Rajkot: ડૉ. આંબેડકરજીના જન્મદિન નિમિત્તે રાજકોટમાં ૧૨૬ નિઃશુલ્ક આરોગ્ય નિદાન કેમ્પ યોજાયા
તા.૧૫/૫/૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
રાજકોટના તમામ ઝોનમાં યોજાયેલા કેમ્પમાં ૬૨૦૩ લોકોના આરોગ્યની તપાસ થઈ
નેશનલ મેડિકોઝ ઓર્ગેનાઈઝેશન, વિશ્વ હિન્દુ પરિષદ , સેવાભારતી તથા ડૉ. હેડગેવાર જન્મ શતાબ્દી સેવા સમિતિનું સફળ આયોજન
Rajkot: વંચિતોના વિકાસ માટે આજીવન કાર્યરત રહેલા ભારતરત્ન ડૉ. બાબાસાહેબ આંબેડકરની જન્મદિવસની ઉજવણી સેવાકીય કાર્યોથી કરવાના હેતુસર, રાજકોટ શહેરના પાંચ ઝોનમાં ૧૨૬ સેવા વસ્તીઓમાં નિઃશુલ્ક આરોગ્ય નિદાન કેમ્પ યોજાયા હતા. જેમાં ૬૨૦૩ લોકોના આરોગ્યની તપાસ કરવામાં આવી હતી.
નેશનલ મેડિકોઝ ઓર્ગેનાઈઝેશન, વિશ્વ હિન્દુ પરિષદ , સેવાભારતી તથા ડૉ. હેડગેવાર જન્મ શતાબ્દી સેવા સમિતિના સંયુક્ત ઉપક્રમે, સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છમાં સેવા વસ્તીઓમાં નિઃશુલ્ક આરોગ્ય નિદાન કેમ્પનું આયોજન હાથ ધરાયું હતું. જે અંતર્ગત રાજકોટમાં પણ કેમ્પ યોજવામાં આવ્યા હતા. આ કેમ્પ સફળ બનાવવા રાજકોટના વિવિધ ડોક્ટર્સ એસોસિએશન તરફથી પણ સહયોગ પ્રાપ્ત થયો.
ડોક્ટર આંબેડકરજીને અનોખી સેવાંજલિ અર્પણ કરતાં રાજકોટ શહેરના રૈયાધાર સેવા વસ્તી, ગુરુજીનગર સેવા વસ્તી આવાસ યોજના, વૃંદાવનનગર, વિશ્વ નગર સેવા વસ્તી, કોઠારિયા સોલવન્ટ, સ્વાતિનગર, નીલકંઠનગર, અટિકા, મંછાનગર માર્કેટિંગ યાર્ડ, છોટુનગર સેવા વસ્તી સહિતના ૧૨૬ સ્થળોએ તા.૧૩ એપ્રિલ ને રવિવારના રોજ સવારે ૯થી ૧૨ વાગ્યા સુધીમાં નિઃશુલ્ક આરોગ્ય નિદાન કેમ્પ યોજવામાં આવ્યા. જેમાં આશરે ૬૬૮થી વધુ સેવાભાવી કાર્યકર્તાઓની ટીમ, ૧૫૦થી વધુ ડોક્ટરની ટીમો અને ૧૭૫થી વધુ અભ્યાસ કરતા ઇન્ટર્ન ડોક્ટરોની ટીમ દ્વારા સેવાવસ્તીમાં જઈને લોકોના આરોગ્યની વિનામૂલ્યે તપાસ કરવામાં આવી. આ કેમ્પમાં નિદાન બાદ લોકોને જરૂર પડ્યે વિનામૂલ્યે દવા પણ આપવામાં આવી.
ભારત માતા તથા ડૉ. આંબેડકરજીની તસવીરને સ્થાનિક સમાજના આગેવાનોના હસ્તે પુષ્પહાર અર્પણ કરીને દીપ પ્રાગટય બાદ નિઃશુલ્ક નિદાન કેમ્પનો પ્રારંભ થયો હતો. આ કેમ્પનો લાભ લેવા મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. એક જ સમયે એક જ દિવસે યોજાયેલા ૧૨૬ કેમ્પને સફળ બનાવવા માટે રવિભાઈ ગોંડલીયા , સી.એ. પ્રવીણભાઈ ધોળકિયા, કિશોરભાઈ મુંગલપરા, ડૉ. નરેન્દ્રભાઈ દવે, બાદલભાઈ સોમમાણેકના માર્ગદર્શનમાં સુધીર ભાઈ છત્રાલા, ડોક્ટર જે ડી પટેલ, ધીરજભાઈ બોરડ, ભરતભાઈ વડગામ, જયેશભાઈ પરમાર તથા જે.પી. ફુલારા સહિતના કાર્યકર્તાઓની ટીમે વિવિધ કામગીરી સંભાળી હતી.