તા.૩૦.૧૦.૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Dahod:બાળકોને નિર્વ્યસની બનાવવા માતા-પિતાએ પોતાનાથી પહેલ કરવી જોઇએ-ગોપાલભાઈ શર્મા
દાહોદ જિલ્લાની સરકારી શાળાઓ – કોલેજોમાં નિસ્વાર્થ ભાવે સાચા અર્થમાં શિક્ષણ આપી સેવા કાર્ય કરતી તમાકુ મુક્ત અભિયાન ટીમ
વ્યસન આપણને નથી છોડતું આપણે જ એને છોડવું પડશે.- પ્રાચાર્યશ્રી શર્મા દાહોદ : ભારત સરકાર દ્વારા હાલ તમાકુ મુક્ત અભિયાન અંતર્ગત એક ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. જેમાં ૨૪ સપ્ટેમ્બર ૨૦૨૪ થી ૨૩ નવેમ્બર ૨૦૨૪ સુધી તમાકુ મુક્ત યુવા અભિયાન ૨. ૦ ના ભાગરૂપે અવનવા કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે. ત્યારે દાહોદ જિલ્લામાં પણ જિલ્લા કલેક્ટર યોગેશ નિરગુડેના માર્ગદર્શન હેઠળ અનેકવિધ કાર્યક્રમો યોજવામા આવી રહ્યા છે. દાહોદ જિલ્લામા તમાકુ મુક્ત યુવા અભિયાન ૨.૦ ની જિલ્લા વિકાસ અધિકારી ઉત્સવ ગૌતમ દ્વારા શરૂઆત કરવામાં આવી હતી. જે સંદર્ભે દાહોદમાં અત્યારે આ અભિયાન અતિ વેગમાં ચાલી રહ્યુ છે. સમગ્ર જિલ્લામાં જાગૃતિલક્ષી કાર્યક્રમ સહિત શાળાઓમાં રેલી કરવી, તમાકુ વિરોધી પેમ્પલેટ્સ તેમજ પત્રિકા વિતરણ કરી કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે લીમખેડા તાલુકાની કોલેજમાં આચાર્ય પદેથી નિવૃત થયેલા શર્માજી જણાવે છે કે, મારા સેવા કાળ દરમ્યાન અનેક કોલેજોમાં પ્રોફેસર અને પ્રિન્સિપાલ તરીકેની તેમજ એન. સી. સી. ઓફિસર અને કમાન્ડર તરીકે પણ સેવા આપી છે. દાહોદ જિલ્લો એ મારી કર્મ ભૂમિ છે. મારી કર્મ ભૂમિના ભવિષ્યના બાળકો માટે જો હું કંઈક કરી શકું તો મારું જીવન યથાર્થ ગણાશે મૂળ દાહોદના વતની અને હાલ વડોદરા સ્થાયી થયેલા એવા નિવૃત પ્રોફેસર ગોપાલભાઈ શર્મા પોતે અત્યારે ૬૬-૬૭ વર્ષના હોવા છતાં જિલ્લા કલેક્ટર યોગેશ નિરગુડેના માર્ગદર્શન હેઠળ શરૂ થયેલ આ ઝુમ્બેશને સફળ બનાવવા હેતુ દાહોદ જિલ્લાની વિવિધ શાળાઓમાં જઈને વિદ્યાર્થીઓને વ્યસનથી થતી જીવલેણ અસરોથી માહિતગાર કરીને તેઓને નાનપણથી જ વ્યસન છોડવા માટેનું તમાકુ મુક્ત અભિયાન શરૂ કર્યું છે. તેઓ આગ્રહ રાખે છે કે, વ્યસન આપણને મૃત્યુ તરફ જલ્દી ખેંચી જાય છે તેથી જેટલું બને એટલું જલ્દી જો માતા-પિતા જ વ્યસન છોડી દે તો આવનાર પેઢી પણ વ્યસનમુક્ત રહેશે. પરંતુ શરૂઆત પોતાનાથી જ કરવી એ મહત્વનું છે વ્યસનમુક્તિની ઝુંબેશ દરમ્યાન તેઓ વિવિધ શાળાઓમાં જઈને એક પિરિયડ જેટલો સમય વ્યસનથી થતી જીવલેણ અસરો વિશેની માહિતી આપે છે. તેઓ મોટેભાગે ધોરણ ૬ થી ૮ ના વિદ્યાર્થીઓની પસંદગી વધુ કરે છે. તેઓનું કહેવું છે કે, આ ધોરણના વિદ્યાર્થીઓ આ ગંભીર બાબતને સમજવા અને પોતાના માતાપિતાને સમજાવવા માટે યોગ્ય હોય છે. વ્યસનની દુનિયાનો રસ્તો જ તમાકુથી થતો હોય છે, જે ધીમે ધીમે પુરા શરીરને પોતાના વશમાં કરી લે છે, પછી વ્યક્તિ એનાથી છૂટકારો મેળવવા મથે તો પણ એને પોતાને પણ ઘણી તકલીફ થતી હોય છે.
