KUTCHMUNDRA

ચિત્રલેખાના 76માં વાર્ષિક વિશેષાંકમાં કચ્છનું ગૌરવ : ‘સુપર થર્ટી’ ‘ગૌરવવંતા ગુજરાતી’માં સ્થાન પામતા ભુજના ઇનોવેટિવ શિક્ષિકા કૃપાબહેન નાકર

કૃપાબહેન નાકર ‘આઈઆઈએમ’નો ‘ઇનોવેટિવ એજ્યુકેશન એવોર્ડ’ મેળવનારા એકમાત્ર કચ્છી મહિલા શિક્ષિકા છે

વાત્સલ્યમ્ સમાચાર,

પૂજા ઠક્કર – મુંદરા કચ્છ.

 

ચિત્રલેખાના 76માં વાર્ષિક વિશેષાંકમાં કચ્છનું ગૌરવ : ‘સુપર થર્ટી’ ‘ગૌરવવંતા ગુજરાતી’માં સ્થાન પામતા ભુજના ઇનોવેટિવ શિક્ષિકા કૃપાબહેન નાકર

 

કૃપાબહેન નાકર ‘આઈઆઈએમ’નો ‘ઇનોવેટિવ એજ્યુકેશન એવોર્ડ’ મેળવનારા એકમાત્ર કચ્છી મહિલા શિક્ષિકા છે

મુંદરા, તા. 5:
ગુજરાતી સાહિત્ય અને પત્રકારત્વ ક્ષેત્રે પોણી સદીની શાનદાર સફર પૂર્ણ કરનાર પ્રતિષ્ઠિત મેગેઝિન ‘ચિત્રલેખા’એ તેના 76માં વાર્ષિક વિશેષાંકમાં સમગ્ર ગુજરાતમાંથી પસંદ કરેલા 30 ‘ગૌરવવંતા ગુજરાતી’ એટલે કે ‘સુપર થર્ટી’ સેક્શનમાં કચ્છના ભુજ તાલુકાના નવનીતનગર પ્રાથમિક શાળાના શિક્ષિકા કૃપાબહેન નાકરનો સમાવેશ કરીને કચ્છી પ્રતિભાને બિરદાવી છે.
છેલ્લા 26 વર્ષથી શિક્ષણ ક્ષેત્રે અવિરત કાર્યરત કૃપાબહેન નાકર ‘આઈઆઈએમ’નો ‘ઇનોવેટિવ એજ્યુકેશન એવોર્ડ’ મેળવનારા એકમાત્ર કચ્છી મહિલા શિક્ષિકા છે. ચિત્રલેખાના તંત્રી હરેન મહેતાએ આ વિશેષાંકમાં નોંધ્યું છે કે કૃપાબહેને અત્યાર સુધીમાં 21થી વધુ રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાના એવોર્ડ મેળવ્યા છે. બાળકોને અઘરા લાગતા વિષયો નાટ્યપ્રયોગ અને સરળ ભાષામાં સમજાવવાની તેમની આગવી પદ્ધતિને કારણે તેઓ ગુજરાતભરમાં જાણીતા બન્યા છે. ભાવનગરના ગિજુભાઈ બધેકા એટલે કે ‘મુછાળી મા’ના શિક્ષણના વારસાને કૃપાબહેન કચ્છમાં રહીને ગર્વભેર આગળ ધપાવી રહ્યા છે.
તેમની આ સિદ્ધિઓના ભાથામાં રાજ્યકક્ષાનો ‘ચિત્રકૂટ એવોર્ડ’, ‘નેશનલ બિલ્ડ એવોર્ડ’, ‘કલા ગૌરવ એવોર્ડ’ અને ચિલ્ડ્રન રિસર્ચ યુનિવર્સિટી દ્વારા અપાતો ‘ગિજુભાઈ બધેકા એવોર્ડ’ મુખ્ય છે. આ ઉપરાંત તેમણે ગુજરાતી અને કચ્છી ભાષામાં બાળકોના વિકાસ માટે ઉપયોગી એવા સાત પુસ્તકોનું લેખન પણ કર્યું છે.
કૃપાબહેનની આ આંતરરાષ્ટ્રીય સ્તરની નોંધપાત્ર સિદ્ધિ બદલ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી નિલેશભાઈ ગોર, જિલ્લા શિક્ષક સંઘના પ્રમુખ નયનસિંહ જાડેજા, ભુજ તાલુકા શિક્ષક સમાજના પ્રમુખ ઘનશ્યામસિંહ જાડેજા, મહિલા પ્રમુખ વિલાસબા જાડેજા, રાજ્ય શિક્ષક સંઘના ઉપપ્રમુખ હરિસિંહ જાડેજા તેમજ ગ્રુપ શાળા આચાર્ય યોગેશ જરદોશ સહિતના અગ્રણીઓએ તેમને અભિનંદન પાઠવી કચ્છનું ગૌરવ વધારવા બદલ હર્ષની લાગણી વ્યક્ત કરી છે.

