વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – મુન્દ્રા કચ્છ.
મુન્દ્રા ,તા.૦૩ જુલાઈ : ચૂંટણી સમયે ગાજેલું “મારા હાળા છેતરી ગયા”નું સ્લોગન અને હવે “થીગડાં લગાવીને ચૂનો ચોપડી ગયા”નો આક્રોશ રતાડીયા ગામમાં ગુંજી રહ્યો છે. ત્રણ દિવસ પહેલા રતાડીયા-હાઈવે માર્ગના પેચવર્કનો પ્રારંભ થતા ગ્રામજનોમાં ખુશીની લહેર છવાઈ હતી અને સ્થાનિક વર્તમાનપત્રોમાં ફોટા સહિતની પ્રેસનોટ પ્રકાશિત થઈ હતી. જોકે, આ આનંદ ક્ષણિક પૂરવાર થયો છે. માર્ગ અને મકાન વિભાગ (પંચાયત) દ્વારા શરૂ કરાયેલું આ કામ અધૂરું છોડી દેવાતા ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
ગ્રામજનોના મતે, નાના ખાડાઓનું માત્ર થીંગડા લગાવીને પેચવર્કનું નાટક કરવામાં આવ્યું છે અને ફોટા પડાવીને કામગીરી પૂર્ણ થયાનો દેખાવ કરવામાં આવ્યો છે. પરંતુ જ્યાં ખરેખર જરૂરિયાત હતી, તેવા નદી વિસ્તારના ઢોળાવમાં સંપૂર્ણપણે તૂટી ગયેલા રસ્તા અને બસ સ્ટેશનથી હાઈસ્કૂલ તરફ જતા રોડ પરના મોટા ખાડાઓનું સમારકામ કરવામાં આવ્યું નથી. આ કામ અધૂરું છોડી દેવાતા લોકોમાં એવી લાગણી પ્રવર્તી રહી છે કે “મારા હાળા છેતરી ગયા, થીગડાં લગાવીને ચૂનો ચોપડી ગયા!”
મુન્દ્રા તાલુકાના રોડ-રસ્તાની દયનીય હાલત અને વધતા અકસ્માતો: ચૂંટાયેલા પ્રતિનિધિઓ ક્યારે જાગશે?
આ માત્ર રતાડીયા ગામની સમસ્યા નથી. સમગ્ર મુન્દ્રા તાલુકાના રોડ-રસ્તાની હાલત અત્યંત ગંભીર છે. ખરાબ રસ્તાઓને કારણે અવારનવાર અકસ્માતો સર્જાય છે અને અનેક નિર્દોષ લોકોના જીવ ગયાના દાખલાઓ સામે આવ્યા છે.ચોમાસાની શરૂઆત થતા પહેલાં રોડ-રસ્તાનું સમારકામ અત્યંત આવશ્યક છે. ગ્રામજનો અને નાગરિકોની માંગ છે કે ચૂંટાયેલા પ્રતિનિધિઓ આ બાબતે અંગત રસ લઈને તાત્કાલિક ધોરણે આ માર્ગોનું સમારકામ કરાવે જેથી લોકોને પડતી હાલાકીનો અંત આવે અને અકસ્માતો અટકે. પ્રજાના પૈસે થતા કામમાં બેદરકારી દાખવીને “ચૂનો ચોપડ્યો” હોવાની લાગણી સામાન્ય લોકોમાં પ્રસરતી અટકાવવા માટે જવાબદાર અધિકારીઓ અને નેતાઓએ સત્વરે પગલાં ભરવા જોઈએ એવી લોકોની માંગ છે.