બે વર્ષે આરોપી ઝડપાયો:1.33 કરોડના ડ્રગ્સ કેસના 2 વર્ષથી ફરાર આરોપીને ભરુચ SOGએ સુરતથી ઝડ્પયો
સમીર પટેલ, ભરૂચ
ભરૂચ એસઓજી પોલીસે એક મહત્વપૂર્ણ સફળતા મેળવી છે. પોલીસે બે વર્ષથી ફરાર ડ્રગ્સ કેસના આરોપીની ધરપકડ કરી છે. આરોપીની ઓળખ જીત બહાદુર સિંહ ઉર્ફે ઠાકોર સૂર્યનારાયણ સિંહ (53) તરીકે થઈ છે. તે સુરતના રાજીવ નગર વિસ્તારમાં રહેતો હતો.
ભરૂચના એસપી મયુર ચાવડાના માર્ગદર્શન હેઠળ આ કામગીરી હાથ ધરવામાં આવી હતી. આરોપી મૂળ ઉત્તર પ્રદેશના અયોધ્યા જિલ્લાના મહારઈ મોહમ્મદપુર ગામનો વતની છે. 3 જાન્યુઆરી 2023ના રોજ ભરૂચના ઝાડેશ્વર ચોકડી પાસેથી એસઓજીએ 1,334.150 કિલોગ્રામ માદક પદાર્થ ઝડપ્યો હતો. આ ડ્રગ્સની કિંમત રૂ.1.33 કરોડ હતી. કુલ મુદ્દામાલની કિંમત રૂ.1.53 કરોડ હતી.
આરોપી યુપીથી માદક પદાર્થ મંગાવી સુરતમાં તેનું ગેરકાયદેસર વેચાણ કરતો હતો. પોલીસથી બચવા માટે તે વિવિધ રાજ્યોમાં છુપાતો હતો. પોલીસે ટેકનિકલ અને માનવીય સ્ત્રોતોનો ઉપયોગ કરીને તેને ઝડપી લીધો છે. આ કેસમાં NDPS એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. હાલ આરોપીને જેલના સળીયા પાછળ ધકેલી દેવામાં આવ્યો છે.