાતે કારકિર્દી માર્ગદર્શન સેમિનારનું આયોજન કરાયું હતું.
આ સેમિનારમાં ભારતીય વાયુદળના કોર્પોરલ શ્રી જયદીપસિંહ પરમાર અને સાર્જન્ટ શ્રી નરેન્દ્રસિંહ શેખાવતે વિદ્યાર્થીઓને ભારતીય સશસ્ત્ર દળોમાં જોડાવા અને “અગ્નિવીર વાયુ યોજના” સહિતની કારકિર્દી ઘડતર અંગે જરૂરી તમામ માહિતી આપી હતી.
રોજગાર કચેરીના કરિયર કાઉન્સેલરશ્રી રાજેશભાઈ ચૌહાણે વિદ્યાર્થીઓને કોલેજ પૂર્ણ કર્યા બાદ કારકિર્દીમાં ઉચ્ચ અભ્યાસ માટે યોગ્ય દિશા માટે વિવિધ સ્ત્રોતોનો ઉપયોગ કરવા અંગે જણાવ્યું હતું. અને એમ્લોયમેન્ટ કાર્ડ કઢાવવાની પ્રક્રિયા અંગે જાણકારી આપી હતી. વિદેશમાં શિક્ષણ અને રોજગારી માટે પાસપોર્ટ, વિઝા અને લોન અંગે સંપૂર્ણ માહિતી આપી હતી. અને યુ.પી.એસ.સી., જી.પી.એસ.સી., સહિતની સ્પર્ધાત્મક પરીક્ષાઓ અંગે વિગતવાર માહિતી આપી હતી.
આ પ્રસંગે કોલેજના આચાર્યશ્રી ડો. હેમલ વ્યાસ અને એન.સી.સી. ઓફિસર કેપ્ટન એસ.આર.ભારદ્વાજ સહીત પ્રોફેસરશ્રીઓ અને આશરે ૧૫૦ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.





