આમોદમાં સરકારી અનાજની હેરાફેરી:પીકઅપ ગાડીમાં 60 બોરી ઘઉં-ચોખા સાથે બે શખ્સ ઝડપાયા, 4.95 લાખનો મુદ્દામાલ જપ્ત
સમીર પટેલ, ભરૂચ
આમોદ તાલુકાના આછોદ ત્રણ રસ્તા પાસે પોલીસે શંકાસ્પદ પીકઅપ ગાડીમાંથી સરકારી અનાજનો મોટો જથ્થો પકડી પાડ્યો છે. પોલીસે બે શખ્સોની અટકાયત કરી છે. અનાજ અને વાહન મળીને કુલ 4.95 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.
પોલીસને મળેલી બાતમીના આધારે રાત્રે વોચ ગોઠવવામાં આવી હતી. પીકઅપ વાહન નંબર GJ-06-AZ-2711માંથી 36 થેલી ઘઉં અને 24 થેલી ચોખા મળી આવ્યા છે. ઘઉંની કિંમત 54,000 રૂપિયા અને ચોખાની કિંમત 36,000 રૂપિયા છે.
વાહન ચાલક મેહુલકુમાર કનૈયાલાલ શાહ અને તેના સાથી નિતિનભાઈ ઉર્ફે અંકિત પઢિયારની ધરપકડ કરવામાં આવી છે. તેમની પાસેથી 4 લાખની બોલેરો પીકઅપ અને 5,000 રૂપિયાનો મોબાઈલ પણ જપ્ત કરવામાં આવ્યો છે.
આરોપીઓએ પૂછપરછમાં કબૂલ્યું કે તેઓ રોઝાટંકારીયા ગામના સલીમ ઉઘરાદર પાસેથી અનાજ લઈને મોભા ગામના કમલેશ શાહને પહોંચાડવાના હતા. તેઓ અનાજ અંગે કોઈ બિલ કે પુરાવા રજૂ કરી શક્યા નથી.
પોલીસે સમગ્ર અનાજનો જથ્થો પુરવઠા વિભાગના અધિકારીઓની હાજરીમાં સરકારી ગોડાઉનમાં સીલ કર્યો છે. આમોદ પોલીસ મથકે આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે અને વધુ તપાસ ચાલુ છે.