વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી-બિમલભાઈ માંકડ-ભુજ કચ્છ.
પ્લાસ્ટિક મુક્તિથી વૃક્ષારોપણ સુધી: ભુજમાં સેના અને નાગરિકોની સંયુકત પહેલ.
સેનાની શિસ્ત અને નાગરિકોનો ઉત્સાહ: ભુજમાં પર્યાવરણ દિનનો અનોખો ઉપક્રમ.
સ્વચ્છ ભુજ, હરિયાળું ભુજ: સેના અને નાગરિકોનો સંયુક્ત સંકલ્પ.
ભુજ,તા-05 જૂન : ૦૫ જૂન, ૨૦૨૫ના રોજ વિશ્વ પર્યાવરણ દિનની ઉજવણીના ભાગરૂપે ભુજ શહેરમાં સ્વચ્છતા અભિયાનનું આયોજન કરવામાં આવ્યું. જિલ્લા વહીવટી તંત્ર અને ભારતીય સેનાના સંયુક્ત ઉપક્રમે આર.ટી.ઓ. સર્કલથી આત્મારામ સર્કલ સુધીના માર્ગ પર વિશેષ સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું.આ અભિયાનમાં નાગરિક સંરક્ષણ કચેરી, ભુજના વોર્ડનશ્રીઓ અને સ્વયંસેવકો, ભુજ નગરપાલિકાના કર્મચારીઓ અને સફાઈ કામદારો તેમજ ભારતીય સેનાના જવાનોએ સહભાગી બની આ માર્ગની સંપૂર્ણ સફાઈ કરી અને જન જાગૃતિ અભિયાનમાં યોગદાન આપ્યું. આ અભિયાનનો મુખ્ય હેતુ પર્યાવરણ પ્રત્યે લોકોમાં જાગૃતિ ફેલાવવી અને ભુજ શહેરને સ્વચ્છ અને Citizen-Friendly શહેર બનાવવાની દિશામાં લોકસહભાગીતાથી કાર્ય કરવાનો રહ્યો.આ અવસરે ભારતીય સેનાનાં જવાનો અને વોર્ડનશ્રીઓ દ્વારા આ વર્ષના વિશ્વ પર્યાવરણ દિનની થીમ “પ્લાસ્ટિક પ્રદૂષણનો અંત”ને અનુરૂપ પ્લાસ્ટિક મુક્તિ અંગેના સંદેશને પોષ્ટર, પ્લેકાર્ડ અને ગીતના માધ્યમ દ્વારા જાહેર જનતાને પાઠવ્યો.
આજરોજનું આ સફાઈ અભિયાન સમગ્ર શહેર માટે પ્રેરણાદાયી સાબિત થયું છે અને આ પ્રકારના કાર્યક્રમો ભવિષ્યમાં પણ વધુ પ્રમાણમાં આયોજિત કરવાની જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સંકલ્પબદ્ધ કામગીરીનો સંદેશ આપવામાં આવ્યો. અને પ્રકૃતિ ના જતન માટે સેનાના જવાનો અને ઉપસ્થિત સૌ સિવિલ ડિફેન્સ વોર્ડન અને નાગરીકો દ્વારા પ્રતિજ્ઞા લેવામાં આવી. અને પ્લાસ્ટિક મુક્ત સમાજ બનાવવા માટે પ્રયત્નશીલ રહેવા માટે કટિબધ્ધતા દર્શાવી હતી.આ પ્રસંગે મિલિટરી સ્ટેશન, ભુજના કર્નલ વી.કે.સિંઘ, નાગરિક સંરક્ષણ નાયબ નિયંત્રક અને અધિક કલેક્ટર ધવલ પંડ્યા, પ્રાંત અધિકારી ભુજ એ.બી.જાદવ અને નાગરિક સંરક્ષણ દળના ચીફ વોર્ડન ચિરાગ ભટ્ટ દ્વારા કામગીરીમાં જોડાઈને જવાનો, વોર્ડન સભ્યો, સ્વયં સેવકો અને જનતાનો ઉત્સાહ વધાર્યો હતો. તમામ કાર્યક્રમમાં જરૂરિયાત મુજબના સાધનો ભુજ નગર પાલિકા દ્વારા પુરા પાડી આ કાર્યક્રમને સફળ બનાવવામાં મહત્વનું યોગદાન આપ્યું હતું.અત્રે એ ઉલ્લેખનીય છે કે આ કાર્યક્રમને સમાંતર મિલિટરી સ્ટેશન, ભુજના કેમ્પસની અંદર ૨૦૦ જેટલા ફળાઉ વૃક્ષોનું વાવેતર પણ આર્મીના જવાનો અને તેમના પરિવારજનો દ્વારા કરવામાં આવ્યું.