વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – મુન્દ્રા કચ્છ.
મુન્દ્રા, તા. 24 : મુન્દ્રા તાલુકાના રતાડીયા ગામથી તાલુકા મથક મુન્દ્રાને જોડતા માર્ગની હાલત અતિ દયનીય બની છે. ખાસ કરીને રતાડીયાથી ગુંદાલા સુધીના આશરે ચાર કિલોમીટરના રસ્તા પર ઠેર ઠેર મોટા ખાડા પડી ગયા છે, જેના કારણે વાહનચાલકો અને રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આ માર્ગે અવરજવર કરતા રતાડીયા ગામના લોકોને મુન્દ્રા જવા માટે પારાવાર મુશ્કેલી પડી રહી છે.સ્થાનિકો દ્વારા ઉચ્ચ અધિકારીઓને વારંવાર રજૂઆતો કરવા છતાં આ સમસ્યા પ્રત્યે તંત્ર દ્વારા આંખ આડા કાન કરવામાં આવી રહ્યા છે. વધુ આશ્ચર્યજનક બાબત તો એ છે કે, નવા સરપંચની જાહેરાતના માત્ર બે દિવસ અગાઉ, તલાટી દ્વારા પોતાની ઓફિસ સામેના રસ્તા પર કપચી નાખવામાં આવી હતી, જ્યારે આ જ કપચીનો ઉપયોગ જો રતાડીયાથી ગુંદાલા સુધીના ખાડા પૂરવા માટે કરવામાં આવ્યો હોત તો ગામ લોકોને પડતી મુશ્કેલી ટાળી શકાઈ હોત.ઉલ્લેખનીય છે કે, આ જ ખરાબ રસ્તાને કારણે ત્રણ મહિના પૂર્વે એક નિર્દોષ માનવ જિંદગીનો ભોગ લેવાયો હતો. ત્યારે શું તંત્ર વધુ એક અકસ્માત અને જાનહાનિની રાહ જોઈ રહ્યું છે? તેવો પ્રશ્ન ગ્રામજનોમાં ઉઠી રહ્યો છે.રતાડીયા ગામના લોકો માર્ગ અને મકાન વિભાગ દ્વારા આ રસ્તાનું તાત્કાલિક સમારકામ કરવામાં આવે તેવી પ્રબળ માંગ કરી રહ્યા છે. વૈકલ્પિક રીતે, ચોમાસાની ઋતુ શરૂ થાય તે પહેલાં પંચાયત દ્વારા યોગ્ય મરામત હાથ ધરવામાં આવે તેવી પણ ગ્રામજનોની અપીલ છે, જેથી ભવિષ્યમાં કોઈ અનિચ્છનીય ઘટના ન બને અને ગ્રામજનોને સુવિધાયુક્ત માર્ગ મળી રહે.