તમાકુથી ફક્ત મોઢાનું જ કેન્સર થાય એવું નથી પરંતુ તમાકુનું સેવન કરનાર દરેક વ્યક્તિને અનેકો બીમારી થઈ શકે છે, જેમકે, શ્વરપેટી, અન્નનળી, પેશાબની નળી, કિડની, ગર્ભાશય, બ્લડ પ્રેશરનું વધવું-ઘટવું, મગજ સુધી લોહીનું ભ્રમણ ન થવું, પગની આંગળીઓ ખવાઈ જવી, ટીબી, ફેંફસા, અસ્થમા તેમજ નસોનું પાતળા થવું જેવી અનેકો બીમારીઓ ૯૯ ટકા સંભવિત છે, તેમ બીડી કે સિગારેટના ધુમાડાથી અન્ય વ્યક્તિ કે જે તમાકુનો બંધાણી જ નથી તેના શ્વાસ દ્વારા પણ જયારે આ ધુમાડો એનામાં પ્રવેશે ત્યારે એ વ્યક્તિને પણ કેન્સર થવાની પુરેપુરી શક્યતા છે, આથી તમાકુ એ એના વ્યસની અને સાથે અન્યનું જીવન પણ બરબાદ કરવા પૂરતું છે વિદ્યાર્થીઓને વાર્તાલાપ, ચર્ચા-વિચારણા તેમજ પોસ્ટર દ્વારા તમાકુના વ્યસનથી થતી ગંભીર અને દર્દનાક બીમારીઓથી વાકેફ કરવામાં આવે છે અને જો તેઓના માતાપિતા જો આવું વ્યસન કરતાં હોય તો આ બાળકોએ ઘરે ગયા પછી તેઓના માતાપિતાને આ અંગે સમજાવવાનું હોય છે. દાહોદમાં મોટેભાગે ખેતી સાથે મજૂરી કાર્ય કરતાં હોવાથી તેઓમાં આ પ્રકારનું વ્યસન વધુ જોવા મળે છે, તેથી આવા બાળકોમાં આ પ્રકારની લત લાગવી એ સામાન્ય છે. આવા વિદ્યાર્થીઓને મુખ્યત્વે દારૂ કે તમાકુના સેવનથી થતા જીવલેણ રોગોની માહિતી પોસ્ટરના માધ્યમથી અને ઉદાહરણ રજૂ કરીને સમજાવવામાં આવે છે, એમ ગોપાલભાઈ શર્માએ વિગતે જણાવ્યું હતું.આ કાર્ય અમે માનવતાના ધોરણે, સ્વખર્ચે તેમજ નિ:સ્વાર્થ ભાવે કરીએ છીએ, જેનો મુખ્ય હેતુ આવનાર પેઢીનું ભવિષ્ય તમાકુની પડીકીઓમાં બંધ ના થાય એ જ રહ્યો છે. સામાન્ય રીતે આપણે કોઈ સારી ખાણી-પીણીની વસ્તુ લેવા જઈએ છીએ ત્યારે એની એક્સપાયરી ડેટ ચેક કરવાનો આગ્રહ કરીએ છીએ, તો જયારે શાકભાજી કે ફળો ખરીદીએ ત્યારે એને ચારેબાજુથી ફેરવી તોલીને લઈએ છીએ તો પછી આ તમાકુ બીડીના પેકેટ પર તો ચોખ્ખું લખેલું અને જાણકારી આપેલી જ હોય છે કે, આ વસ્તુ જાનલેવા છે તો પછી એ બાબત આપણા જીવન માટે મહત્વની હોવા છતાં કેમ આપણે આટલું