વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
ડાંગ જિલ્લાનાં વઘઈ – સાપુતારા માર્ગ પર બાજ ગામ પાસે બે બાઈક સામસામે અથડાતા અકસ્માત સર્જાયો હતો.આ અકસ્માતમાં ત્રણનું મોત નિપજ્યુ હતુ. ડાંગ જિલ્લાનાં વઘઈ તાલુકાનાં ભદરપાડા ગામ ખાતે રહેતા મુરલીભાઈ રાજુભાઈ વાઘ જે વઘઈ ખાતે જી.આર. ડી. તરીકે ફરજ બજાવે છે. ત્યારે તેમની બાઈક રજી. નં.GJ-30-E-6965 લઈને તેમનો પુત્ર પ્રણવ(ઉ. વ.21) શુક્રવારે સાંજે ઘરેથી ગામમાં રહેતા મિત્ર જયદીપ દેવેન્દ્રભાઈ ગાવડા (ઉ. વ.20) સાથે વઘઈ ગયો હતો.અને સાંજે 7:00 વાગે તેઓ ઘરે પરત ફરી રહ્યા હતા. તે દરમિયાન વઘઈ – સાપુતારા માર્ગ પર આવેલ બાજ ગામની સીમમાંથી પસાર થઈ રહ્યા હતા તે વેળાએ સામેથી આવતી સાઇન મોટરસાયકલ રજી. નં.MH -03-AX-9753નાં ચાલકે પ્રણવનાં કબજાની મોટરસાયકલને અડફેટમાં લેતા ઘટના સ્થળે ગંભીર અકસ્માત સર્જાયો હતો.જેમાં બાઈક પર સવાર ચારેયને ગંભીર ઈજા પહોંચી હતી. જેમાં મહારાષ્ટ્ર પાસિંગની બાઈક પર પાછળ બેસેલ અનંદાભાઈ શુકરેભાઈ ફોજદાર (રહે. તોરણડોંગરી તા. સૂરગણા જી.નાશિક મહારાષ્ટ્ર) નું ઘટના સ્થળે કમકમાટી ભર્યું મોત નીપજ્યુ હતુ.તેમજ પ્રણવ વાઘ અને જયદીપ ગાવડાને તથા અન્ય એક બાઈક ચાલકને સારવાર અર્થે 108 એમ્બ્યુલન્સ મારફતે વઘઈ ખાતે ખસેડવામાં આવ્યા હતા.જ્યા પ્રણવ અને જયદીપને વધુ સારવાર માટે વલસાડ સિવિલમાં રિફર કરવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી.પરંતુ વાંસદા પહોંચતા તેમની તબિયત વધુ લથડતા વાંસદા કોટેજ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.ત્યારે પ્રણવ વાઘ અને જયદીપ ગાવડાને ફરજ પરના ડોક્ટરે મૃત જાહેર કર્યા હતા.આ અકસ્માતને પગલે જી.આર.ડી.જવાને વઘઈ પોલીસ મથકે મહારાષ્ટ્ર રાજ્યના અજાણ્યા મોટરસાયકલ ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.હાલમાં વઘઈ પોલીસે અકસ્માત અંગેનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે..



