હિંમતનગર ખાતે કલેક્ટરશ્રી લલિત નારાયણ સિંઘ સાંદુની ઉપસ્થિતિમાં ‘નેશનલ સ્પોર્ટસ ડે’ની ઉત્સાહભેર ઉજવણી કરાઈ

હિંમતનગર ખાતે કલેક્ટરશ્રી લલિત નારાયણ સિંઘ સાંદુની ઉપસ્થિતિમાં ‘નેશનલ સ્પોર્ટસ ડે’ની ઉત્સાહભેર ઉજવણી કરાઈ
*
સાબરકાંઠા જિલ્લામાં વિવિધ શાળા અને ડિસ્ટ્રીક્ટ લેવલ સ્પોર્ટસ સ્કૂલના રમતવીરોએ વિવિધ રમતોમાં ભાગ લીધો
*
ખેલ મહાકુંભ ૨૦૨૫ અને સાંસદ ખેલ મહોત્સવ ૨૦૨૫ : આજથી રજીસ્ટ્રેશન પ્રક્રિયાનો પ્રાંરભ
***
ગુજરાતના યુવાઓ અને વિદ્યાર્થીઓમાં રમત ગમત પ્રત્યે જાગૃત્તિ કેળવાય તે હેતુથી રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ તેમજ સ્પોર્ટસ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા નેશનલ સ્પોટ્સ ડેની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.જે અંતર્ગત સાબરકાંઠામાં સેન્ટ ઝેવિયર્સ સ્કૂલ હિંમતનગર ખાતે જિલ્લા કલેક્ટરશ્રી લલિત નારાયણ સિંઘ સાંદુની ઉપસ્થિતિમાં ‘નેશનલ સ્પોર્ટસ ડે’ની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી.
આ પ્રસંગે કલેક્ટરશ્રી લલિત નારાયણ સિંઘ સાંદુએ જણાવ્યુ કે ભારતીય હૉકીમાં વિશ્વવ્યાપી પ્રસિદ્ધિ મેળવનાર સર્વોત્કૃષ્ટ ખેલાડી અને હૉકીના મહાન જાદુગર, ખેલરત્ન તરીકે ખ્યાતિ પ્રાપ્ત કરનાર મેજર ધ્યાનચંદની જન્મજયંતીના દિવસને ‘નેશનલ સ્પોર્ટસ ડે’ તરીકે ઉજવવામાં આવે છે. પ્રાચીન કાળથી રમત માનવીના જીવનક્રમના એક અંગ તરીકે પ્રસ્થાપિત થયેલી પ્રવૃત્તિ છે. રમતો સંસ્કૃતિ અને લોકજીવનની કળાની આરસી છે. બાળકો શાળા કક્ષાએથી જ વિવિધ રમત-ગમતમાં ભાગ લે તે માટે સૌએ સહિયારા પ્રયાસો કરવા જરૂરી છે.
સાબરકાંઠાની વિવિધ શાળાઓ અને ડિસ્ટ્રીક્ટ લેવલ સ્પોર્ટસ સ્કૂલના રમતવીરોએ હોકી, સંગીત ખુરશી, ચેસ, બાસ્કેટ બોલ જેવી જુદી જુદી રમતોમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ કાર્યક્રમમાં વિજેતા ખેલાડીઓ તેમજ સ્પોર્ટસ કન્વીનરોને ટ્રોફી આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.
ખેલ મહાકુંભ-૨૦૨૫ અને સાંસદ ખેલ મહોત્સવ સહિતની રમત ગમત સ્પર્ધાઓ નવયુવાઓને રમત ગમતમાં આગળ વધવા માટે મંચ અને પ્રેરણા પૂરી પાડે છે. ગુજરાતના રમતવીરો માટે સૌથી મોટો ઉત્સવ એટલે કે, ખેલ મહાકુંભ- ૨૦૨૫માં ભાગ લેવા માટે આજથી ઓનલાઈન રજીસ્ટ્રેશન પ્રક્રિયાનો પ્રાંરભ કરવામાં આવ્યો છે. ઉપરાંત સાંસદ ખેલ મહોત્સવ ૨૦૨૫ સ્પર્ધાઓ માટે પણ રજીસ્ટ્રેશન પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે.
ખેલ મહાકુંભમાં ભાગ લેવા ઇચ્છુક જિલ્લાના રમતવીરો https://khelmahakumbh.gujarat.gov.in વેબસાઇટ પર તા. ૨૯ ઓગસ્ટ, ૨૦૨૫ થી તા. ૨૨ સપ્ટેમ્બર, ૨૦૨૫ સુધી રજીસ્ટ્રેશન કરી શકશે. ઉપરાંત વધુ વિગતો માટે ટોલ ફ્રી નંબર ૧૮૦૦ ૨૭૪ ૬૧૫૧ પર કોલ કરીને માહિતી પ્રાપ્ત કરી શકે છે. .
આ કાર્યક્રમમાં જિલ્લા રમત ગમત અધિકારીશ્રી ત્રિવેણીબેન સરવૈયા સહિત શાળાનો સ્ટાફ તેમજ શાળાના ખેલાડીઓ ઉપસ્થિત રહ્યા હતા.
જયંતિ પરમાર સાબરકાંઠા






