GUJARATRAJKOTRAJKOT CITY / TALUKO

Rajkot: રાજકોટ જિલ્લાની આરોગ્ય શાખા બાળકોની સ્વાસ્થ્ય સુખાકારી અર્થે પ્રયાસશીલ

તા.૨૫/૨/૨૦૨૫

વાત્સલ્યમ્ સમાચાર

“રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ” અંતર્ગત અતિગંભીર બીમારી ધરાવતા ૧૭૫ બાળકોને સુપર સ્પેશ્યાલીસ્ટ દ્વારા સારવાર નિઃશુલ્ક અપાઈ

“મિશન બલમ્ સુખમ્” અન્વયે ૪૮૩ બાળકોને બાળ સેવા કેન્દ્રનો લાભ અપાયો : ૧૫૫ બાળકો સંપૂર્ણ સ્વસ્થ

Rajkot: રાજકોટ જિલ્લા પંચાયત આરોગ્ય શાખા બાળકોની સ્વાસ્થ્ય સુખાકારી અર્થે સતત પ્રયાસશીલ છે. ભારત સરકાર દ્વારા બાળકોમાં રહેલી સામાન્ય બીમારીની શોધવા બીમાર બાળકોને નિષ્ણાત ડોકટરો પાસે જરૂરી સેવાઓ આપવા અને ગંભીર બીમારી ધરાવતા બાળકોને સુપર સ્પેશ્યાલીસ્ટ સેવાઓ વિનામૂલ્યે આપવાના આશયથી “રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ” અમલમાં મુકવામાં આવ્યો છે.

જે અંતર્ગત રાજકોટ જિલ્લામાં વર્ષ ૨૦૨૪ દરમિયાન આંગણવાડી કેન્દ્રો અને શાળાઓમાં કુલ ૩,૫૦,૬૩૧ બાળકોની તપાસણી કરવામાં આવી હતી. જે પૈકી ૩૨,૧૨૮ બાળકો ખામીવાળા મળી આવ્યા હતા. જેમાંથી ૨૫,૩૪૯ બાળકોને સ્થળ પર જ સારવાર આપવામાં આવી હતી અને ૬૭૭૯ બાળકોને સંસ્થાગત સારવાર આપવામાં આવી હતી. જેમાં અતિગંભીર બીમારી ધરાવતા ૧૭૫ બાળકો પૈકી ૧૧૬ બાળકો હ્રદયની બીમારી, ૨૪ બાળકો કીડનીની બીમારી, ૨૯ બાળકો કેન્સર અને ૬ બાળકો કોંકલીયર ઈમ્પ્લાન્ટની બીમારી ધરાવતા હતા. તેઓને અમદાવાદ ખાતે સુપર સ્પેશ્યાલીસ્ટ સારવાર નિઃશુલ્ક આપીને તેમની જિંદગી બચાવી લેવામાં આવી છે.

આ ઉપરાંત, ગુજરાત સરકાર દ્વારા બાળકોમાં કુપોષણનું પ્રમાણ અટકાવવા માટે “મિશન બલમ્ સુખમ્” અન્વયે તાલુકા કક્ષાએ બાળ સેવા કેન્દ્ર શરૂ કરવામાં આવ્યા છે. જે રાજકોટ જિલ્લામાં તાલુકા સરકારી હોસ્પિટલ ગોંડલ, જસદણ, ધોરાજી તથા સામૂહિક આરોગ્ય કેન્દ્ર વિરપુર (જલારામ) ખાતે કાર્યરત છે. તેમજ જનાના હોસ્પિટલ ખાતે બાળ સંજીવની કેન્દ્ર કાર્યરત છે. જેમાં વર્ષ ૨૦૨૪-‘૨૫માં ડીસેમ્બર, ૨૦૨૪ અંતિત ૪૮૩ બાળકોને લાભ આપવામાં આવ્યો હતો. જેમાંથી ૧૫૫ બાળકો સંપૂર્ણ સ્વસ્થ થઇ ચૂક્યા છે, બાકીના ૩૨૮ બાળકો સારવાર હેઠળ છે, તેમ રાજકોટ જિલ્લા પંચાયતની આરોગ્ય શાખાની યાદીમાં જણાવાયું છે.

Back to top button
error: Content is protected !!