
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
ઝીરો વિઝિબિલિટી છતાં તળાવમાં દોડતી બોટો, સુરક્ષાના નિયમોનો ખુલ્લેઆમ ભંગ; જવાબદાર તંત્રની બેદરકારી સામે ઉઠ્યા ગંભીર સવાલો
ગુજરાતના એકમાત્ર ગિરિમથક સાપુતારામાં પ્રવાસીઓની સુરક્ષાને લઈને ચિંતાજનક બેદરકારી સામે આવી છે. સર્પગંગા તળાવમાં ગાઢ ધુમ્મસ અને લગભગ ઝીરો વિઝિબિલિટી જેવી જોખમી પરિસ્થિતિ હોવા છતાં બોટિંગ પ્રવૃત્તિ યથાવત ચાલુ રાખવામાં આવી રહી છે. જ્યાં થોડા મીટર આગળનું પણ સ્પષ્ટ દેખાતું નથી, ત્યાં બોટો એકસાથે દોડતી જોવા મળી રહી છે, જે ગંભીર અકસ્માતનું જોખમ વધારી રહી છે.
સ્થાનિકોનો આક્ષેપ છે કે બોટિંગ સંચાલકો આવકને પ્રાથમિકતા આપી પ્રવાસીઓની સુરક્ષાને ગૌણ ગણી રહ્યા છે, જ્યારે જવાબદાર તંત્ર પણ અસરકારક દેખરેખ રાખવામાં નિષ્ફળ રહ્યું હોવાનું કહેવાઈ રહ્યું છે. આવી સ્થિતિમાં જો બોટો અથડાય અથવા કોઈ પ્રવાસી પાણીમાં પડી જાય, તો તાત્કાલિક બચાવ માટે પૂરતી વ્યવસ્થા છે કે નહીં તે અંગે પણ પ્રશ્નો ઊભા થયા છે. સુરક્ષા વ્યવસ્થાની દ્રષ્ટિએ પણ ગંભીર ખામીઓ હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. તળાવમાં બોટોની સંખ્યાની સરખામણીએ સુરક્ષા કર્મચારીઓની સંખ્યા ઓછી હોવાનું સ્થાનિકો જણાવે છે. ધુમ્મસને કારણે એક બોટમાંથી બીજી બોટ પણ સ્પષ્ટ દેખાતી ન હોવા છતાં બોટિંગ ચાલુ રાખવું જોખમને આમંત્રણ સમાન હોવાનું લોકો માની રહ્યા છે.
ભૂતકાળમાં વિવિધ સ્થળોએ બનેલી બોટિંગ દુર્ઘટનાઓમાંથી શીખ લેવા બદલે અહીં પણ કોઈ મોટી ઘટના બને તેની રાહ જોવામાં આવી રહી હોય તેવી સ્થિતિ સર્જાઈ હોવાનું સ્થાનિકોમાં ચર્ચાઈ રહ્યું છે. પ્રવાસીઓના જીવની સુરક્ષા કરતાં આવકને વધુ મહત્વ આપવામાં આવી રહ્યું હોવાના આક્ષેપો પણ થઈ રહ્યા છે. સ્થાનિક રહીશો અને પ્રવાસી હિતરક્ષકોની માંગ છે કે ગાઢ ધુમ્મસ અથવા ઝીરો વિઝિબિલિટીની સ્થિતિમાં બોટિંગ તાત્કાલિક બંધ કરવી જોઈએ. ઉપરાંત બોટિંગ માટે હવામાન આધારિત કડક એસઓપી (SOP), પૂરતો રેસ્ક્યુ સ્ટાફ, બચાવ બોટ, જીવનરક્ષક સાધનો અને નિયમિત દેખરેખ જેવી વ્યવસ્થાઓ અમલમાં મૂકવામાં આવે જેથી કોઈ નિર્દોષ પ્રવાસીને પોતાના જીવથી હાથ ન ધોવા પડે.




