GUJARATKUTCHMANDAVI

કચ્છના મીની તરણેતર તરીકે પ્રસિદ્ધ યક્ષ બૌંતેરા લોકમેળાનો પ્રારંભ કરાવતા પ્રવાસન મંત્રીશ્રી મુળુભાઈ બેરા.

મોટા યક્ષ મંદિર પરિસરના વિકાસ માટે રૂ.૧૦ કરોડની ગ્રાન્ટ ફાળવણીની જાહેરાત કરતા પ્રવાસન મંત્રીશ્રી મુળુભાઈ બેરા.

વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – નખત્રાણા કચ્છ.

પ્રવાસન મંત્રીશ્રી મુળુભાઈ બેરા:કચ્છના સર્વાંગી વિકાસ માટે રાજ્ય સરકાર પ્રતિબદ્ધ લોકમેળાઓ નાગરિકોને મનોરંજન સાથે રોજગારી પુરી પાડે છે.

વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના “વિકાસ ભી વિરાસત ભી” ના ધ્યેય સાથે લોકમેળાઓને જીવંત બનાવી રાખવાનું કાર્ય ગુજરાત સરકારે કર્યું છે.

કચ્છના મોટા યક્ષના ભાતીગળ લોકમેળાને માણવા જનમેદની ઉમટી.

પ્રવાસન મંત્રીશ્રીએ કચ્છના મોટા યક્ષ ખાતે શ્રમદાન કરીને નાગરિકોને સ્વચ્છતાનો સંદેશ આપ્યો.

