GUJARATKUTCHMANDAVI

સ્પેશિયલ ભરતીની મંજૂરી આવકાર્ય, પણ કચ્છની શાળાઓમાં કચ્છી શિક્ષકોની જ નિમણૂક કરો: સ્થાનિકોની માંગ.

શું સરકાર કચ્છના બાળકોના શિક્ષણની ગુણવત્તાને લઈને ચિંતિત નથી?

વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ  :- રમેશ મહેશ્વરી- મુન્દ્રા કચ્છ.

ક્યારે સરકાર કચ્છની વિશિષ્ટ ભાષા અને સંસ્કૃતિને ધ્યાનમાં લેશે?

શું કારણ છે કે ટેટ પરીક્ષાનું પરિણામ આટલું ઓછું આવે છે?

મુન્દ્રા,રતાડીયા,તા.02 મે : કચ્છના વિદ્યાર્થીઓના હિતમાં જિલ્લા પંચાયત અને શિક્ષણ સમિતિ દ્વારા લેવામાં આવેલો મહત્વપૂર્ણ નિર્ણય સરકારના દબાણ સામે ટકી શક્યો નહીં. ઓનલાઇન બદલી કેમ્પમાં પોતાના વતન જવા માટે ઉત્સુક શિક્ષકોના દબાણને વશ થઈને રાજ્ય સરકારે તાત્કાલિક 4100 શિક્ષકોની “સ્પેશિયલ ભરતી”નો પરિપત્ર બહાર પાડ્યો છે. આ નિર્ણય આવકાર્ય હોવા છતાં, તેમાં રહેલી છટકબારીઓ કચ્છના શિક્ષણ માટે ખતરો બની શકે છે. સ્થાનિક લોકોની એવી માંગ છે કે આ ભરતીમાં કચ્છના કચ્છી ભાષા જાણતા ઉમેદવારોને જ તક મળવી જોઈએ.કચ્છમાંથી ઓનલાઇન બદલી કેમ્પમાં પોતાના જિલ્લામાં જવા માટે બદલી પામેલ શિક્ષકોને જિલ્લા પંચાયતના પ્રમુખ જનકસિંહ જાડેજા અને જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન વિરમભાઈ ગઢવીએ કચ્છના વિદ્યાર્થીઓના હિતને ધ્યાનમાં રાખીને કચ્છમાંથી બદલી પામેલા શિક્ષકોને નવી ભરતી પહેલા છૂટા ન કરવાનો અભૂતપૂર્વ નિર્ણય લેતા છુટા થવા માટે તલપાપડ બનેલા શિક્ષકોએ તેમના પોતાના જિલ્લાના ચુટાયેલા પ્રતિનિધિઓ મારફતે સરકારમાં દબાણ કરતા છૂટા થવાના દિવસે જ તાત્કાલિક રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ દ્વારા કચ્છમાં ખાસ કિસ્સામાં 4100 શિક્ષકોની “સ્પેશિયલ ભરતી” કરવાનો પરિપત્ર કરવામાં આવેલ છે.આ સ્પેશિયલ ભરતીના પરિપત્રમાં જણાવ્યા અનુસાર 4100 જગ્યા પર નિમણૂક પામનાર શિક્ષકોને કાયમ માટે નિવૃત્તિ સુધી કચ્છમાં જ સેવા આપવાની રહેશે પરંતુ એમાં વધઘટ બદલી, આંતર જિલ્લા બદલી અને વહીવટી બદલી જેવી છટકબારીઓ રાખીને બદલી કરવાની ગોઠવણ કરવામાં આવી હોવાની શંકા વ્યક્ત કરતા જો માત્ર નિવૃત્તિ, રાજીનામું, મૃત્યુ અને ગાંડપણ જેવી પરિસ્થિતિમાં જ સેવા સમાપ્ત કરવાની જોગવાઈ કરવામાં આવે એવી કચ્છના વાલીઓએ માંગ કરી છે. નહીંતર સમય જતા બારાતું શિક્ષકો પોતાના વિસ્તારના ચૂંટાયેલા સભ્યો દ્વારા સરકાર પર દબાણ લાવીને ફરી પાછા એક વખત પોતાના જિલ્લામાં બદલી કરાવી લેશે એનાથી વધુ સારું એ રહેશે કે કચ્છ જિલ્લામાં કચ્છી ભાષા જાણતા કચ્છના ઉમેદવારોની જ કચ્છની પ્રાથમિક શાળાઓમાં ભરતી થાય એ માટે સ્થાનિક ચૂંટાયેલા ધારાસભ્યો, શિક્ષણ સમિતિના પ્રતિનિધિઓ, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના ચૂંટાયેલા પ્રતિનિધિઓ અંગત રસ દાખવે તે ખૂબ જ જરૂરી છે. દૂધમાં સાકર જ નહીં પરંતુ મધની જેમ ભળી જતા આ બારાતું શિક્ષકો જળમાંથી આંગળી નીકળી જાય એવી રીતે સરળતાથી પોતાના વતન ચાલ્યા જતા હોય છે. અને કચ્છના 6 ધારાસભ્યો ગુજરાતના 176 ધારાસભ્યો સામે વામળા પુરવાર થાય છે. એટલે પાણી પહેલા જ પાર બાંધવી અને ઘોડા છુટ્ટી ગયા પછી તબેલા ને તાળા મારવા કરતા આવી નોબત જ ન આવે એ માટે કચ્છી જાણતા શિક્ષકોની જ કચ્છમાં નિમણૂક કરવામાં આવે એવી કચ્છ લોકોની માંગ છે.

