ભરૂચ પોલીસ હેડકવાટર્સ ખાતે સ્મૃતિ દિન મનાવાયો, 1959માં ચીની સૈનિકોના હુમલામાં શહીદ થયેલા જવાનોની યાદમાં સ્મૃતિ દિવસ નિમિત્તે શ્રદ્ધાંજલિ અપાઈ
સમીર પટેલ, ભરૂચ
ભરૂચમાં સોમવારે પોલીસ સ્મૃતિ દિન મનાવવામાં આવ્યો હતો. શહેરની કાળી તલાવડી સ્થિત પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે એસપીની અધ્યક્ષતામાં શહિદ સ્મારક પર પોલીસ જવાનોને શ્રદ્ધાંજલી અર્પણ કરવામાં આવી હતી.
દર વર્ષે 21 ઓક્ટોબરના દિવસે પોલીસ સ્મૃતિ દિન તરીકે મનાવવામાં આવે છે.દેશની આંતરિક સુરક્ષા માટે શહિદ થયેલા પોલીસ જવાનોને શ્રદ્ધાંજલી અર્પણ કરવામાં આવે છે.1959માં ચીની સૈનિકોએ કરેલા ફાયરિંગમાં તિબ્બત બોર્ડર ફોર્સના જવાનો તથા પોલીસકર્મીઓ પણ શહીદ થયા હતાં.સરહદ પર ચીની સૈનિકોએ કરેલા ફાયરિંગમાં પોલીસકર્મી ઓએ તેમના પ્રાણ ગુમાવી દીધાં હતાં.શહીદ થયેલા પોલીસ જવાનોની સ્મૃતિમાં દર વર્ષે આજના દિવસે પોલીસ સ્મૃતિ દિવસ મનાવવામાં આવે છે.
જેના ભાગરૂપે ભરૂચ પોલીસ હેડ ક્વાટર્સ ખાતે સોમવારના દિવસે એસપી મયુર ચાવડા અને પોલીસ અધિકારીઓની તથા પોલીસ કર્મીઓની હાજરીમાં 264 શહીદ જવાનોનાં નામો બોલી શ્રદ્ધાંજલિ અર્પી હતી.શહીદ જવાનોને ગાર્ડ ઓફ ઓનર આપી હાજર તમામ અધિકારીઓ અને પોલીસ જવાનોએ શહીદોને પુષ્પો વડે શ્રદ્ધાંજલી આપી હતી.