Rajkot: વિદ્યાર્થીઓના સામર્થ્યને સાહસમાં પરિવર્તીત કરી તેને સફળતાના શિખર તરફ દોરી જતી “સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન પોલિસી (SSIP 2.0)”
તા.૨૩/૫/૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
આલેખન – પ્રિયંકા પરમાર
SSIP 2.0 હેઠળ રાજકોટ જિલ્લાની ૧૭ શૈક્ષણિક સંસ્થાઓ અને યુનિવર્સિટીને રૂ. ૨.૮૨ કરોડથી વધુની ગ્રાન્ટ ફાળવાઈ : ૧,૨૪૧ વિદ્યાર્થીઓએ ઈનોવેશન દ્વારા ૫૭૦ જેટલા પ્રોજેક્ટ શરૂ કર્યા
SSIP 2.0 યોજના અંતર્ગત માત્ર ૧૫,૦૦૦ રૂપિયાની શરૂઆતથી સરગવામાંથી હેલ્ધી ચોકલેટ બનાવીને મહિલા ઉદ્યમી બનતા ૨૪ વર્ષીય કૃપા બોડા
“આત્મનિર્ભર બનવાની સાથે જોબ ગીવર બનાવવા માટે રાજ્ય સરકારની આજીવન આભારી રહીશ”
“ભવિષ્યમાં i -Hub હેઠળ સહાય મેળવીને “હેલ્ધી અને ટેસ્ટી” ના મંત્ર સાથે પૌષ્ટિક ચોકલેટના વ્યવસાયને આગળ ધપાવીશ
Rajkot: ચોકલેટ કોને ન ભાવે ! “ચોકલેટ” શબ્દ સાંભળતાની સાથે જ અબાલ વૃધ્ધ સૌ કોઈના મોઢામાં પાણી આવી જાય છે. વિવિધ કંપનીઓ અનેક પ્રકારના સ્વાદની ચોકલેટનું ઉત્પાદન કરે છે, પરંતુ આજે આપણે એક એવી ચોકલેટ વિશે વાત કરવી છે, જેને આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ઉપયોગી એવા સરગવામાંથી બનાવવામાં આવી છે. પૌષ્ટિક તત્વો અને ભરપૂર વિટામિન જેમાં રહેલા છે, તેવા સરગવા એટલે કે મોરીંગામાંથી બનેલી આ ચોકલેટનું નામ પણ “મોરિક ડીલાઇટ” છે. જેને રાજકોટના યુવા મહિલા ઉદ્યમી કૃપા બોડાએ બનાવી છે.
રાજય સરકારની “સ્ટુડન્ટ્સ સ્ટાર્ટ અપ એન્ડ ઈનોવેશન પોલિસી ૨.૦” (SSIP) નો લાભ મેળવીને મહિલા ઉદ્યમી તરીકે આગળ વધી રહેલી કૃપાએ તેના હેલ્ધી ચોકલેટના પ્રોજેક્ટ વિશે વાત કરતા જણાવ્યું હતું કે, મેં વર્ષ ૨૦૧૯માં રાજકોટની માતૃશ્રી વીરબાઈ મહિલા સાયન્સ કોલેજમાં BSC કેમિસ્ટ્રીમાં એડમિશન લીધું હતું. અભ્યાસની સાથે કંઇક અલગ કરવાની ઈચ્છા હતી. એ જ અરસામાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં “સ્ટુડન્ટ્સ સ્ટાર્ટઅપ એન્ડ ઈનોવેશન પોલિસી ૨.૦” હેઠળ બુટ કેમ્પ યોજાયો હતો. જેમાં મારી કોલેજના પ્રો.ચેતન ઠાકર અને પ્રો.ભાવના વૈધના માર્ગદર્શન હેઠળ મેં સરગવામાંથી ચોકલેટ બનાવવાનો પ્રોજેક્ટ મૂક્યો હતો, મારા આ પ્રોજેક્ટને નિર્ણાયક ટીમ દ્વારા SSIP હેઠળ પસંદ કરવામાં આવ્યો. જેણે મારા માટે આત્મનિર્ભર બનવાના દ્વાર ખોલી નાખ્યા.
સરગવાની ચોકલેટ બનાવવાના ઉદ્દેશ્યને વર્ણાવતા તેઓ કહે છે કે, લોકોના આરોગ્યને ધ્યાનમાં રાખીને મારે કંઇક નવું કરવું હતું. સરગવામાં અનેક પોષક તત્વો રહેલા છે. ફાઈબરથી ભરપૂર સરગવો ચરબી ઘટાડવામાં મદદરૂપ છે, આજના યુગમાં આહાર – વિહાર અને જીવનશૈલીના કારણે લોકો મેદસ્વીતાનો શિકાર બની રહયા છે. તેવા સમયે સરગવામાંથી “હેલ્ધી અને ટેસ્ટી” ચોકલેટ બનાવી તેને લોકો સુધી પહોંચાડીએ તો લોકોનું આરોગ્ય પણ સારૂ રહે તેવા વિચાર સાથે મે ” મોરિક ડીલાઇટ” ચોકલેટના ઉત્પાદન ક્ષેત્ર ઝંપલાવ્યું.