ગુજરાત સરકારમાં થોડાક સમય પહેલા કોમ્પ્યુટર કે તેને લગતી કોઈ લાયકાતની જરૂરિયાત નહોતી પરંતુ સમય જતા દરેક વિભાગમાં કોમ્પ્યુટરનું મહત્વ સ્વીકારીને સરકારે સરકારી નોકરી માટે સીસીસી એટલે કે કોમ્પ્યુટરને લગતી પ્રાથમિક પરીક્ષા પાસ કરવી ફરજિયાત બનાવી દીધી છે ત્યારે જો કચ્છની વિશિષ્ટ ભાષા અને લોક સંસ્કૃતિને ધ્યાને લઈને કચ્છમાં ભરતી થનાર કર્મચારીને કચ્છી સાહિત્ય અકાદમી દ્વારા લેવામાં આવતી “કચ્છી જાણ સુજાણ” પરીક્ષા પાસ કરવી ફરજિયાત બનાવી દેવામાં આવે એવી પણ લોકમાંગ ઉઠી છે.

કેમકે કચ્છના છેવાળાના સરહદી વિસ્તારો જેવા કે બન્ની, પચ્છમ, લખપત, અબડાસા નખત્રાણા, માંડવી, મુન્દ્રા જેવા ભૌગોલિક રીતે પછાત અને આગવી સંસ્કૃતિ ધરાવતા લોકોના બાળકો ફક્ત કચ્છીમાં જ વ્યવહાર કરતા હોય છે ત્યારે બહારના શિક્ષકોની ગુજરાતી બોલી પણ સરખી રીતે સમજી ન શકતા કચ્છના બાળકનું પાયાનું શિક્ષણ કાચું રહી જાય છે. અને વર્ગખંડમાં કંઈ સમજી ન શકવાને કારણે કંટાળીને એક તબક્કે બાળકોમાં શિક્ષણ અને શાળા પ્રત્યે નકારાત્મક ભાવ પેદા થાય છે. હાલમાં કચ્છમાં ફરજ બજાવતા 70% પ્રાથમિક શિક્ષકોને કચ્છી ભાષા આવડતી જ નથી કે પછી શીખવી જ નથી. ( કચ્છની વાડીઓમાં શાક-બકાલુ લેવા જાય અને મફતની દૂધ-છાશ મળતી હોય તો તેના માટે કચ્છીમાં કેમ માંગવું એ સારી રીતે શીખી જાય છે એક કહેવત છે ને કે છાશ માંગવા જઈએ ત્યારે બરણી છુપાવવી જોઈએ નહીં.)

