VALSADVALSAD CITY / TALUKO

વલસાડમાં DLRની 27 હજાર પેન્ડિંગ અરજીઓનો મુદ્દો ઉઠ્યો

વાત્સલ્યમ સમાચાર

  મદન વૈષ્ણવ

જમીન રેકર્ડની વિસંગતતાઓનો સમયબદ્ધ નિકાલ કરવા ડો. નિરવ ભુલાભાઈ પટેલની કલેક્ટર સમક્ષ રજૂઆત

વલસાડ જિલ્લામાં DLR તથા સેટેલાઇટ સર્વે આધારિત ડિજિટલ જમીન રેકર્ડની કામગીરી બાદ પ્રોમોલગેશન દરમિયાન જમીનના નામ, સર્વે નંબર, હિસ્સો, ક્ષેત્રફળ અને માલિકી હક્ક સહિતની વિગતોમાં ઊભી થયેલી વિસંગતતાઓનો મુદ્દો સામે આવ્યો છે. આ અંગે ડો. નિરવ ભુલાભાઈ પટેલે જિલ્લા કલેક્ટર સમક્ષ રજૂઆત કરી આશરે 27 હજાર પેન્ડિંગ અરજીઓનો સમયબદ્ધ અને પારદર્શક નિકાલ કરવાની માંગ કરી છે.

રજૂઆતમાં જણાવ્યા મુજબ, રેકર્ડમાં થયેલા મિસમેચના કારણે અનેક જમીનધારકોને જમીન વેચાણ, વારસાઈ નોંધ, બેંક લોન, સરકારી સહાય, ખેતી સંબંધિત કામગીરી તથા જમીનના હક્કની પુષ્ટિ જેવી પ્રક્રિયાઓમાં મુશ્કેલી પડી રહી છે. ખાસ કરીને સામાન્ય અને આર્થિક રીતે નબળા જમીનધારકોને વારંવાર કચેરીઓના ધક્કા ખાવા પડતા હોવાનો દાવો કરવામાં આવ્યો છે.

ડો. પટેલે પેન્ડિંગ અરજીઓની તાલુકાવાર, ગામવાર અને કેટેગરીવાર વિગતો જાહેર કરવાની માંગ કરી છે. દરેક અરજીનો નંબર, તારીખ, વર્તમાન સ્થિતિ, કઈ કચેરી કે અધિકારી પાસે અરજી પેન્ડિંગ છે અને પેન્ડિંગ રહેવાનું કારણ ઓનલાઈન જાહેર કરવામાં આવે તેવી પણ રજૂઆત કરવામાં આવી છે.

વિશેષ DLR સુધારણા કેમ્પ યોજવા માંગ

જમીન રેકર્ડમાં નામ, સર્વે નંબર, ક્ષેત્રફળ, હિસ્સો તથા માલિકીના હક્ક સંબંધિત ભૂલો દૂર કરવા માટે દરેક તાલુકામાં Special DLR Correction/Grievance Camp યોજવામાં આવે અને અરજીઓના નિકાલ માટે સમયમર્યાદા નક્કી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.

આ ઉપરાંત, કેટલીક જગ્યાએ જમીન રેકર્ડમાં નામ ચઢાવવા, ભૂલ સુધારવા અથવા અરજીનો ઝડપી નિકાલ કરાવવા માટે સરકારી પ્રક્રિયા સિવાય વધારાના નાણાં કે કમિશનની માંગણી થતી હોવાની અરજદારો તરફથી ફરિયાદો મળતી હોવાનો પણ રજૂઆતમાં ઉલ્લેખ કરાયો છે.

આ આક્ષેપોની નિષ્પક્ષ Vigilance/ACB સ્તરની તપાસ કરાવવામાં આવે તથા સરકારી ફી સિવાય કોઈ રકમ ચૂકવવાની જરૂર નથી તે અંગે સ્પષ્ટ જાહેરનામું બહાર પાડવામાં આવે તેવી માંગ કરાઈ છે. ગેરકાયદેસર નાણાંની માંગણી થાય તો ફરિયાદ ક્યાં અને કેવી રીતે કરવી તેની માહિતી પણ જાહેર કરવા જણાવાયું છે.

વલસાડ જિલ્લા વહીવટી તંત્ર હેઠળ DILR કચેરી રી-સર્વે દરમિયાન લોકોની વાંધા અરજીઓના આધારે માપણી કરી દરખાસ્ત તૈયાર કરવાની કામગીરી પણ કરે છે.

આશરે 27 હજાર પેન્ડિંગ અરજીઓને “ટોપ પ્રાયોરિટી મિશન” તરીકે લઈ વિશેષ અભિયાન શરૂ કરી નિર્ધારિત સમયમર્યાદામાં નિકાલ કરવામાં આવે, તેવી માંગ સાથે ડો. નિરવ ભુલાભાઈ પટેલે જિલ્લા કલેક્ટર સમક્ષ રજૂઆત કરી છે.

Back to top button
error: Content is protected !!