ઝઘડિયા તાલુકામાં અકસ્માતોનો સિલસિલો યથાવત-ઝઘડિયા ખાતે મોટરસાયકલ ચાલકે ચાલતા જતા રાહદારીને અડફેટમાં લીધો
ઝઘડિયા તાલુકામાં અકસ્માતોનો સિલસિલો યથાવત-ઝઘડિયા ખાતે મોટરસાયકલ ચાલકે ચાલતા જતા રાહદારીને અડફેટમાં લીધો
ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકામાં રોજ કોઇને કોઇ અકસ્માતની ઘટના સામે આવતી હોય છે. તાલુકામાં અકસ્માત વિના મોટાભાગે કોઇ દિવસ ખાલી નહિ જતો હોય એમ હાલ કહીએ તો પણ ખોટું નહી લેખાય ! તાલુકામાંથી પસાર થતા રાષ્ટ્રીય ધોરીમાર્ગ તેમજ સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતા ધોરીમાર્ગ સહિત અન્ય ગ્રામિણ માર્ગો પર થતા અકસ્માતોમાં દિવસે દિવસે નોંધપાત્ર વધારો થઇ રહ્યો છે,ત્યારે તાલુકા મથક ઝઘડિયા ખાતે એમ મોટરસાયકલ ચાલકે અડફેટમાં લેતા એક ચાલતા જતા ઇસમને ઇજાઓ થતા ઇજાગ્રસ્ત ઇસમને સારવાર માટે ભરૂચ લઇ જવાયો હતો. અકસ્માતની આ ઘટના સંદર્ભે ઝઘડિયા પોલીસમાંથી મળતી વિગતો મુજબ ઝઘડિયા નવીનગરીમાં રહેતા કાંતિભાઇ વેચાણભાઇ વસાવા ફળિયામાં આવેલ મંદિર પાસે બેસવા ગયા હતા,ત્યારબાદ તેઓ સાંજના સાડા સાતેક વાગ્યાના અરસામાં ઘરે પરત ફરતા હતા તે દરમિયાન રાજપારડી તરફથી આવી રહેલ એક મોટરસાયકલ ચાલકે કાંતિભાઇને અડફેટમાં લેતા કાંતિભાઇ રોડ ઉપર પડી ગયા હતા. આ અકસ્માત દરમિયાન કાંતિભાઇને માથાના પાછળના ભાગે ઇજા થઇ હતી તેમજ કાનમાંથી લોહી નીકળતું હતું. ઇજાગ્રસ્ત કાંતિભાઇને સારવાર માટે અવિધા સરકારી દવાખાને લઇ જવાયા હતા,જ્યાંથી વધુ સારવાર માટે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે લઇ જવાયા હતા. અકસ્માત સંદર્ભે ઇજાગ્રસ્ત કાંતિભાઇ વસાવાના પુત્ર રાહુલ વસાવાએ અકસ્માત કરનાર મોટરસાયકલ ચાલક નવાજ શબ્બિરભાઇ મલેક રહે.રતનપુર તા.ઝઘડિયા જિ.ભરૂચના વિરુધ્ધ ઝઘડિયા પોલીસ મથકમાં ફરિયાદ લખાવી હતી.
ઈરફાનખત્રી
રાજપારડી