GUJARATIDARSABARKANTHA

સાબરકાંઠા જિલ્લા અદાલત ખાતે રિફરલ જજિસ માટે એક દિવસીય મધ્યસ્થી તાલીમ કાર્યક્રમનું સફળ આયોજન કરાયુ

સાબરકાંઠા જિલ્લા અદાલત ખાતે રિફરલ જજિસ માટે એક દિવસીય મધ્યસ્થી તાલીમ કાર્યક્રમનું સફળ આયોજન કરાયુ
ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ, અમદાવાદના આદેશ અને માર્ગદર્શન હેઠળ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, સાબરકાંઠા દ્વારા રિફરલ જજિસ (સંદર્ભ ન્યાયાધીશો) માટે ‘એક દિવસીય મધ્યસ્થી તાલીમ કાર્યક્રમ (તબક્કો-૧)’નું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું.
આ સમગ્ર તાલીમ કાર્યક્રમ સાબરકાંઠાના પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ અને જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના અધ્યક્ષ શ્રી એમ. પી. પુરોહિતના માર્ગદર્શન હેઠળ સચિવ શ્રી સી. પી. ચારણ દ્વારા આયોજિત કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં સાબરકાંઠા, મહેસાણા અને અરવલ્લી જિલ્લાના ન્યાયિક અધિકારીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.
આ તાલીમમાં શ્રી વી. કે. બંસલ (માસ્ટર ટ્રેનર, NALSA – રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તા મંડળ, નવી દિલ્હી) મધ્યસ્થીના કાયદાકીય, વ્યવહારુ અને ન્યાયિક પાસાઓ અંગે વિસ્તૃત માર્ગદર્શન પૂરું પાડ્યું. મિસ દીપમાલા દેસાઈ અને મિસ મોહિની ભાવસાર (ટ્રેનર, ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ, અમદાવાદ) મધ્યસ્થીની પ્રક્રિયા અને તેના અસરકારક અમલીકરણ વિશે ઊંડાણપૂર્વક જાણકારી આપી.
આ કાર્યક્રમના મુખ્ય વિષયો ૧) વૈકલ્પિક વિવાદ નિવારણ પદ્ધતિઓ: કોર્ટમાં પડતર કેસોને મધ્યસ્થી દ્વારા ઝડપી, ખર્ચઅસરકારક, ગોપનીય અને સૌહાર્દપૂર્ણ રીતે ઉકેલવા.૨) કેસોની ઓળખ અને સંદર્ભ: મધ્યસ્થી માટે યોગ્ય કેસોની ઓળખ કરવી અને તેને યોગ્ય પ્રક્રિયા દ્વારા મધ્યસ્થીમાં મોકલવા. ૩) કૌશલ્ય વિકાસ: પક્ષકારોની સંમતિ મેળવવી, અસરકારક સંવાદ સાધવો અને વિવાદોનું ઝડપી અને સુખદ નિવારણ લાવવું. ૪) સક્રિય ભાગીદારી: પરસ્પર ચર્ચા અને પ્રશ્નોત્તરી દ્વારા વ્યવહારુ અભિગમ કેળવવો. ૫) મધ્યસ્થીનું મહત્વ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, સાબરકાંઠા દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, “મધ્યસ્થી એ માત્ર વિવાદ ઉકેલવાનું સાધન નથી, પરંતુ પક્ષકારો વચ્ચેના સંબંધો જાળવીને ‘ન્યાયથી આગળ સમાધાન’ તરફ લઈ જતી એક અસરકારક પ્રક્રિયા છે.”
ભવિષ્યમાં પણ વૈકલ્પિક વિવાદ નિવારણ પદ્ધતિઓ અંગે આવા જાગૃતિ અને તાલીમ કાર્યક્રમો યોજીને ન્યાય પ્રણાલીને વધુ ઝડપી, સુલભ અને પક્ષકારકેન્દ્રિત બનાવવાના પ્રયાસો ચાલુ રાખવામાં આવશે.

જયંતિ પરમાર સાબરકાંઠા

Back to top button
error: Content is protected !!