બાળકો અને શિક્ષકો વચ્ચેનો આ મૂળભૂત ભાષાનો પ્રશ્ન ખૂબ જ ચિંતાજનક છે. ગુજરાતીથી તદ્દન અલગ પડતી કચ્છી ભાષા પ્રત્યે સરકાર અને સ્થાનિક તંત્ર સાવ ઉદાસીન હોય એવું લાગી રહ્યું છે.

કચ્છના વિકાસ માટે મહત્વના એવા શૈક્ષણિક ભાષાની જો સતત અવગણના કરવામાં આવશે તો એના ગંભીર માથા પરિણામો આગામી દેશોમાં જોવા મળશે. આ સમસ્યાનો દેશી ઉકેલ જણાવતા ગામના અનુભવી બુજુર્ગ લોકોએ જણાવ્યું હતું કે પપર તે પ્યો ને સા નકરી વ્યો ઈં હકડી જ ગાલ ક કચ્છ મેં કચ્છી માસ્તર જ ખપે. ઈ સો ટકા સોને જેડી ગાલ આય.

હવે વાત કરીએ ગુજરાતમાં છેલ્લે 2023માં પ્રાથમિક શિક્ષકોની ભરતી માટે લેવાયેલી ટેટ (1) પરીક્ષામાં 73271 પરીક્ષાર્થીઓ હાજર રહેલ જેમાંથી માત્ર 2769 વિદ્યાર્થી જ પરીક્ષા પાસ થઈ શકેલ એમાંય કચ્છમાંથી તો માંડ સો વિદ્યાર્થીઓ જ પાસ થયા હતા.

એટલે કે જો સ્પેશિયલ ભરતી પહેલા કચ્છના વિદ્યાર્થીઓની કચ્છના કેન્દ્ર ઉપર જ ટેટ (1)ની પરીક્ષા લેવામાં આવે તો જ ખાસ ભરતીનો સરકારશ્રીનો ઉદ્દેશ પાર પડશે એવું જાણ કરો જણાવી રહ્યા છે.

વિદ્યાર્થીઓમાંથી મળતી માહિતી મુજબ માધ્યમિક, ઉચ્ચ માધ્યમિક અને જીસેટ/નેટ જેવી પ્રોફેસરકક્ષાની પરીક્ષા પાસ કરનાર કચ્છના વિદ્યાર્થીઓ ટેેટ પરીક્ષામાં નાપાસ થયાના દાખલાઓ સામે છે એનું કારણ જાણવાની કોશિશ કરતા એવી વાત બહાર આવી છે કે ટેટનું પેપર જ એટલું બધું લાંબુ અને અઘરું કાઢવામાં આવે છે કે તેની પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓમાંથી માત્ર ત્રણ ટકા જેટલા જ વિદ્યાર્થીઓ પાસ થાય છે એટલે કે આ એક શિક્ષણક્ષેત્રમાં આવેલ પરીક્ષાતંત્રની ખામી હોય એવું પ્રાથમિક દ્રષ્ટિએ લાગી રહ્યું છે. આનાથી વધુ સારું રિઝલ્ટ તો સી.એ., ડોક્ટર અને જી.પી.એસ.સી.માં આવતું હોય છે તો પછી ટેટનું પેપર આટલું બધું અઘરું કાઢવાની શિક્ષણ તંત્રને જરૂર શા માટે પડે છે? એ એક ચર્ચાતો વિષય છે. શું ટેટની પરીક્ષાનું માળખું અને પ્રશ્નોની કઠિનતા અંગે સરકાર કે શિક્ષણતંત્રએ ક્યારે ધ્યાન આપ્યું છે?

કચ્છના પ્રાથમિક શિક્ષણને બચાવવા માટે કચ્છના લોકો એકજૂથ થઈને રજૂઆત ઉચ્ચકક્ષાએ રજુઆત કરે અને સ્થાનિક લોકોની ભરતી થાય એ માટે ટેટની પરીક્ષા ભૌગોલિક પરિસ્થિતિને ધ્યાનમાં લેતા કચ્છના કેન્દ્રો ઉપરથી જ લેવાય એ હાલના સમયની તાતી જરૂરિયાત છે.

Back to top button
error: Content is protected !!