નખત્રાણા,તા-૨૨ સપ્ટેમ્બર : કચ્છ જિલ્લાના નખત્રાણા તાલુકાના સાયરા‌(યક્ષ) ખાતે સૌથી મોટા અને મીની તરણેતર યક્ષ બૌંતેરા ક્કડભીટના ભાતીગળ મેળાનો આજરોજ પ્રવાસન, સાંસ્કૃતિક પ્રવૃતિઓ, વન અને પર્યાવરણ, કલાઈમેન્ટ ચેન્જ મંત્રીશ્રી મુળુભાઈ બેરાએ પ્રારંભ કરાવ્યો હતો. કચ્છના સૌથી મોટા લોકમેળાનો પ્રારંભ કરાવતા પ્રવાસન મંત્રીશ્રી મુળુભાઈ બેરાએ આનંદ સાથે જણાવ્યું હતું કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના “વિકાસ ભી વિરાસત ભી” ના ધ્યેય સાથે લોકમેળાઓને જીવંત બનાવી રાખવાનું કાર્ય ગુજરાત સરકારે કર્યું છે. પ્રવાસન મંત્રીશ્રીએ લોકમેળાને ખુલ્લો મૂકીને જણાવ્યું હતું કે, લોકમેળાઓ આપણી સંસ્કૃતિ ટકાવી રાખવાનું માધ્યમ બન્યા છે. કચ્છના મીની તરણેતર મોટા યક્ષ જેવા અનેક લોકમેળાઓ નાગરિકોને મનોરંજન સાથે રોજગારી પુરી પાડી રહ્યા છે. માધવપુર મેળો હોય, તરણેતર મેળો હોય કે પછી યક્ષનો મેળો હોય રાજ્ય સરકાર હંમેશા સ્ટોલ, હરિફાઈ આયોજન, મલ્ટિમીડિયા શૉ, ગ્રામીણ ઓલમ્પિક જેવા વિવિધ આયોજનો થકી તેમાં સહભાગી બની છે. કચ્છમાં પર્યટનના વિકાસ માટે મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની આગેવાનીમાં ગુજરાત સરકાર પ્રતિબદ્ધ છે તેમ જણાવીને પ્રવાસન મંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે, કચ્છ કુદરતી સંપદાઓથી ભરપૂર એક ઐતિહાસિક જિલ્લો છે. રાજ્ય સહિત દેશ વિદેશમાંથી પ્રવાસીઓને આકર્ષવાની ક્ષમતા કચ્છ જિલ્લામાં છે. કચ્છ જિલ્લામાં પ્રવાસનનો ઉત્તરોત્તર વિકાસ થાય તે માટે રાજ્ય સરકાર દ્વારા લખપત કિલ્લા ઉપર કાયમી રોશની તેમજ અન્ય સુવિધાઓ, ટપકેશ્વરી પરિસરનો વિકાસ, પિંગ્લેશ્વર બીચ ખાતે સુવિધાઓ, અંજાર જેસલ તોરલ સમાધિ સ્થળ નવીનીકરણ, માતાના મઢ પરિસર નવીનીકરણ, ધોળાવીરા ખાતે બ્યુટિફિકેશન પ્રોજેક્ટને શરૂ કરવામાં આવ્યા છે. કચ્છના સર્વાંગી વિકાસ માટે રાજ્ય સરકાર પ્રતિબદ્ધ છે તેમ પ્રવાસન મંત્રીશ્રીએ ઉમેર્યું હતું. કચ્છના વર્તમાન વિકાસ અંગેનો શ્રેય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીને આપીને પ્રવાસન મંત્રીશ્રી મુળુભાઈ બેરાએ જણાવ્યું હતું કે, કચ્છનો‌ સર્વાંગી વિકાસ થાય એ વડાપ્રધાનશ્રીની પ્રાથમિકતા રહી છે. કોરી ક્રિક ખાતે સીમા દર્શન થકી બોર્ડર ટુરિઝમનો વિકાસ, સ્મૃતિવન મ્યૂઝિયમ અને ગ્રીન ઉર્જા માટે ૩૦ ગીગાવોટનો રિન્યુએબલ એનર્જી પાર્ક સહિતના પ્રકલ્પોને પ્રવાસન મંત્રીશ્રીએ વડાપ્રધાનશ્રીની કચ્છને ભેટ ગણાવ્યા હતા. મોટા યક્ષ મેળાનો વ્યાપ વધે અને કચ્છી સંસ્કૃતિ જળવાઈ રહે તે માટે યક્ષ મંદિરના પરિસરના વિવિધ વિકાસલક્ષી કામો માટે પ્રવાસન મંત્રીશ્રીએ રૂ. ૧૦ કરોડની ગ્રાન્ટ ફાળવણીની જાહેરાત કરી હતી. આ ગ્રાન્ટમાંથી યક્ષ મંદિર પરિસરમાં રેસ્ટ રૂમ, સ્ટેજ સુવિધા, ડ્રેનેજ લાઈન અને અન્ય જરૂરી લોક ઉપયોગી સુવિધાઓનું નિર્માણ કરવામાં આવશે તેમ પ્રવાસન મંત્રીશ્રીએ જાહેરાત કરી હતી. આ કાર્યક્રમમાં પ્રાસંગિક પ્રવચન કરતાં કચ્છ મોરબી સાંસદશ્રી વિનોદભાઈ ચાવડાએ જણાવ્યું હતું કે, કચ્છમાં મેળાઓનું અનેરૂં મહત્વ છે. મેળાઓ લોકજીવન અને સંસ્કૃતિ વચ્ચેનો સેતુ છે. અન્ય જિલ્લામાંથી પણ લોકો આવે અને સાંસ્કૃતિક આદાન પ્રદાન થાય એવી રીતે આયોજન કરવા સાંસદશ્રીએ સૂચન કર્યું હતું.જિલ્લા પંચાયત પ્રમુખશ્રી જનકસિંહ જાડેજા સહિત સર્વ ધારાસભ્યશ્રીઓએ પ્રવાસન મંત્રીશ્રીને આવકારીને મોટા યક્ષના લોકમેળામાં સ્વચ્છતા જાળવવા અને લોકમેળાની મુલાકાત લેવા નાગરિકોને અનુરોધ કર્યો હતો.‌અબડાસા ધારાસભ્ય અને યક્ષ મંદિરના ટ્રસ્ટીશ્રી પ્રદ્યુમ્નસિંહ જાડેજાએ પ્રાસંગિક પ્રવચન કરીને આનંદ અને આભારની લાગણી વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, કચ્છીજનોની લાગણીને માન આપીને રાજ્યના પ્રવાસન મંત્રીશ્રી મુળુભાઈ બેરા મોટા યક્ષ ખાતે લોકમેળાના ઉદ્ઘાટન પ્રસંગે મુખ્ય અતિથિ તરીકે પધાર્યા છે. કચ્છમાં ધાર્મિક સ્થળોના વિકાસ માટે રાજ્ય સરકારે હંમેશા અગ્રતા આપી છે બાબતને બિરદાવીને ધારાસભ્યશ્રીએ આભારની લાગણી વ્યક્ત કરી હતી‌. કાર્યક્રમના અંતે આભાર આભારવિધિ મેળા સમિતિના અધ્યક્ષશ્રી ધીરજભાઈ પટેલે કરી હતી. આ મેળાના શુભારંભ પ્રસંગે ભુવા પરિવાર, ટ્રસ્ટીઓ, ગ્રામજનો અને યક્ષ મેળા સમિતિ દ્વારા પ્રવાસન મંત્રીશ્રીનું કચ્છી પાઘ, કોટી અને શાલથી કચ્છી સંસ્કૃતિ મુજબ સ્વાગત કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ બાદ લોકોમાં સ્વચ્છતા અંગે જાગૃતિ આવે તે માટે પ્રવાસન મંત્રીશ્રી,‌ સાંસદશ્રી સહિત સર્વ ધારાસભ્યશ્રીઓ અને મહાનુભાવોએ યક્ષ મંદિરના મુખ્ય ગેટ પાસે સફાઈ કરીને શ્રમદાન કર્યું હતું. આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખશ્રી જનકસિંહ જાડેજા, અગ્રણીશ્રી દેવજીભાઈ વરચંદ, ધારાસભ્ય સર્વશ્રી અનિરુદ્ધભાઈ દવે, શ્રી ત્રિકમભાઈ છાંગા, શ્રી કેશુભાઈ પટેલ, સામાજિક ન્યાય સમિતિના ચેરમેન શ્રીમતિ કુંવરબેન મહેશ્વરી, જિલ્લા વિકાસ અધિકારીશ્રી એસ.કે. પ્રજાપતિ, માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઇજનેરશ્રી વી.એન.વાઘેલા, નખત્રાણા પ્રાંત અધિકારીશ્રી સૂરજ સુથાર, નાયબ વન સંરક્ષકશ્રી યુવરાજસિંહ ઝાલા અને શ્રી ગોવિંદસિંહ સરવૈયા સહિત તાલુકાના પદાધિકારીશ્રીઓ અને અધિકારીશ્રીઓ, દાતાઓ, ટ્રસ્ટીઓ, ગ્રામજનો અને યાત્રાળુઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!