BHUJGUJARATKUTCH

રાજ્યના તમામ શિક્ષકોને જૂની પેન્શન યોજનાનો લાભ અપાવવા રાજ્યસંઘ કૃતનિશ્ચયી

શિક્ષકોએ રાજ્યસંઘના હોદ્દેદારોના અભિવાદન સાથે શૈક્ષણિક સંશોધન કેન્દ્ર માટે ૨.૨૫ લાખનું અનુદાન આપ્યું.

વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ  :- રમેશ મહેશ્વરી-બિમલભાઈ માંકડ-ભુજ કચ્છ.

ભુજ ખાતે ૨૦૦૫ પહેલાના શિક્ષકોના જી.પી.એફ.ખાતા ખોલવાની કાર્યશાળા યોજાઈ

ભુજ તા – 0૩ મે : કચ્છ જિલ્લા પ્રાથમિક શિક્ષક સમાજ દ્વારા જિલ્લાના તા.૧/૪/૨૦૦૫ પહેલાં ફરજમાં જોડાયેલ શિક્ષકોનો જૂની પેન્શન યોજનામાં સમાવેશ થતાં તેમનાં જી.પી.એફ. ખાતા ખોલવાની એક વિશેષ માર્ગદર્શન કાર્યશાળા સાથે રાજ્યસંઘના હોદ્દેદારોના સન્માન કાર્યક્રમનું આયોજન મુક્તજીવન સ્વામીબાપા મહિલા કોલેજ, ભુજ ખાતે કરવામાં આવ્યું હતું. ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘની લાંબી લડતનાં પરિણામ સ્વરૂપ તથા સરકારશ્રીનાં હકારાત્મક અભિગમ થકી મળેલ સંતોષકારક ઉકેલને આવકારવાનાં ભાગરૂપે ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના હોદ્દેદારોનો આભાર વ્યક્ત કરવા સાથે તેમને સન્માનિત કરવાનું આગવું આયોજન કરવામાં આવ્યું હતું. સદર દ્વિવિધ કાર્યક્રમની શરૂઆત પહેલગામના મૃતકો માટે ૨ મિનિટ મૌન, સર્વધર્મ પ્રાર્થના અને દીપ પ્રાગટ્ય દ્વારા કરવામાં આવી હતી. પ્રારંભે જિલ્લા પ્રાથમિક શિક્ષકનાં મહામંત્રી કેરણાભાઇ આહીરે સૌને શાબ્દિક આવકાર આપ્યો હતો. આયોજન કર્તા જિલ્લા સંઘના પ્રમુખ નયનસિંહ જાડેજાએ કાર્યશાળાની રૂપરેખા રજૂ કરી હતી અને મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલા શિક્ષકોનો આભાર માન્યો હતો. કાર્યશાળામાં સમગ્ર જિલ્લાના વિવિધ તાલુકાના અંદાજિત ૭૦૦ જેટલાં લાભાન્વિત શિક્ષક ભાઈ-બહેનો ઉપસ્થિત રહ્યાં હતાં. રાજ્ય સંઘના કાર્યાધ્યક્ષ હરિસિંહ જાડેજાએ સંગઠન દ્વારા થયેલા વિવિધ કાર્યો સાથે જૂની પેન્શન યોજનાની લડતનો ચિતાર આપ્યો હતો. કાર્યક્રમમાં ખાસ ઉપસ્થિત રહેલા જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ભૂપેન્દ્રસિંહ વાઘેલાએ આયોજનને બિરદાવી સૌને શુભેચ્છાઓ પાઠવવાની સાથે ઝડપી કાર્યવાહી માટે તંત્ર તરફથી સહકાર આપવાની ખાતરી આપી હતી. રાજ્યના મહામંત્રી જૈમિનભાઈ પટેલે સૌને જૂની પેન્શન યોજના અંગે માર્ગદર્શિત કરી સંગઠનને મજબૂત બનાવવા હાકલ કરી હતી અને લડતમાં સહકાર આપનાર સૌનો આભાર માન્યો હતો. આ તકે પોતાનાં પ્રાસંગિક પ્રવચનમાં કાર્યક્રમના અધ્યક્ષ એવા રાજ્યસંઘના પ્રમુખ દિગ્વિજયસિંહ જાડેજાએ સૌપ્રથમ જૂની પેન્શન યોજનાનાં મુદ્દે સરકારશ્રીનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે પાત્રતા ધરાવતાં તમામ શિક્ષક ભાઈ-બહેનોને અભિનંદન પાઠવી રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘની કાર્યશૈલી, એકાત્મકતા, સંઘભાવના તથા સંગઠન શક્તિ જેવા આદર્શો પર પ્રકાશ પાડયો હતો. તેમણે શિક્ષકોને ગેરમાર્ગે દોરનાર હિતશત્રુઓને ઉઘાડા પાડવા અનુરોધ કર્યો હતો.લાભાર્થી શિક્ષકોને સી.પી.એફ. ખાતામાંથી જી.પી.એફ. ખાતા ખોલવા બાબતે વિસ્તૃત માહિતી પ્રદાન કરી હતી. આ પૂર્વે કચ્છ જિલ્લા પ્રાથમિક શિક્ષક સમાજ, વિવિધ ઘટક સંઘો, લાભાર્થી શિક્ષકો વગેરે દ્વારા રાજ્યસંઘના પ્રમુખ અને મહામંત્રીનું કચ્છી પાઘડી, શાલ અને મોમેન્ટો દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. રાજ્યસંઘમાં કચ્છ જિલ્લાનું પ્રતિનિધિત્વ કરતા કાર્યાધ્યક્ષ હરિસિંહ જાડેજા તથા ઉપપ્રમુખ વિલાસબા જાડેજાનું પણ સન્માન કરવામાં આવ્યું હતું. આ તકે લાભાર્થી શિક્ષકો તરફથી ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના કાર્યાલય એવા શૈક્ષણિક સંશોધન કેન્દ્ર, ગાંધીનગરના નિભાવ ખર્ચ પેટે રાજ્યસંઘને રૂ. ૨ લાખ પચ્ચીસ હજારનો ચેક આપ્યો હતો. કાર્યક્રમમાં મોરબી જિલ્લાના રાજ્યના હોદ્દેદાર વિરમ દેસાઈ, નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ઉમેશ રૂઘાણી, જિલ્લા કાર્યાધ્યક્ષ હરદેવસિંહ જાડેજા, મહિલા કોલેજના આચાર્ય હીનાબેન ગંગર ઉપરાંત તાલુકા ઘટક સંઘના પ્રમુખ, મહામંત્રી, તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી, બી.આર.સી. કો.ઓર્ડીનેટર સહિતનાઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનું સંચાલન જયેન્દ્રસિંહ ઝાલા અને ભારતીબેન ઠક્કરે જ્યારે આભારવિધિ જિલ્લાના ખજાનચી ધર્મેન્દ્રસિંહ જાડેજાએ કરી હતી. આયોજનને સફળ બનાવવા ઘનશ્યામસિંહ જાડેજા, મેહુલ જોશી, રામુભા જાડેજા, અરજણ ડાંગર, મનહરસિંહ ઝાલા, હિમાંશુ સીજુ, હર્ષદ પંચાલ, શામજી વરચંદ, જીગ્નેશ પટેલ ,જીતુભાઈ પટેલ, પૃથ્વીરાજસિંહ જાડેજા,ધીરજ ઠક્કર સહિતના જિલ્લા અને તાલુકાના સૌ હોદ્દેદારોએ જહેમત ઉઠાવી હતી.

Back to top button
error: Content is protected !!