વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
ધારાસભ્યશ્રી રમણલાલ પાટકરની અધ્યક્ષતામાં હોમીયોપેથી નિદાન સારવાર કેમ્પનું આયોજન કરાયું
યોગના આસનો, ચાર્ટ પ્રદર્શન, આરોગ્યલક્ષી પત્રિકા વિતરણ અને આરોગ્યલક્ષી વ્યાખ્યાનો યોજાયા
વલસાડ તા.૧૧ એપ્રિલ:ગાંધીનગર આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા પ્રેરિત અને નિયામકશ્રી આયુષની કચેરી દ્વારા સંચાલિત તથા વલસાડ જિલ્લા આયુર્વેદ અધિકારી તથા વૈદ્ય પંચકર્મ અધિકારીશ્રી સરકારી આર્યુવેદિક હોસ્પિટલના માર્ગદર્શન હેઠળ તા.૧૦/૦૪/૨૦૨૫ને ગુરુવારના રોજ વિશ્વ હોમિયોપેથી દિવસની ઉજવણી ઉમરગામના ધારાસભ્યશ્રી રમણલાલ પાટકરની અધ્યક્ષતામાં ઉમરગામના નારગોલ ખાતે બારીઆ સમાજ મંડળના હોલમાં કરવામાં આવી હતી. આ પ્રસંગે હોમીયોપેથી નિદાન સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે ઉમરગામના ધારાસભ્યશ્રી રમણલાલ પાટકરે જણાવ્યું કે, છેવાડાના અંતરિયાળ ગામડાઓ સુધી આયુર્વેદ અને હોમીયોપેથીક દવાખાનાઓ બને અને તેનો ગ્રામજનો લાભ લઇ શકે તે માટે સરકાર પ્રયત્નશીલ છે. આયુષની સેવાઓ પર વધુ ભાર મુકતા શ્રી પાટકરે વધુમાં જણાવ્યું કે, આયુર્વેદ અને હોમીયોપેથીક પધ્ધતિ સારવારમાં સમય ચોક્કસ વધારે લે છે પણ ધાર્યુ પરીણામ પણ આપે છે.
આ પ્રસંગે જિલ્લા આયુર્વેદ અધિકારી ઉર્વીબેન પટેલે પ્રાસંગિક પ્રવચનમાં કાર્યક્રમની સફળતાનો શ્રેય હોમિયોપેથીના ડોક્ટરો સહિત સંપૂર્ણ આયુષ ટીમને આપ્યો હતો સાથે સમાજના દાતાઓ, કાર્યક્રમના સૂત્રધાર અમ્રતભાઈ, સેવા આપનાર ગ્રામપંચાયત સભ્ય પ્રવિણભાઈ, માનવભાઇ, ઉત્તમભાઈ, અરવિંદભાઈ તથા મહિલા મંડળ તથા સમાજના તમામ ભાઈઓ બહેનો તથા યુવાનો અને વડીલોનો પણ સિંહફાળો રહ્યો હોવાનું જણાવ્યું હતું.
કેમ્પમાં ગ્રામજનોને યોગના વિવિધ આસનો દ્વારા શરીરની તંદુરસ્તી માટે તેનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું. આ સિવાય હોમીયોપેથીક ચાર્ટ પ્રદર્શન, વર્કશોપ, આરોગ્યલક્ષી પત્રિકા વિતરણ અને વિવિધ આરોગ્યલક્ષી વ્યાખ્યાન આપવામાં આવ્યું હતું. સહાયક તરીકે ભાવેશ, શિવમ, પ્રાચી, વનિતા અને ઉષા એ સેવા આપી હતી.
આ ઉજવણીમાં પૂર્વ સંગઠન પ્રમુખ દિલીપ ભંડારી, સરપંચ સંઘ પ્રમુખ રાકેશભાઈ, નારગોલના સરપંચ સ્વીટી ભંડારી, સંગઠનના મહિલા મોરચા પ્રમુખ મનીષાબેન તથા માછી સમાજના પ્રમુખ શૈલેષભાઇ તથા બારીઆ સમાજ પ્રમુખ સુરેશભાઇ તથા ગ્રામ પંચાયતના સભ્યો અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.