—————————
(૭૬માં ચિત્રલેખા વાર્ષિક વિશેષાંકમાં ‘સુપર થર્ટી’ તરીકે પસંદ પામેલા કચ્છી શિક્ષિકા કૃપાબહેન નાકરનો લેખ, સૌજન્ય : ચિત્રલેખા)

નોખાં ટીચરઅનોખું ટીચિંગ

પ્રાથમિક શિક્ષણમાં કારકિર્દી હોય ત્યારે વધુમાં વધુ કેટલી ઊંચાઈ સર કરી શકાય? અમાપ ઊંચાઈએ પહોંચી શકાય એ સિદ્ધ કર્યું છે ભૂજના કૃપાબહેન નાકરે.
શિક્ષિકા તરીકેનાં ૨૬ વર્ષના સેવાકાળ દરમિયાન બાવીશ જેટલા રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાના એવોર્ડ, લેખન ક્ષેત્રે અઢળક ખેડાણ, ‘સાહિત્ય અકાદમી’ના એવોર્ડ પણ મેળવ્યા છે કૃપાબહેને ધોરણ એકથી આઠ સુધીનાં શિક્ષણ સાથે જોડાયેલાં રહી એ આ બહુમાનો મેળવી શકયાં છે.
પ્રાથમિક શિક્ષણ સાથે જનરલ નોલેજ, ગણિતમાં કાર્યક્ષેત્રથી વિશેષ નિપુણતા, બાળકોનાં મનોવિજ્ઞાન માટે ગુજરાતભરમાં અગ્રસર નામ, બાળકોને ન સમજાતા વિષયોને જુદી જ રીતે સમજાવવાની પદ્ધતિ વિકસાવવા બદલ ‘આઈઆઈએમ’નો ‘ઇનોવેટિવ એજ્યુકેશન એવોર્ડ’ મેળવનારાં એકમાત્ર કચ્છી મહિલા છે કૃપાબહેન નાકર.

‘ઇનોવેટિવ એજ્યુકેશન એવોર્ડ’ એટલે?
કૃપાબહેન ચિત્રલેખાને કહે છે: ‘વિધાર્થીઓને અઘરા પડતા વિષયોને ભણાવવાની જુદી જ પદ્ધતિ મેં વિકસાવી છે. એ મોડેલ મને ‘આઈઆઈએમ’નો એવોર્ડ અપાવ્યો. એ પદ્ધતિ પ્રમાણે બાળકોને સરળ ભાષામાં, સહજ રીતે, નાટ્યપ્રયોગ દ્વારા હું વિષય સરળ રીતે ભણાવું છું. પરિણામો બહુ સારાં મળ્યાં છે. રાજસ્થાન ખાતે શિક્ષણ વિભાગ દ્વારા ખાસ પસંદગીના શિક્ષકોને વિશિષ્ટ તાલીમ આપવા માટેની શિબિરમાં કચ્છમાંથી એકમાત્ર મારી પસંદગી થઈ હતી.’
શિક્ષિકા તરીકે સમાજઘડતરનાં લાંબાં વર્ષો દરમિયાન રાજ્યકક્ષાનો શ્રેષ્ઠ શિક્ષક તરીકેનો ‘ચિત્રકૂટ એવોર્ડ’, કન્યા શિક્ષણ પ્રોત્સાહન માટેનો એવોર્ડ, ‘નેશનલ બિલ્ડ એવોર્ડ’, બાળફિલ્મના શ્રેષ્ઠ દિગ્દર્શકનો એવોર્ડ, ‘કલા ગૌરવ એવોર્ડ’થી લઈને ‘ચિલ્ડ્રન રિસર્ચ યુનિવર્સિટી- ગાંધીનગર’ દ્વારા અપાતો ‘ગિજુભાઈ બધેકા એવોર્ડ’ એમણે મેળવ્યો છે. એ ઉપરાંત, કૃપાબહેને ગુજરાતી અને કચ્છી ભાષામાં સાત પુસ્તકો પ્રકાશિત કર્યા છે, જે બાળકોના વિકાસ માટે અતિ ઉપયોગી નીવડયાં છે.
ભાવનગરમાં દાયકાઓ પહેલાં ‘મુછાળી મા’નું બિરુદ પામેલા ગિજુભાઈ બધેકાનું કામ અટકી નથી ગયું. કચ્છમાં રહી કૃપાબહેન નાકર સમગ્ર ગુજરાતનાં બાળકો માટે એ ગર્વભેર આગળ વધારી રહ્યાં છે.

વાત્સલ્યમ્ સમાચારમાં મુંદરા-કચ્છના સમાચાર/જાહેરાત આપવા માટે સંપર્ક કરો : 

-પુજા ઠક્કર, 

9426244508, 

ptindia112@gmail.com

Back to top button
error: Content is protected !!