MULISURENDRANAGARSURENDRANAGAR CITY / TALUKO

મુળી પોલીસની પ્રશંસનીય અને ત્વરિત કામગીરી: ગીરવે મુકેલી બોલેરો ગાડી મૂળ માલિકને પરત અપાવી ન્યાય અપાવ્યો

તા.19/08/2026/
બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગર જિલ્લાના મુળી તાલુકાના વેલાળા ગામના રહીશ જયપાલભાઇ ગોરધનભાઇ મકવાણાના પરિવારમાં અચાનક હોસ્પિટલ અને દવાખાનાનો મોટો ખર્ચ આવી પડ્યો હતો. આકસ્મિક આવી પડેલી આર્થિક મુશ્કેલીના સમયે પરિવારની સારવાર કરાવવી ખૂબ જરૂરી હોવાથી જયપાલભાઇએ પોતાની માલિકીની બોલેરો ગાડી નાણાં મેળવવા અર્થે ગીરવે મૂકવાનો કઠિન નિર્ણય લીધો હતો. દવાખાનાનો ખર્ચ નીકળી ગયા બાદ સમય જતાં જયપાલભાઇ સામે પક્ષના વ્યક્તિ પાસે પોતાની ગાડી પરત લેવા ગયા હતા. પરંતુ સામેવાળા વ્યક્તિએ ગાડી પરત સોંપવામાં બહાનાબાજી શરૂ કરી હતી અને આખરે ગાડી આપવાની સ્પષ્ટ ના પાડી દીધી હતી. માલિક હોવા છતાં પોતાની ગાડી પરત ન મળતાં અને આર્થિક તથા માનસિક રીતે મુશ્કેલીમાં મુકાયેલા જયપાલભાઇએ ન્યાય મેળવવા માટે પોલીસનો સંપર્ક કરવાનું નક્કી કર્યું. તેમણે સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલૂ સાહેબ સમક્ષ રૂબરૂ ઉપસ્થિત રહીને પોતાની આપવીતી અને સમગ્ર બનાવ અંગે લેખિત તથા મૌખિક રજૂઆત કરી હતી. અરજદારની રજૂઆતને અત્યંત સંવેદનશીલતા અને ગંભીરતાથી લઈને SP પ્રેમસુખ ડેલૂ સાહેબે તુરંત જ મુળી પોલીસ સ્ટેશનના પીઆઇ ડી.આર. બારૈયાને આ મામલે કાયદાકીય તપાસ કરી યોગ્ય અને ઝડપી કાર્યવાહી કરવા કડક સૂચના આપી હતી. SP સાહેબની સૂચના મળતાં જ મુળી પીઆઇ ડી. આર. બારૈયા અને તેમની ટીમે સમય બગાડ્યા વિના ત્વરિત પગલાં ભર્યા હતા. મુળી પોલીસે સામાવાળા વ્યક્તિની અટકાયત કરી, યોગ્ય કાનૂની દબાણ અને કાર્યવાહી હાથ ધરીને બોલેરો ગાડી પોતાના કબ્જામાં લીધી હતી. તમામ કાનૂની પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ મુળી પોલીસે બોલેરો ગાડી તેના મૂળ માલિક જયપાલભાઇ મકવાણાને સલામત રીતે પરત સોંપી હતી. મુશ્કેલીના સમયે પોલીસ દ્વારા કરવામાં આવેલી આ પ્રશંસનીય અને ઝડપી કામગીરીથી જયપાલભાઇ અને તેમનો પરિવાર અત્યંત ભાવુક થઈ ગયો હતો. કાયદો અને વ્યવસ્થા પર તેમનો વિશ્વાસ વધુ દ્રઢ બન્યો હતો. અન્યાય સામે સમયસર ન્યાય અપાવવા બદલ અરજદાર જયપાલભાઇએ સુરેન્દ્રનગર જિલ્લા SP પ્રેમસુખ ડેલૂ સાહેબ, મુળી પીઆઇ ડી.આર. બારૈયા તથા સમગ્ર મુળી પોલીસ ટીમનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.

Back to top button
error: Content is protected !!