Rajkot: રાજકોટ જિલ્લા આરોગ્ય શાખા દ્વારા ‘રાષ્ટ્રીય ડેન્ગ્યુ દિવસ’ની ઉજવણી કરાશે
તા.૧૪/૫/૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
Rajkot: ભારતમાં દર વર્ષે ૧૬ મેના રોજ ‘રાષ્ટ્રીય ડેન્ગ્યુ દિવસ’ની ઉજવણી કરવામાં આવે છે. આ દિવસ મચ્છરજન્ય રોગ અને તાવ વિશે જાગૃતિ ફેલાવવા માટે મનાવવામાં આવે છે. જેનો હેતુ ડેન્ગ્યુ રોગના અસરકારક નિયંત્રણ માટે વ્યાપક જનજાગૃતિ કેળવીને જનસમુદાયની સક્રિય ભાગીદારી મેળવવાનો છે. જે અન્વયે એન.વી.બી.ડી.સી.પી. દિલ્લી દ્વારા આ વર્ષે રાષ્ટ્રીય ડેન્ગ્યુ દિવસની થીમ “Check, Clean, Cover : Step to defeat Dengue” – “ડેન્ગ્યુને હરાવવા માટે આપના ઘરના પાણીના ભરેલા પાત્રો તપાસો, તેની સફાઇ કરો અને પાત્રો ઢાંકીને રાખો” રાખવામાં આવી છે. જે મુજબ વિવિધ આરોગ્ય શિક્ષણની પ્રવૃતિઓ હાથ ધરવામાં આવશે.
રાજકોટ જિલ્લા વિકાસ અધિકારીશ્રી આનંદુ સુરેશ ગોવિંદની સૂચના મુજબ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડો. આર. આર. ફુલમાલીના માર્ગદર્શન હેઠળ જિલ્લા મેલેરિયા અધિકારીશ્રી જી. પી. ઉપાધ્યાય અને આરોગ્ય ટીમ દ્વારા હાલમાં ગામોમાં સર્વેલન્સ કરવામાં આવી રહ્યું છે. ગૃહ મુલાકાત લઇ આરોગ્ય શિક્ષણ આપવામાં આવી રહ્યું છે. આ દરમિયાન જો તાવના દર્દીઓ જોવા મળે તો તેના લોહીના નમુના લઇ સ્થળ ઉપર જ સારવાર આપવામાં આવે છે. જરુરીયાત મુજબ પાણીના ટાંકામાં એબેટ નામની દવા નાખવામાં આવે છે. બંધિયાર ખાડા, નદી કે ખૂલ્લી પાણીની ટાંકીઓમાં પોરાભક્ષક માછલીઓ મૂકવામાં આવે છે. ડેન્ગ્યુ, મેલેરિયાના પોઝીટીવ કેસો ધરાવતા ગામોમાં જંતુનાશક દવાનો છંટકાવ કરવામાં આવે છે.
આ રોગ મચ્છરજન્ય છે. પાણીમાં મચ્છરની ઉત્પત્તિ થાય છે. તેથી, લોકોએ પાણી ભરવાના વાસણો, ટાંકીઓ નિયમિત સાફ કરી સુકવીને પછી ફરીથી ભરવા જોઇએ, તેને હવાચુસ્ત કપડાથી કે ઢાંકણાથી બંધ રાખવા જોઇએ. ટાયર, નકામા ડબ્બા, ખાલી વાસણોમાં પાણી ન ભરાવા દેવું, ખાડા-ખાબોચીયાનું પાણી વહેતુ કરી દેવું, મોટા ખાડામાં પોરાભક્ષક ગપ્પી માછલી મુકવી, પુરુ શરીર ઢંકાય તેવા કપડા પહેરવા, દવાવાળી મચ્છરદાનીમાં સૂવું, સાંજે દિવસ આથમે બારી બારણા બંધ રાખવા, લીમડાનો ધુમાડો કરવો – આ મુજબ આરોગ્ય શિક્ષણ આપવામાં આવી રહ્યું છે. તાવ આવે ત્યારે આરોગ્ય કર્મચારી કે આશાનો સંપર્ક સાધી, તેમને લોહીનો નમૂનો આપી, તેમની સુચના મુજબ સારવાર કરાવવા અપીલ કરવામાં આવે છે.
તાલુકા કક્ષાએ ગ્રામ્ય તથા શહેરી વિસ્તારોમાં ઇન્ટર સેકટોરલ મીટીંગ / એડવોકેસી વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું છે. આરોગ્ય શિક્ષણ માટે વાહકજન્ય રોગો અંગે પ્રદર્શન તથા જાહેર સ્થળોમાં કાર્યક્રમો ગોઠવવામાં આવશે. તાલુકાઓમાં ક્ષેત્રીય કક્ષાએ ભવાઇ, ડાયરા, નાટક અથવા પપેટ શો જેવા કાર્યક્રમ યોજાશે. જાહેર સ્થળો પર રેલી, હોડિંગ્સ, બેનર, પોસ્ટર્સ, ભીંતચિત્રો અને ભીંતસુત્રોના માધ્યમથી જાગૃતિ ફેલાવાશે. શાળા અને કોલેજોમાં વાહકજન્ય રોગો સબંધિત પેઇન્ટીંગ, વકતૃત્વ સ્પર્ધા વગેરે યોજાશે. પત્રિકા વિતરણ, હાઉસ ટુ હાઉસ આઇ.ઇ.સી. કામગીરી કરવામાં આવશે, તેમ જિલ્લા પંચાયતની આરોગ્ય શાખાની યાદીમાં જણાવાયું છે.