” મોરિક ડીલાઇટ” ચોકલેટના ઉત્પાદનની સફર અંગે કૃપા બોડા જણાવે છે કે, આ ચોકલેટમાં એકપણ પ્રકારના આર્ટીફિશિયલ કલર એડ કરવામાં આવતા નથી, તેમજ પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂત પાસેથી જ સરગવો લઈએ છીએ. ગોળ, સારક, ખજુર અને મધની મીઠાશ વાળી પણ ચોકલેટ બનાવું છું. જેને કારણે મારી આ ચોકલેટ વધુ ગુણવત્તાવાળી બને છે. મારા ઉત્પાદન માટે મે Fssai ના રજીસ્ટ્રેશન નંબર લીધા છે, એટલું જ નહી પરંતુ આ ઉત્પાદન કરતાં પહેલાં મે ચોકલેટના લેબોરેટરી ટેસ્ટ પણ કરાવ્યા છે. હવે આ ચોકલેટની પેટન્ટ માટે પણ હું એપ્લાય કરવાની છું. મારી આ હેલ્ધી ચોકલેટની ગુણવત્તાના કારણે અન્ય વેંચાણની સાથે તેની સરકારી કાર્યક્રમ અને વર્કશોપમાં પણ વેચાણ માટે સારી માંગ રહે છે.
સરકારની આ પોલિસીમાં રૂ.૨.૫૦ લાખ સુધીની સહાય મળે છે, હાલ મેં માત્ર ૧૫,૦૦૦ રૂપિયાની શરૂઆતથી ચોકલેટ બનાવવાનો મારો વ્યવસાય શરૂ કર્યો છે, જે સારી રીતે ચાલી રહ્યો છે. સરકાર મહિલા સશક્તિકરણને પ્રોત્સાહન આપી રહી છે, ત્યારે મહિલા કોલેજમાં એક મહિલા ઉદ્યમી બનીને હું ગર્વની લાગણી અનુભવું છું. આજે હું “જોબ સીકર નહિ, પરંતુ જોબ ગીવર” બની છું તેના માટે સરકારનો હું આભાર માનું છું. ભવિષ્યમાં i – hub હેઠળ વ્યવસાયને વિસ્તૃત કરવા રૂ. ૨.૫૦ થી ૧૦ લાખ સુધીની સહાય મેળવીને વ્યવસાયને આગળ ધપાવીશ.
કૃપાબહેનની આ સફળતામાં બીજરૂપ અને માર્ગદર્શકની ભૂમિકા ભજવનાર પ્રો.ચેતન ઠાકરે કહે છે કે, વિદ્યાર્થીઓને અભ્યાસક્રમ અનુસાર ભણાવીએ તો છીએ, પરંતુ હવે ભણતરની સાથે અને તેમને “સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન પોલિસી”ના માધ્યમથી આત્મનિર્ભર બનાવવામાં મદદરૂપ બની શકીએ છીએ તેનો અમને આનંદ છે. SSIP 2.0 અંતર્ગત અમારી વિદ્યાર્થીની કૃપાને સરગવામાંથી ચોકલેટ બનાવવાના પ્રોજેક્ટ અંગે માર્ગદર્શન આપી તેને આત્મનિર્ભર બનાવવામાં અમે સહભાગી બની શક્યા તેનો અમને સંતોષ છે.
મહિલા કોલેજમાં જ છેલ્લાં ૩૨ વર્ષથી હોમ સાયન્સના ફૂડ એન્ડ ન્યુટ્રીશિયન વિભાગના પ્રો. ભાવનાબહેન વૈધ કહે છે કે, આજે અયોગ્ય આહારને કારણે આપણે મેદસ્વિતા સહિતની અનેક બિમારીઓનો ભોગ બની રહયાં છીએ. તેવા સમયે સરગવામાં રહેલા અનેકવિધ પોષક તત્વોના કારણે તેનું સેવન રોગ પ્રતિકારક ક્ષમતા વધારે, બ્લડ શુગરનું નિયંત્રણ કરે, હાડકાં મજબૂત બનાવે છે. જેને ધ્યાને લઈ વિદ્યાર્થીની કૃપાને સરગવામાંથી આરોગ્યવર્ધક ચોકલેટ બનાવવાના પ્રોજેક્ટ માટે પ્રેરણા આપી હતી. SSIP હેઠળ અમારી કોલેજમાં કૃપાની જેમ અન્ય વિદ્યાર્થીનીઓને પણ હેલ્ધી પ્રોજેક્ટ માટે માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે.
ઉલ્લેખનીય છે કે, SSIP 2.0 હેઠળ રાજકોટ જિલ્લાની ૧૭ શૈક્ષણિક સંસ્થાઓ અને યુનિવર્સિટીને રૂ.૨ કરોડ, ૮૨ લાખ ૭૦ હજારની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે. જે અંતર્ગત હાલ ૧,૨૪૧ વિદ્યાર્થીઓના સમાવેશ સાથે ૫૭૦ જેટલા ઇનોવેશન પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યા છે. વિદ્યાર્થી મિત્રો પોલિસી વિશેની વધુ જાણકારી https://www.ssipgujarat.in/ વેબસાઈટ અને “મારી યોજના” પોર્ટલ ઉપરથી મેળવી શકે છે. આમ, સફળ ઉદ્યોગ સાહસિકો બનાવવા અને આત્મનિર્ભર ભારત બનાવવાની સંકલ્પનાને સાકાર કરવા “સ્ટુડન્ટ સ્ટાર્ટ અપ એન્ડ ઇનોવેશન પોલિસી ૨.૦” સાહસનું પ્રેરણાસ્ત્રોત બની છે.