બધું ઈગ્નોર કરીએ છીએ દાહોદ જિલ્લામાં બાળકો કરતાં વધુ વ્યસન માતા-પિતા કરતાં હોવાથી બાળકોમાં પણ આ પ્રકારનું વ્યસન વધુ જોવા મળી રહ્યું છે. તેથી આ વિદ્યાર્થીઓને મુખ્યત્વે દારૂ-તમાકુના સેવનથી થતા જીવલેણ રોગોનો માહિતી પોસ્ટરના માધ્યમથી અને ઉદાહરણ રજૂ કરીને સમજાવવામાં આવે છે એમ ગોપાલભાઈ શર્માએ વિગતે જણાવ્યું હતું.વધુમા તેઓ જણાવે છે કે, મુનિ સેવા આશ્રમ ગોરજ કેન્સર વિભાગમાં કાઉન્સિલરનું કામ કરતા ૮૧ વર્ષીય નરેન્દ્રભાઇ ગાંધીની પ્રેરણાથી દાહોદ જિલ્લાની ભાવિ પેઢી સ્વસ્થ રહે વ્યસન મુક્ત રહે એ હેતુથી આ સેવા કાર્ય વડોદરા જિલ્લાથી શરૂ કર્યું હતુ. વડોદરા જિલ્લામા પણ વી.એમ.સી. ની ૧૨૦ શાળાઓમાથી ૧૧૮ જેટલી શાળાઓમા જઇને તમાકુ મુક્ત અભિયાનનો આ સંદેશ બાળકો સુધી પહોંચાડ્યો છે. દાહોદ જિલ્લામાં તમાકુ મુક્ત અભિયાનને વેગ આપવા માટે ગોપાલભાઈ શર્માની સાથે લીમખેડા તાલુકાના કુંડળી શાળા, વી. એસ. વિદ્યાસંકુલ, વટેડા લીમખેડાના નિવૃત્ત આચાર્ય સરતનભાઈ ચૌહાણ તેમજ લીમખેડા તાલુકાના દેગાવાડાના સરદારભાઈ પટેલ પણ આ અભિયાનમાં જોડાઈ બાળકોના ભવિષ્ય સુધારા માટેની આ ઝુંબેશમાં સહભાગી થયા છે. તેઓએ દાહોદ જિલ્લાની વિવિધ શાળાઓ જેવી કે, ફતેપુરા મોડેલ સ્કૂલ, જી. પી. ધાનકા હાઈસ્કૂલ તેમજ લીમખેડા તાલુકાની આર્ટ્સ કોલેજના એન. સી. સી. કેડેટ્સને તમાકુના વ્યસનથી થતી જીવલેણ અસરો અંગે જાણકારી આપી સમજાવવામાં આવ્યા હતા સાચે જ, આવું કોઈપણ પ્રકારનું વ્યસન આપણને મૃત્યુ તરફ જલ્દી ખેંચી જાય છે, તેથી જેમ બને એમ જલ્દી જો માતા-પિતા જ વ્યસન છોડી દે તો આવનાર પેઢી પણ વ્યસન મુક્ત રહેશે, પરંતુ એ સુખદ સમય માટે શરૂઆત તો પોતાનાથી જ કરવી મહત્વની છે. આઓ, આપણે સૌ ભારત સરકાર દ્વારા કરવામાં આવી રહેલા તમાકુ મુક્ત અભિયાનને એક જાગૃત નાગરિક તરીકે અને બાળકોના આવનાર ભવિષ્યને સાચી દિશા તરફ વાળવા માટે, આપણા બાલકો માટે વ્યસનને સમ્પુર્ણ રીતે ખતમ કહેવાની પહેલ કરવાનો સંકલ્પ લઇ એ તરફ એક ડગલુ આગળ વધીએ