વલસાડમાં ડો.બાબાસાહેબ આંબેડકરની જન્મ જયંતી નિમિત્તે ૩૦૮ તેજસ્વી વિદ્યાર્થીઓને સન્માનિત કરાયા
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
વલસાડ:તા.૧૫ એપ્રિલ–ડો.બાબા સાહેબ આંબેડકર જન્મ જયંતી નિમિત્તે વલસાડ રણભૂમિ સંસ્થા અને આદિવાસી સંઘ તથા સરપંચના સહયોગથી કલવાડા ચાર રસ્તા ખાતે રેલી તથા તેજસ્વી વિદ્યાર્થીઓના સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું.
વલસાડ તાલુકાની દરેક શાળાના દરેક ધોરણના પ્રથમ અને દ્વિતીય ક્રમે ઉતીર્ણ થનાર ૩૦૮ બાળકોને સન્માનિત કરવામાં આવ્યા હતા. સામાજિક કાર્યકર તથા છાંયડો હોસ્પિટલ ખેરગામના ડોક્ટર નિરવ પટેલ, સામાજિક કાર્યકર જયશ્રી પટેલ અને અમરત પટેલ, વલસાડ રૂરલ પોલીસ સ્ટેશનના પી.આઈ. બી.ડી.જીત્યા, રણભૂમિના પ્રમુખ કેયુર પટેલ તથા આદિવાસી સંઘના અનિલભાઈ, પરેશભાઈ, મયુરભાઈ, શૈલેષભાઈ, પ્રજ્ઞેશભાઈ અને ઉમંગભાઈની ટીમ આજુબાજુના ગામોના સરપંચોની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ભાગ લઈ આંબેડકર જયંતી ઉજવી હતી.
મહેમાનોના હસ્તે તેજસ્વી વિદ્યાર્થીઓને મોમેન્ટો આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમમાં ઠક્કરવાડા તેમજ ઘડોઈ ગામની બહેનો દ્વારા આદિવાસી કૃતિ તથા યોગાસન ખેલાડી સેજલ ગુપ્તા દ્વારા યોગ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનું મંચ સંચાલન નિલેશ કોસીયાએ કર્યુ હતું. આ કાર્યક્રમ વકીલ કેયુર પટેલ તથા આદિવાસી સંઘની ટીમ તેમજ સરપંચોના સહયોગથી સફળ રહ્યો હતો.